કાલાહંડી : ઓડિસા રાજ્યમાં સંબલપુર અને નવાપરાના કેટલાક ભૂમિભાગોને જોડીને રચવામાં આવેલો જિલ્લો. આ રાજ્યની અગત્યની નદી ગોદાવરી અને ટેલ નદીની શાખા મહાનદીને કારણે આ પ્રદેશમાં કાંપનું ફળદ્રૂપ મેદાન બનેલું છે. સાથે સાથે આ જિલ્લામાં ભવાનીપટણા અને જૂનાગઢ જિલ્લાનો ફળદ્રૂપ મેદાની પ્રદેશ ઉમેરાયેલો હોવાથી અહીં ડાંગર, તમાકુ, ઘઉં અને તેલીબિયાંની ખેતી થાય છે. આ જિલ્લામાંથી મૅન્ગેનીઝ, ગ્રૅફાઇટ, બૉક્સાઇટ જેવી કીમતી ખનિજ ઉપરાંત જંગલોને કારણે લાકડું પણ પ્રાપ્ત થાય છે. રાયપુર-વિશાખાપટ્ટનમ્ રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. આ જિલ્લાની દક્ષિણે કોરાપુટ જિલ્લાની સરહદ આવેલી છે. દંડકારણ્ય વિકાસ યોજનાનો આ જિલ્લાને પણ લાભ મળ્યો હોવાથી પ્રગતિશીલ બન્યો છે. આ જિલ્લાનો વિસ્તાર 70920 ચોકિમી. જ્યારં વસ્તી 15,73,054 (2011).
મહેશ મ. ત્રિવેદી