કાલસર્પયોગ : અત્યંત ચર્ચાયેલો પણ કપોલકલ્પિત મનાયેલો ગ્રહયોગ. જે રીતે વેદકાલીન જ્યોતિષ મહર્ષિઓએ રાહુ-કેતુ છાયા ગ્રહોનો ઉલ્લેખ કરેલો નથી, તેવી રીતે ‘કાલસર્પયોગ’ પણ રાહુ-કેતુ આધારિત હોઈ તેનો પણ મૂળભૂત જ્યોતિષ ગ્રંથોમાં આધાર જોવા મળતો નથી. લગભગ 1930-1940ના દાયકાથી જ્યોતિષીઓમાં ‘કાલસર્પ’ નામના અશુભ યોગની ચર્ચા થાય છે. આ યોગના પ્રતિપાદકોના કહેવા મુજબ કુંડળીમાં રાહુ-કેતુની વચ્ચે સૂર્યથી લઈ શનિ પર્યંતના સાત ગ્રહો આવી જાય તો ‘કાલસર્પયોગ’ થાય. એવા યોગમાં જન્મેલી વ્યક્તિનું જીવન સંઘર્ષમય નીવડે એમ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં આ યોગ થયો હોય તેમના માટે એટલે આ યોગ માટે શાંતિ (પૂજાવિધાન) આદિ કર્મકાંડ વિધિઓ પણ સૂચવવામાં આવે છે. મહદ્અંશે દક્ષિણ ભારતમાં ‘કાળસર્પયોગ’ તથા તેનું વિધિવિધાન સૌપ્રથમ અસ્તિત્વમાં આવ્યું.

આપણા પૂર્વાચાર્યોએ નભોમંડળના અંતરિક્ષમાં દિવ્યદૃષ્ટિથી કરેલા પરીક્ષણોના પરિણામ સ્વરૂપે ખગોળીય ઘટનાક્રમે મૂળભૂત સાત ગ્રહોના પ્રકાશિત તારાઓનાં ભૌતિક રૂપે દર્શન કર્યાં. ત્યારબાદ સૂર્ય-ચંદ્રગ્રહણનાં રહસ્યો ઉકેલવા જતાં સૂર્યની ભ્રમણ કક્ષા તથા નક્ષત્રમાળાની સાંકળ એવા ક્રાંતિવૃત્ત ઉપર ચંદ્રની ઉત્તરે જે સંપાતબિંદુ (છેદન) અંકિત કરાયું તે રાહુ તથા તેની બરાબર સામે 180ના અંતરે બીજુ સંપાત બિંદુ કેતુના નામથી ઓળખાય છે. રાહુ-કેતુ પ્રકાશમાન થતાં ભૌતિક ગ્રહો નહીં હોવાથી તેને છાયાગ્રહો ગણવામાં આવે છે.

ક્રાંતિવૃત્ત પરનાં આ બંને બિંદુઓ સમયની અવધિ માટે મહત્ત્વનાં હોઈ તેને ‘કાળ’ તથા તે સર્પાકારે જોડાયેલાં હોવાથી ‘સર્પ’ સંજ્ઞા આપવામાં આવી. તેની પૃથ્વી પરની સજીવસૃષ્ટિ ઉપર થતી અસરોને સંશોધનકારોએ ઘણી જ વ્યાપક મહત્ત્વની અનિષ્ટકારક બતાવી છે. જન્મકુંડળીમાં  રાહુ-કેતુ હંમેશાં સામસામે જ રહે છે. તેના દૃશ્ય અને અદૃશ્ય ગોળાર્ધમાં એક તરફ જ્યારે પ્રકાશિત સાતેય ગ્રહો આવી જાય છે તેને ‘કાળસર્પયોગ’ કહેવાય છે. આ યોગ 12 જન્મલગ્ન અને 12 રાશિ ગણતાં કુલ 144 પ્રકારે તથા રાહુ-કેતુ બંનેને ઊલટા-સૂલટી ગણતાં 1442 288 રીતે કાલસર્પયોગ બને છે.

ગ્રહોની ગતિના આધારે કાલસર્પયોગક્યારે ક્યારે ઉદભવી શકે છે તે સમજવાની સહેલી રીત નીચે મુજબ છે :

જ્યારે રાહુ રાશિ બદલે ત્યારે સર્વપ્રથમ શનિ કેતુથી કેટલામી રાશિ ઉપર છે તે શોધી કઢાય છે. શનિ જો કેતુની રાશિથી આગળની રાશિમાં હોય તો તે રાહુ-કેતુની વચ્ચે રહેવાનો છે એમ મનાય છે. પણ જો કેતુની રાશિ પહેલાંની રાશિ ઉપર તે હોય તો તેની ગતિના હિસાબથી ગણિત કરી તે કેતુની રાશિના અંશ કરતાં ક્યારે આગળ નીકળી જશે તે નક્કી કરી લેવાય છે. કેતુની રાશિ ઉપર આવી ગયા પછી તે લગભગ બાર-પંદર વર્ષ સુધી રાહુ અને કેતુની વચ્ચે ભ્રમણ કરે. આવી જ રીતે ગુરુ કેતુની રાશિ વટાવી આગળ નીકળી જાય ત્યાર પછી લગભગ છ-સાત વર્ષ પર્યંત રાહુ અને કેતુની વચ્ચે રહે. આમ આ બે મંદગતિવાળા ગ્રહોનું રાશિભ્રમણ નક્કી કર્યા પછી મંગળનો રાશિચાર જોવાય છે. મંગળ કોઈ કોઈ વખત છ-છ મહિના એક રાશિ ઉપર રહે છે. છતાં તે વર્ષ દરમિયાન ગમે ત્યારે પણ કેતુની રાશિ વટાવી રાહુ-કેતુની વચ્ચે આવી જાય છે. કેતુની રાશિવાળી સંક્રાંતિમાં સૂર્ય આવે ત્યારે શુક્ર, બુધ પણ તેની નજીકમાં રહેતા હોવાથી તે પણ રાહુ-કેતુની વચ્ચે લગભગ છ-સાત મહિના જેટલા સમય સુધી રહે. વળી પાછા બીજી સાત રાશિઓ વટાવી ફરીથી રાહુ-કેતુની વચ્ચે આવી જાય. આમ શનિ અને ગુરુ રાહુ-કેતુના અંતરાલમાં હોય ત્યારે દર વરસે છ-સાત મહિના તે રાહુ-કેતુની વચ્ચે રહે. ચંદ્ર તો દર મહિનામાં લગભગ પંદર દિવસ રાહુ-કેતુની વચ્ચે આવી જ જાય છે. એટલે આવા ગ્રહચારવાળા વર્ષે, દર છ-સાત મહિનાના ગાળામાં લગભગ 15-15 દિવસના અંતરે બધા જ ગ્રહો દર પંદર દિવસ સુધી રાહુ-કેતુ વચ્ચે રહે છે. તે સમયમાં જન્મનાર દરેક વ્યક્તિને કાલસર્પયોગ લાગુ પડે એમ માનવું પડે.

હવે ગણિતની દૃષ્ટિએ વિચાર કરીએ તો જ્યારે જ્યારે રાહુ અને કેતુની વચ્ચે શનિ, ગુરુ અને મંગળ (ગમે તે રાશિમાં) આવી જતા હોય તે વર્ષોમાં ઘણા લાંબા સમય સુધી કેતુથી લઈ રાહુની રાશિ પર્યંતમાં ચંદ્રની સ્થિતિવાળા સમયમાં જન્મેલાઓને બહુધા કાલસર્પયોગ થવાનો; તેથી શું એ બધા દરિદ્ર થવાના ? જો તેમ જ હોય તો કાલસર્પયોગ બધા રાજયોગો કે શુભ યોગોનો ભંગ કરે છે એમ માનવું પડે અથવા કાલસર્પયોગનો બીજા યોગો ભંગ કરે છે એમ માનવું પડે. ગાણિતિક દૃષ્ટિએ એક ઉદાહરણ જોઈએ : સંવત 2024ના પોષ સુદ એકમથી જેઠ વદ અમાસ સુધીના ગાળામાં તુલાથી મેષ સુધીની રાશિમાં (ચંદ્ર રાશિમાં) જન્મેલી દરેક વ્યક્તિને કાલસર્પયોગ થાય. આવી જ રીતે બીજાં વર્ષોમાં જિજ્ઞાસુઓ શોધી શકે. અને તે તે કાળમાં જન્મેલાનું જીવન કેવું છે તે તપાસે તો આ યોગ પર વિશેષ પ્રકાશ પડે. પરંતુ આ 288 પૈકી 12 યોગ પ્રમુખ છે. જેનાં ક્રમશઃ નામ – અનંત, કુલિક, વાસુકિ, શંખપાલ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, શંખનાદ, પાતક, વિષાકત તથા શેષનાગ.

કાલસર્પયોગમાં જન્મેલી વ્યક્તિને દારિદ્ય્ર, કૌટુંબિક વિટંબણાઓ, દાંપત્યસુખમાં વિઘ્ન આદિ અશુભ ફળ થાય છે એમ કેટલાક કહે છે, પરંતુ ઘણી કુંડળીઓના અભ્યાસ પછી આ બધું ભ્રાંતિ ભરેલું છે એમ જણાયું છે. ઊલટું, આવા યોગમાં જન્મેલી વ્યક્તિઓને અશુભ ફળની જગ્યાએ ઘણું શુભ ફળ થતું પણ માલૂમ પડ્યું છે. કાળસર્પયોગ હંમેશાં ખરાબ ફળ આપતો નથી. જન્મલગ્ન વર્ગોત્તમી હોય, અન્ય રાજયોગ થતા હોય, પંચમહાપુરુષ, નીચભંગ, પરિવર્તન, અર્ધચંદ્રકાર યોગ થતા હોય તો કાલસર્પયોગ સકારાત્મક ફળ આપે છે. આવી વ્યક્તિ કુનેહદૃષ્ટિ, ત્વરિત નિર્ણયશક્તિવાળી, ઓજસ્વી, સંઘર્ષશીલ, નિર્ભીક, નીડર, હાર ન માને તેવી, ત્યાગ-બલિદાન આપવાવાળી તપોનિષ્ઠ, આંદોલનકારી તથા સામૂહિક નેતૃત્વક્ષમતા ધરાવે છે.

જવાહરલાલ નહેરુ, કાલ માર્કસ, ચૈતન્ય મહાપ્રભુ, માર્ગરેટ થેચર, હર્ષદ મહેતા, હેમા માલિની વગેરેનો જન્મ કાલસર્પયોગમાં થયેલો છે.

હિંમતરામ જાની

જયેશકુમાર સુ. રાવલ