કાલિનીનગ્રાડ : રશિયાનું એ જ નામના જિલ્લાનું રાજકીય અને વહીવટી મથક અને બંદર. તેનું જૂનું નામ કોનીસબર્ગ છે. ભૌગોલિક સ્થાન : 54o 43’ ઉ. અ. અને 20o 30’ પૂ. રે.. તે પ્રેગલ નદીને કાંઠે તેમજ વિસ્તુલા ખાડીસરોવરના મૂળ પર વસેલું છે. 1945ના પોસ્ટડામ કરાર અન્વયે બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ પ્રશિયાના ઉત્તરના પ્રદેશ સાથે તેની રાજધાનીનું આ શહેર રશિયાના આધિપત્ય નીચે મુકાયું. રશિયાના અગ્રણી ક્રાંતિકારી અને રશિયાની સુપ્રીમ સોવિયેટના એક વખતના પ્રમુખ મિખાઇલ ઇવાનોવિચ કાલિનીનનું નામ આ શહેર સાથે જોડવામાં આવ્યું છે. બાલ્ટિક સમુદ્રના કિનારે બારેમાસ બરફ રહિત રહેતું આ શહેર અગાઉ જર્મનીનું નૌકામથક હતું. હાલ તે રશિયાનું મહત્વનું નૌકામથક તથા વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં માછીમારીનું કેન્દ્ર વિકસ્યું છે. અહીં અંબરની અને બુચની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. યંત્રો, સુથારીકામનાં સાધનો અને લોખંડની વસ્તુઓ બનાવવાનાં અને રેલવેનાં એંજિનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. રસાયણ, ખાંડ, બિયર અને મત્સ્યના ઉદ્યોગ પણ અહીં છે. સંગીતનાં સાધનો પણ અહીં બને છે. મસૂરની દાળ તથા અનાજના વેપારનું તે વિશ્વકેન્દ્ર છે. અનાજ, લોટ, શણ, ઇમારતી લાકડું, ઢોર, ચામડાં, ખોળ વગેરે અહીંથી નિકાસ થાય છે, જ્યારે કોલસા, ફૉસ્ફેટ અને સ્ટીલની વસ્તુઓની તે આયાત કરે છે. અહીં સમુદ્રશાસ્ત્રનું સંશોધનકેન્દ્ર તેમજ વનસ્પતિઉદ્યાન તથા પ્રાણીઉદ્યાન, જહાજવાડો આવેલાં છે. તદુપરાંત યંત્રો, કાગળનો માવો, રસાયણો અને કૃષિપેદાશોનું મથક છે.

જૂનું શહેર સ્ટીનડામ નામના ગામડા નજીક 1255માં ટ્યુટોનિક સરદારોએ બંધાવેલ કિલ્લા ફરતું વિકસ્યું હતું. બાલ્ટિક વિસ્તારમાં ટ્યુટોનિક સંસ્કૃતિના કેન્દ્ર સમાન આ શહેરને 1286માં નાગરિક હક્કો મળ્યા હતા અને 1340માં તે હેનસિઆટિક નામના ઉત્તર યુરોપનાં શહેરોના વ્યાપારી નિગમ સાથે જોડાયું; 1457માં ટ્યુટોનિક સંઘના ગ્રાંડ માસ્ટરનું તે નિવાસસ્થાન થયું; 1525માં પ્રશિયાની જાગીરની રાજધાની બન્યું. 1618 સુધી પ્રશિયન ઉમરાવોનું તે નિવાસસ્થાન હતું. આ જ વર્ષે તેને બ્રાડેનબર્ગ સાથે ભેળવી દેવાયું અને 1701માં અને 1861માં પ્રશિયન રાજવીના રાજ્યારોહણનું સ્થાન બન્યું હતું. 1928 પછી તેના ઉદ્યોગો વિકસ્યા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે નાઝી પક્ષનું મજબૂત કેન્દ્ર હતું; 1945માં રશિયનોએ તે જીતી લઈને તેનું હાલનું કાલિનીનગ્રાડ નામ આપ્યું. ઇમેન્યુઅલ કાન્ટ અને ફ્રેડરિક આઈ(બંને ભૂગોળવિદ્)નું આ જન્મસ્થળ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જૂનો કિલ્લો, ઇમેન્યુઅલ કાન્ટે જ્યાં તત્વજ્ઞાન શીખવેલ તે યુનિવર્સિટીનું મકાન, ચૌદમી સદીનું કેથેડ્રલ જેની નજીક કાન્ટને દફનાવ્યો હતો તે સ્થાન તથા જૂની હેનસિઆટિક વખારો વગેરે નાશ પામ્યાં હતાં. વસ્તી : 4,91,866 (2023).

શિવપ્રસાદ રાજગોર