કાલિન્જર : ઉત્તર પ્રદેશના ભાગરૂપ બુંદેલખંડના બાંદા જિલ્લામાં 1230 ફૂટ ઊંચી પહાડી પરનો અજેય ગણાતો કિલ્લો. ચંદેલા રાજા ચંદ્રવર્માએ આ દુર્ગ બંધાવ્યો હતો અને કીર્તિવર્માએ તેનો વિસ્તાર કર્યો હતો. 1202માં કુત્બ-ઉદ્-દીને કાલિન્જર ઉપર હુમલો કરી, બુંદેલા રાજા પરમર્દીના પ્રધાન અજયદેવને પાણીની તંગીને કારણે હાર સ્વીકારવા ફરજ પાડી હતી. શેરશાહ સુરે નવેમ્બર 1544માં આ કિલ્લો જીતવા હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન એક ગ્રેનેડ દારૂગોળાના ઢગલામાં પડતાં શેરશાહ ખૂબ દાઝી ગયો હતો પણ તેના અવસાન પહેલાં 22 મે 1545ના રોજ તે કિલ્લો જીતી લેવાયો. ચંદેલા વંશના શાસન દરમિયાન બંધાયેલાં મંદિરોની સંખ્યાબંધ મૂર્તિઓ અહીંથી મળે છે, તે પૈકી પર્વતના ખડકમાં કંડારાયેલી નીલકંઠ મહાદેવની પ્રતિમા તથા ચતુર્મુખ શિવલિંગ નોંધપાત્ર છે.
પ્રવીણચંદ્ર પરીખ
મુગટલાલ પોપટલાલ બાવીસી