કાલિનિકૉવ, વાસિલી (જ. 13 જાન્યુઆરી 1866, ગામ વોઇન, ઑરેલ જિલ્લો, રશિયા; અ. 11 જાન્યુઆરી 1901, પૅરિસ, ફ્રાંસ) : રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. બાળપણમાં કાલિનિકૉવનું ઘર સંગીતના જલસાથી હંમેશાં ગુંજતું રહેતું. પહેલેથી જ તેમને સંગીતમાં ખૂબ રસ હતો અને કોન્ચર્તિના વાજિંત્ર વગાડવું શરૂ કરેલું. કાલિનિકૉવે સાંભળવા મળતાં રશિયન લોકગીતોની સૂરાવલિઓને કોન્ચર્તિના પર વગાડવી શરૂ કરી. ધીમે ધીમે દૂર દૂરથી લોકો તે સાંભળવા માટે આવવા માંડ્યા. સ્થાનિક દાકતર એ. વી. ચેપ્લાનૉવ સંગીતના ઊંડા રસિયા હતા. તેમણે છોકરડા કાલિનિકૉવને કાગળ ઉપરનું સ્વરાંકન ઉકેલતાં અને તે પર લખતાં શિખવાડ્યું. વળી તેમને વાયોલિન વગાડતાં પણ શીખવ્યું. તેર વરસની ઉંમરે કાલિનિકૉવે પાદરી થવા માટેનું ધાર્મિક શિક્ષણ લેવા માંડ્યું. આ માટે તેઓ એક ચર્ચમાં જોડાયેલા; પરંતુ પોતાના મીઠા સુરીલા કંઠ ઉપરાંત વાયોલિન અને કોન્ચર્તિના વગાડવાની કાબેલિયતને કારણે તેમને તુરત જ ચર્ચના ગાયકવૃંદ-કૉયરના સંચાલક બનાવી દેવામાં આવ્યા. પરંતુ હવે ધાર્મિક કારકિર્દી પડતી મૂકી સાંગીતિક કારકિર્દી ઘડવા માટે તેમનું મન ચળ્યું. 1884માં તેમણે મૉસ્કો કૉન્ઝર્વેટરીની પ્રવેશ પરીક્ષા પસાર કરી અને તેઓ સંગીતના વિદ્યાર્થી બન્યા. બીજે જ વર્ષે 1885માં મૉસ્કો કૉન્ઝર્વેટરીનો ત્યાગ કરી તેઓ મ્યુઝિક ઍન્ડ ડ્રામા સ્કૂલ ઑવ્ ધ મૉસ્કો ફિલ્હાર્મોનિક સોસાયટીના વિદ્યાર્થી બન્યા અને ત્યાં સ્વરનિયોજન માટેના સાંગીતિક સિદ્ધાંતો તથા બાસૂનવાદન તથા કૅટલડ્રમવાદન શીખવું શરૂ કર્યું. સતત સાત વરસ સુધી આ અભ્યાસ ચાલુ રહ્યો. આ દરમિયાન તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. 1892ની આખરમાં તે છવ્વીસ વરસની ઉંમરે સ્નાતક થયા અને તેમને ‘આર્ટિસ્ટ’ એવી ઉપાધિ (title) મળી. વિદ્યાર્થીકાળમાં પોતે રચેલી સંગીતકૃતિઓ તેમણે હવે પ્રસિદ્ધ કરવી શરૂ કરી.

1888માં તેમણે સંગીતમાં ઢાળેલાં ત્રણ ગીતોથી સંગીતના રસિયાઓ તેમને ઓળખતા થઈ જ ચૂકેલા. હવે તેમણે વિદ્યાર્થીકાળની કૃતિઓ ‘થ્રી ફ્યુગ્સ’ , ‘સ્કૅર્ઝો ફૉર ઑર્કેસ્ટ્રા’ તથા તુર્જનેવના ગદ્યકાવ્ય ‘નિમ્ફ’ પરથી પ્રેરિત તે જ શીર્ષક ધરાવતી સિમ્ફનિક પોયેમ પ્રકાશિત કરી.

વિદ્યાર્થીકાળથી જ જે સિમ્ફનીના કાચા મુસદ્દા તૈયાર કરેલા તે સિમ્ફનીને મઠારીને 1897માં પહેલી સિમ્ફની રૂપે પ્રકાશિત કરી. બે વરસ પછી 1897ના ફેબ્રુઆરીની એકવીસમીએ તેનું પ્રથમ વાદન કીવ નગરમાં કન્ડક્ટર એ. એન. વિનૉગ્રૅડ્સ્કી હેઠળ થયું. થોડા જ દિવસોમાં જર્મન કન્ડક્ટર હર્માન ઝુમ્પે હેઠળ આ સિમ્ફનીનું વાદન મૉસ્કોમાં થયું. જોતજોતાંમાં આ સિમ્ફની વિશ્વવિખ્યાત બની ગઈ. એ પછી કાલિનિકૉવે બીજી સિમ્ફની લખી.

1897માં કાલિનિકૉવ ફ્રાંસ ગયા. ત્યાં જર્મન રોમૅન્ટિક કવિ હિન્રીખ હેઇનના કાવ્ય ‘ધ સિડાર ઍન્ડ ધ પામ ટ્રી’ પરથી પ્રેરિત તે જ શીર્ષક હેઠળની સિમ્ફનિક પોયેમ લખી. શીર્ષક સૂચવે છે તે મુજબ જ ઠંડા અને ઉષ્ણ વાતાવરણ, અણિયાળી અને હૂંફાળી લાગણીઓનો વિરોધાભાસ (juxtaposition) કાલિનિકૉવે એમાં વ્યક્ત કર્યો છે.

એસ. આઈ. મામૉન્ટૉવના લિબ્રેતો(પટકથા અને સંવાદો)ના આધારે કાલિનિકૉવે 1899માં ઑપેરા ‘ઇન 1912’ લખવો શરૂ કર્યો. પરંતુ દુર્ભાગ્યે, તે અધૂરો જ રહ્યો. ક્ષયે વરવું રૂપ ધારણ કરતાં તેઓ પાંત્રીસ વરસની ઉંમર પૂરી કરતાં પહેલાં જ મૃત્યુ પામ્યા.

અમિતાભ મડિયા