કાલગુર્લી : પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. સોનાની સમૃદ્ધ ખાણો માટે આ શહેર વિશ્વભરમાં જાણીતું બનેલું છે. ભૌગોલિક સ્થાન : 30o 45′ દ. અ. અને 121o 28′ પૂ.રે.. ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે આવેલા પર્થ શહેરથી આશરે 600 કિમી.ના અંતરે તે આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ વેરાન અને શુષ્ક છે. તે પર્થ અને ફ્રીમેન્ટલ બંદરો સાથે રેલમાર્ગથી 1896થી જોડાયેલું છે. તે પછી 1917માં ટ્રાન્સ ઑસ્ટ્રેલિયા રેલમાર્ગ – સ્ટાન્ડર્ડ ગેજ રેલમાર્ગ દ્વારા તે દક્ષિણ ઑસ્ટ્રેલિયાના પૉર્ટ ઑગસ્ટા અને પૉર્ટ પીરી સાથે પણ સંકળાયેલું છે. ગ્રેટ ઈસ્ટર્ન હાઇવે તેને 600 કિમી. દૂર આવેલા પર્થ અને 416 કિમી. દૂર આવેલા એસ્પેરેન્સ સાથે જોડે છે.
અહીંથી આશરે 560 કિમી. દૂર આવેલા મુંડરિંગ આડબંધના જળાશયમાંથી પંપની મદદથી આ શુષ્ક પ્રદેશમાં પાણી પહોંચાડવાની સુવિધા કરવામાં આવેલી છે. આખો પ્રદેશ વેરાન હોવાથી તે છૂટું પડી ગયેલું સ્થળ છે, તેમ છતાં અહીં રાજ્ય સરકાર હસ્તકની તેમજ ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સગવડ છે. અહીં તકનીકી તાલીમ શાળા તથા ખાણ-તાલીમશાળા પણ આવેલી છે. કાલગુર્લી નગર 40થી પણ વધુ સ્પૉર્ટ્સ ક્લબોની સુવિધા ધરાવે છે.
1893માં પેટ્રિક હનાન, થૉમસ ફ્લેનગન તેમજ હાન શિયાએ અહીં સુવર્ણ નિક્ષેપો હોવાનું શોધેલું. અહીં સોનું મળી આવ્યું છે એવી જાણ થતાં દુનિયાભરમાંથી સોનું મેળવવા માટે ધસારો (Gold Rush) થયેલો. 1400 જેટલા ખાણનિષ્ણાતો તેના એક જ અઠવાડિયામાં અહીં ધસી આવેલા. તેમાંથી અહીં ‘હનાન’ની વસાહત ઊભી થઈ ગયેલી. ધીમે ધીમે તેમાંથી નગર થયું અને 1895માં આ નગરને કાલગુર્લી નામ અપાયું. અહીં ઊગી નીકળતા ‘ગાલગુર્લી’ નામના છોડ પરથી આ નામ આદિવાસીઓ દ્વારા અપાયેલું છે. 1898માં મુંડરિંગ આડબંધનું નિર્માણકાર્ય પૂરું થયા પછી આ શહેરનો ઝડપથી વિકાસ થયેલો છે.
1903 સુધી સોનાનું ઉત્પાદન ટોચ પર હતું. તેને લીધે તેની સમૃદ્ધિ પ્રથમ વિશ્વયુદ્ધ સુધી ટકી રહી હતી. 1929થી ખાણોની છીછરી ઊંડાઈએથી સોનું મળવું બંધ થતાં આ ઉદ્યોગ મંદ પડેલો. વળી સોનાનું શુદ્ધીકરણ વગેરે પ્રક્રિયાઓનો ખર્ચ વધી જતાં અને બજારભાવો સ્થિર રહેતાં, 1970 પછીથી અહીંથી થતું સોનાનું ઉત્પાદન ઘટ્યું છે. 1980માં સોનાના ભાવમાં ઉછાળો આવતાં નવાં ક્ષેત્રોનું સંશોધન હાથ પર લેવાયેલું. 1998ના અંતમાં એક મહત્વની સોનાની ખાણમાંથી ઉત્પાદન લેવાનું ચાલુ હતું. આ ઉપરાંત 1966માં અહીંથી નિકલ અને યુરેનિયમ પણ મળી આવ્યાં છે. અહીં નિકલ ગાળવાની ભઠ્ઠી તથા ફાઉન્ડ્રી ઉદ્યોગો પણ છે. વસ્તી : 32390 (ઈ. સ. 2023). ઓસ્ટ્રેલિયામાં વસ્તીની દ્રષ્ટિએ 41મો ક્રમ ધરાવે છે.
શિવપ્રસાદ રાજગોર
ગિરીશભાઈ પંડ્યા