કાલવાદ : ભારતીય દર્શનો અનુસાર કાલ વિશે પ્રવર્તતા વિભિન્ન મતો. કાલનું મહત્વ સામાન્ય માનવ સ્વીકારે છે તેમ તત્વચિંતકોએ પણ તેને વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરી છે. કુદરતમાં બધું કાલ અનુસાર જ થાય છે; માનવજીવનમાં પણ કાલ અનુસાર પરિવર્તન આવ્યા કરે છે. અથર્વવેદ(19.53, 54)માં કાલને પ્રજાપતિની જેમ પરમ સર્જક-ઉત્પાદક શક્તિ માનીને તેની સ્તુતિ કરી છે. શ્વેતાશ્વતર ઉપનિષદ(1.2; 6.1)માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કેટલાક સ્વભાવને, કેટલાક કાલને, કેટલાક નિયતિને… પરમ તત્વ માને છે, પણ ઋષિના મતે તો આ સૌ ભ્રમમાં ડૂબેલા છે. બ્રહ્મ એ જ પરમ તત્વ છે જે કાલનો પણ કાલ છે (6.16). મૈત્રાયણી ઉપનિષદ(6.14-16)માં એક મત રજૂ કર્યો છે જેમાં કાલનું મહત્વ સ્વીકાર્યું છે કે તે સર્વને પકવે છે, પણ એ જેને લીધે પાકે છે તેને જે જાણે છે તે વેદવિત્ છે. કાલને આદિત્યસ્વરૂપ બ્રહ્મ પણ માન્યો છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એ સમયમાં કાલવાદનો પ્રચાર ઠીક ઠીક હોવો જોઈએ.
ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકા પરની જૂનામાં જૂની ટીકાઓમાં કાલવાદનું ખંડન જોવા મળે છે. તદનુસાર કાલચિંતકો કહે છે કે કાલ કારણ છે, કારણ કે મહાભારતમાં કહ્યું છે તેમ કાલ ભૂતોનું સર્જન કરે છે અને પ્રજાઓનો લય પોતામાં કરી લે છે. કાલ સૂતેલાઓમાં જાગતો રહે છે પણ સાંખ્યના મતે ‘કાલ’ નામનો કોઈ પદાર્થ નથી. વ્યક્ત, અવ્યક્ત અને પુરુષ એ ત્રણમાં ક્યાંક કાલનો સમાવેશ કરી લેવો પડે.
આ પરથી જોઈ શકાય છે કે ‘કાલવાદ’ ઘણો જ પ્રાચીન હશે પણ તે દાર્શનિકોમાં વાદ તરીકે ખાસ સ્વીકૃતિ પામેલો નહિ. કાલ વિશે ભિન્ન મતો પ્રવર્તમાન રહ્યા. સાંખ્યો કાલ નામના પદાર્થને સ્વીકારતા નથી, પણ સ્વીકારવો જ હોય તો પચ્ચીસ તત્વોમાં જ ક્યાંક તેનો સમાવેશ કરી લેવો જોઈએ. ક્રિયાઓ જ કાલ છે, અથવા પ્રધાનને જ કાલ કહી શકાય; વિજ્ઞાનભિક્ષુના સાંખ્યપ્રવચનભાષ્ય પ્રમાણે કાલ નિત્ય અને ખંડ એમ દ્વિવિધ છે. નિત્યકાલ પ્રકૃતિનો ગુણવિશેષ છે, જ્યારે ખંડકાલ અલગ અલગ ઉપાધિના સંયોગથી આકાશમાંથી ઉત્પન્ન થાય છે. આવી જુદી જુદી સમજૂતી પ્રાપ્ત થાય છે. ન્યાય-વૈશેષિક અનુસાર કાલ નવ દ્રવ્યોમાંનું એક છે જે એક, નિત્ય અને વિભુ છે; સર્વ કાર્યોનું સર્વસાધારણ કારણ છે; અને જે અહંભાવ કે પૌર્વાપર્યનું જ્ઞાન થાય છે તેના પરથી તેનું અનુમાન કરી શકાય છે. રઘુનાથ શિરોમણિ અનેક વિભુ પદાર્થો સ્વીકારવામાં મુશ્કેલી અનુભવતા જણાય છે, તેથી કાલને ઈશ્વરરૂપ જ માને છે.
બૌદ્ધોમાં વૈભાષિકોના મતમાં 75 ધર્મોમાં કાલનો સમાવેશ ન હોવા છતાં પાછલા બારણેથી તેનો પ્રવેશ થઈ ગયો. તેઓ ત્રણ ‘અધ્વન્ – માર્ગ’ – કોઈ પણ ધર્મની (પદાર્થની) કારયિત્રી શક્તિ ન હોય પણ થવાની હોય, અને થયા પછી તેનો અભાવ થાય તે પ્રમાણે ભવિષ્ય, વર્તમાન, ભૂત સ્વીકારે છે. સૌત્રાન્તિકો કાલ જેવું કશું માનતા નથી. ભૂત કે ભવિષ્ય જેવું કશું છે નહિ; અને વર્તમાન પણ ધર્મથી અતિરિક્ત નથી. પદાર્થને જ ક્ષણ કહેવામાં આવે છે, તેનાથી અતિરિક્ત કોઈ ક્ષણ નથી. માધ્યમિક બૌદ્ધો કાલનું ખંડન કરે છે.
જૈન દર્શનમાં શ્વેતાંબર સંપ્રદાયના આચાર્યો કાલને દ્રવ્યનો પર્યાય માને છે અથવા જીવ, પુદગલ, આકાશ, ધર્મ, અધર્મ ઉપરાંત એક સ્વતંત્ર દ્રવ્ય માને છે. દિગંબર આચાર્યો કાલને સ્વતંત્ર દ્રવ્ય માને છે. જૈનો પ્રમાણે કાલ અણુરૂપ છે અને કાલાણુઓ અસંખ્ય છે, નિષ્ક્રિય છે અને એક ‘પ્રદેશ’માં રહે છે; તેમનો તિર્યક્ પ્રચય નથી, પણ ઊર્ધ્વપ્રચય છે. પ્રત્યેક કાલાણુના અસંખ્ય પર્યાયો હોય છે અને નાનામાં નાના પર્યાયને ‘સમય’ કહે છે. કાલદ્રવ્ય સમગ્ર લોકાકાશમાં હોય છે પણ માત્ર મનુષ્યક્ષેત્રમાં સમય આવલિકા, મુહૂર્ત આદિ તરીકે અભિવ્યક્ત થાય છે. જૈન દર્શન અનુસાર કાલ દ્વિવિધ છે – પરમાર્થ અને વ્યવહારરૂપ. પરમાર્થ કાલ માટે ‘ભૂત’, ‘વર્તમાન’, ‘ભવિષ્ય’ એ વ્યવહાર ગૌણ કે ઔપચારિક છે, જ્યારે વ્યવહાર કાલ માટે મુખ્ય છે. એક મત એવો પણ છે કે જીવ-અજીવ દ્રવ્યોના પર્યાયો એ જ કાલ, તેમનાથી અતિરિક્ત કાલ-દ્રવ્ય નથી.
પાતંજલ યોગસૂત્રનો મત વિશિષ્ટ છે. ક્ષણ સિવાય બીજો કોઈ કાલ નથી, ક્ષણસંતતિનો ખ્યાલ માત્ર એક કલ્પના છે. પતંજલિના વ્યાકરણ ‘મહાભાષ્ય’ પ્રમાણે કાલ નિત્ય, અખંડ, વિભુ પદાર્થ છે જે મૂર્તિમાન પદાર્થોના ઉપચય-અપચયનું કારણ છે. ભર્તૃહરિના મતે ‘શબ્દ’ પરમ તત્વ છે, અને કાલ તેની શક્તિ છે જે તેનાથી અભિન્ન છે. આ કાલશક્તિના બે અંશ છે – પ્રતિબંધ અને અભ્યનુજ્ઞા જે અનુક્રમે બધી ક્રિયાઓ અને કાર્યોને એકસાથે થતાં રોકે છે, અને બીજી બાજુ પ્રપંચમાં પૌર્વાપર્યને શક્ય બનાવે છે.
આમ સામાન્ય માણસો અને વિદ્વાનો પણ, વ્યવહારમાં કાલના ખ્યાલથી આટલા પ્રભાવિત હોવા છતાં દાર્શનિકોનો વિશાળ વર્ગ તેને સ્વતંત્ર પદાર્થ માનવામાં ખાસ તાર્કિકતા જોતો નથી. આમ છતાં ‘ભગવદગીતા’માં કાલને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિ તરીકે ગણાવ્યો છે.
એસ્થર સોલોમન