કાલવિચાર (આયુર્વેદ) : કાલના પરિમાણનો વિચાર. કાળ વિશેનો તાત્વિક વિચાર મુખ્યત્વે ‘કણાદ’ મહર્ષિના વૈશેષિક દર્શનમાં પ્રાપ્ત થાય છે. ન્યાયદર્શનમાં પણ કાળત્રયનો વિચાર કરેલ છે. વૈશેષિક દર્શનમાં કાળનો વિચાર કરેલ છે તે પ્રમાણે જ બીજાં શાસ્ત્રોએ અનુકરણ કરેલ છે. વૃદ્ધત્વ, તારુણ્ય, યૌગપદ્ય, ચિરત્વ તથા શીઘ્રત્વ – આ ‘કાળજ્ઞાપક’ લક્ષણો છે. વૈશેષિકોના મત પ્રમાણે કાલ એ 9 દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે. ઋગ્વેદકાળમાં સાવનદિવસની કાલગણના સૂર્યની ગતિ પ્રમાણે કરવામાં આવતી હતી. વર્ષનું ઋતુચક્ર સૂર્યાધીન માનતા હતા. ભારતમાં ચંદ્રના લીધે થનારું 12 ચાંદ્રમાસનું ‘ચાંદ્રવર્ષ’ તેમજ સૂર્ય અને તારાના લીધે થનારું ‘સૌરવર્ષ’ અને નાક્ષત્રવર્ષ એમ વર્ષ માનવામાં આવતાં અને એમનામાં દિવસોનો જે તફાવત રહે છે તેને દૂર કરવા માટે ‘અધિક માસ’ યોજવામાં આવતો. આનું જ્ઞાન વેદકાલીન ઋષિઓને વિશ્વમાં સૌ પહેલાં હતું. આ વેદકાલીન સંસ્કૃતિનું વૈશિષ્ટ્ય છે. વેદકાળમાં જે પ્રકારે કાળનો વિચાર કરવામાં આવેલ છે તે પ્રમાણે જ આયુર્વેદમાં વિચાર કરવામાં આવેલ છે.

‘કાલો હિ નામ ભગવાન્’ એટલે ‘કાળ’ એ જ પરમેશ્વર અથવા મહાસામર્થ્યવાન પદાર્થ છે; તેને કોઈએ ઉત્પન્ન કરેલ નથી. તે આદિ, મધ્ય અને અંતથી રહિત છે. રસોનું (રસવાળા પદાર્થોનું) વધવું તથા ઘટવું અને માણસોનું જીવવું તથા મરવું કાળને અધીન છે. એ કાળ જરા વાર પણ રોકાતો નથી તેથી અથવા પ્રાણીઓને સુખદુ:ખથી જોડી દે છે તેથી અથવા સર્વનો સંક્ષેપ કરી નાખે છે તેથી અથવા સર્વને મરણની સમીપમાં લઈ જાય છે તેથી એ ‘કાળ’ કહેવાય છે. મોટી શક્તિવાળા સૂર્યનારાયણ પોતાની ગતિવિશેષથી એ વર્ષરૂપ શરીરવાળા કાળના ક્ષણ, લવ, અક્ષિનિમેષ, કાષ્ઠા, કળા, મુહૂર્ત, અહોરાત્ર, સપ્તાહ, પક્ષ, માસ, ઋતુ, અયન અને સંવત્સર નામથી વિભાગો કરે છે. પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. કાલખંડ એટલે નાનીમોટી ક્ષણોનો સમુદાય. કાળના વિભાગોનું વિવેચન નીચે મુજબ છે :

ક્ષણ – અત્યંત નાનો સમયવિભાગ; સેકંડનો 4/5 ભાગ એટલે ક્ષણ.

લવ – 2 ક્ષણના સમયને લવ કહેવામાં આવે છે.

અક્ષિનિમેષ – 2 લવના સમયને અક્ષિનિમેષ કહેવામાં આવે છે. એક લઘુસ્વરનું ઉચ્ચારણ કરવામાં જેટલો સમય લાગે છે તે સમયને અક્ષિનિમેષ કહેવાય છે.

કાષ્ઠા – 15 અક્ષિનિમેષ થાય ત્યારે તેને કાષ્ઠા કહેવાય છે. 423 સેકંડ (41 સેકંડ) = 1 કાષ્ઠા.

કળા – ત્રીસ કાષ્ઠા થાય, લગભગ 2 મિનિટ 2212 સેકંડ = 1 કળા, ત્યારે એક કળા થાય છે.

મુહૂર્ત – ત્રીસ કળા થાય ત્યારે તેને મુહૂર્ત કહેવાય છે.

અહોરાત્ર – 30 મુહૂર્ત થાય ત્યારે એક અહોરાત્ર થાય.

1 ઘડી (ધરી) = 24 મિનિટ

1 ચોઘડિયા = 1½ કલાક (90 મિનિટ)

1 દિવસ(12 કલાક)ના 8 ચોઘડિયાં

1 રાતના(12 કલાક)ના 8 ચોઘડિયાં = લગભગ 48 મિનિટ.

(દિવસ તથા રાત્રિ મળીને એક અહોરાત્ર થાય છે)

(કાળમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ તથા કરણાદિનો અંતર્ભાવ જ્યોતિષના ર્દષ્ટિકોણથી કરવામાં આવેલ છે.)

સપ્તાહ – 7 અહોરાત્ર થાય ત્યારે તેને સપ્તાહ કહેવાય છે.

પક્ષ – 2 સપ્તાહનો એક પક્ષ થાય છે. શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ. એ પક્ષના બે ભેદ છે (પક્ષ = પખવાડિયું; શુક્લ = સુદ; કૃષ્ણ = વદ).

માસ – બે પક્ષ મળીને એક માસ થાય છે.

ઋતુ – 2 માસ મળીને એક ઋતુ થાય છે.

રસ અને બળની વૃદ્ધિ તથા હાનિને જાણવા માટેના કાળને વાતાદિ દોષોના સંચયાદિને જાણવાના કાળથી આચાર્યે જુદો માનેલ છે. પહેલા કાળમાં મહા-ફાગણ (શિશિર ઋતુ), ચૈત્ર-વૈશાખ (વસંત ઋતુ), જેઠ-અષાઢ (ગ્રીષ્મ ઋતુ), શ્રાવણ-ભાદરવો (વર્ષા ઋતુ), આસો-કારતક (શરદ ઋતુ) અને માગશર-પોષ(હેમંત ઋતુ)નો સમાવેશ થાય છે; જ્યારે દોષોના સંચય, પ્રકોપ, ઉપશમન માટે જે ઋતુકાળ માનવામાં આવેલ છે તેમાં પોષ-મહા (શિશિર ઋતુ), ફાગણ-ચૈત્ર (વસંત ઋતુ), વૈશાખ-જેઠ (ગ્રીષ્મ ઋતુ), અષાઢ-શ્રાવણ (વર્ષા ઋતુ), ભાદરવો-આસો (શરદ ઋતુ) અને કારતક-માગશર (હેમંત ઋતુ) માનવામાં આવી છે.

અયન – ત્રણ ઋતુ મળીને એક અયન થાય છે. એક વર્ષમાં આવાં બે અયન હોય છે; ઉત્તરાયણ અને દક્ષિણાયન. શિશિર, વસંત અને ગ્રીષ્મ એ ત્રણ ઋતુઓથી ઉત્તરાયણ થાય છે. ઉત્તરાયણમાં માણસોના બળનું સૂર્ય આદાન (ગ્રહણ) કરે છે. આથી એને ‘આદાન કાળ’ સમજવો. (સૂર્ય કઈ રાશિમાં છે તે ઉપરથી ઋતુઓનો ચોક્કસ નિર્ણય થાય છે. સૂર્ય મીન અને મેષ રાશિમાં હોય ત્યાં સુધી ‘વસંત ઋતુ’ હોય છે. એમ અનુક્રમે બે બે રાશિઓ લઈ વસંતથી શરૂ કરીને ઋતુઓ અનુક્રમે ગણાય છે.) વર્ષા, શરદ અને હેમંત એ ત્રણ ઋતુઓ મળીને ‘દક્ષિણાયન’ થાય છે. તેને ‘વિસર્ગકાળ’ કહે છે કેમકે આ સમયે સૂર્ય મનુષ્યને બળ આપે છે.

સંવત્સર – દક્ષિણાયન અને ઉત્તરાયણ એ બન્ને મળીને એક વર્ષ થાય છે; તેને સંવત્સર કહે છે.

યુગ – પાંચ સંવત્સર મળીને એક યુગ થાય છે.

ચક્રની પેઠે ફર્યા કરતા, ક્ષણથી માંડીને યુગ સુધીના આ સમયને કાળચક્ર (time cycle) કહે છે.

આચાર્ય ચરકે દશવિધ પરીક્ષ્ય વિષયોની ચર્ચા કરતી વખતે, તેમાં કારણ, કરણ, કાર્યયોનિ, કાર્ય, કાર્યફલ, અનુબંધ, દેશ, કાલ, પ્રવૃત્તિ અને ઉપાય – આ દશ પરીક્ષ્યભાવોની અંદર કાળનો સમાવેશ કરેલ છે. આ દશ વિષયોને જાણવાથી કાર્યની ઉત્પત્તિમાં પ્રવૃત્ત થયેલ કર્તાને (વ્યક્તિને) વધારે મહેનત કર્યા વગર ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. ‘कालस्तु पुनः परिणामः’ એટલે કે જે માસ ઋતુ અયન તથા વર્ષ વગેરેમાં સ્વયં પરિવર્તનશીલ છે તેને ‘કાલ’ કહેવાય છે. કાળ સંવત્સર અને રોગીની અવસ્થા પણ છે. સંવત્સરકાલ કાર્યને અનુલક્ષીને બે પ્રકારે, છ પ્રકારે, બાર પ્રકારે અને એથી પણ વધારે રીતે વિભક્ત કરાય છે. સંશોધનના ઉદ્દેશથી છ પ્રકારે વિભાગ કરી કાર્યનો ઉપદેશ કરવામાં આવે છે. ક્રમશ: શીત, ઉષ્ણ અને વરસાદના લક્ષણવાળી હેમંત, ગ્રીષ્મ, વર્ષા એ ત્રણ ઋતુઓ છે. તેમની વચ્ચે બીજી સાધારણ લક્ષણવાળી ત્રણ ઋતુઓ પ્રાવૃટ્, શિશિર અને વસંત છે. પ્રાવૃટ્ એ પ્રથમ પુષ્કળ વરસાદવાળો કાળ છે. તેની પછી આવતી વર્ષા છે. પ્રત્યેક વર્ષમાં ઘણા પવનવાળો સમય, પવન વગરનો સમય, તડકાનો સમય, છાયાનો સમય, ચાંદનીનો સમય, અંધકારનો સમય, શીતકાળ, ઉષ્ણકાળ, વર્ષાકાળ, રાત-દિવસ, પખવાડિયાં, મહિના, ઋતુઓ, અયનો ઇત્યાદિ જે જે વિષયો (ભેદો) જોવામાં આવે છે તે ‘કાળ’ના જ ભેદો છે. કાળના આ સ્વાભાવિક ભેદો સ્વભાવથી જ વાતાદિ દોષોના સંચય-પ્રકોપ-પ્રશમન અને પ્રતિકાર કરનારા છે તેમજ જ્વર, અતિસાર, આમવાત, વાતવ્યાધિ, ગ્રહણી વગેરે રોગોની ચિકિત્સામાં ઉપયોગી હોવાને લીધે, પ્રયોજનવાળા હોવાથી કાળને ઔષધિરૂપ ગણાય છે.

રોગી અવસ્થામાં પણ કાર્ય તથા અકાર્યની બાબતમાં કાળ-અકાળની સંજ્ઞા હોય છે, જેમ કે અમુક અવસ્થામાં અમુક ઔષધનો યોગ્ય સમય – એટલે કાળ – નથી પણ બીજા અમુક ઔષધનો યોગ્ય કાળ છે. આમ રોગી અવસ્થામાં પણ ‘કાળ’ અને ‘અકાળ’ની સંજ્ઞા છે. તેની પરીક્ષા જોઈને તેવા ભેષજ પ્રયોગ માટે વારંવાર રોગીની સર્વ અવસ્થાઓના વિશેષ ભેદોનું નિરીક્ષણ કરવું જોઈએ. કારણ કે સમયને વટાવી ગયેલું અથવા જેનો સમય પાક્યો ન હોય એવું ઔષધ વાપરવાથી તે સફળ થતું નથી; વળી ‘યોગ્ય કાળ જ’ ઔષધના પ્રયોગની સિદ્ધિને ઉત્પન્ન કરે છે.

શ્રીકાન્ત દેશપાંડે

બળદેવપ્રસાદ પનારા