કાર, ચિન્તામણિ

January, 2006

કાર, ચિન્તામણિ (જ. 1915, ખડ્ગપુર, બંગાળ) : આધુનિક ભારતીય શિલ્પી. કોલકાતાની ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયન્ટલ આર્ટ ખાતે ચિત્રકલા અને શિલ્પકલાનો અભ્યાસ 1936માં પૂરો કર્યો. ત્યારબાદ તેમણે પૅરિસ જઈ લૅકાદમી દે લા ગ્રોંદે શોમિરે (L’ Academi de Grande Chaumiere) ખાતે 1936થી 1939 સુધી શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. પછી 1939થી 1943 સુધી પૅરિસના લુવ્ર મ્યુઝિયમની કન્ઝર્વેશન લૅબોરેટરીમાં કલાકૃતિઓની જાળવણીની તાલીમ આપતો આર્ટ ક્ધઝર્વેશનનો અભ્યાસ કર્યો. ત્યારપછી તેમણે બ્રસેલ્સ જઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રૉયલ કલેક્શન ઑવ્ આર્ટમાં આર્ટ ક્ધઝર્વેશનનો વધુ અભ્યાસ કર્યો.

ચિન્તામણિ કાર

ભારત પાછા ફરીને કોલકાતાની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના તેઓ પ્રિન્સિપાલ નિમાયા અને ત્યારબાદ ભારત ખાતેના સૌથી વિશાળ મ્યુઝિયમ – ઇન્ડિયન મ્યુઝિયમ-ના ક્યુરેટર નિમાયા.

કારે કંડારેલાં બે શિલ્પો

કારનાં મૌલિક શિલ્પોમાં પરાવાસ્તવવાદી ઢબે માનવઆકૃતિઓનું સ્વપ્નિલ નિરૂપણ થયેલું જોવા મળે છે. ભારતમાં દિલ્હી અને કોલકાતા તથા વિદેશમાં રુમાનિયા, લંડન અને પૅરિસમાં કારે પોતાનાં શિલ્પોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. ભારતની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ ઉપરાંત સેન્ટ પીટર્સબર્ગના લ હર્મિતાજ મ્યુઝિયમમાં લાહોરના સેન્ટ્રલ મ્યુઝિયમમાં તથા નવી દિલ્હીના પાર્લમેન્ટ હાઉસમાં કારનાં શિલ્પ કાયમી ધોરણે સંઘરાયાં છે.

કારે ફ્રાંસ અને બેલ્જિયમ ઉપરાંત રશિયા, જર્મની, મૉંગોલિયા અને રુમાનિયાનો પ્રવાસ કર્યો છે. પ્રણાલીગત ભારતીય શિલ્પો ઉપર તેમણે પુસ્તકો લખ્યાં છે, જેમાં સમાવેશ પામે છે ‘ફારસી શિલ્પી ઓ સમાજ’ (1940, બંગાળી), ‘સાન્નિધ્ય’ (ખંડ 1 અને 2) (1959, બંગાળી), ‘ઇન્ડિયન ક્લાસિકલ સ્કલ્પ્ચર’ (1951) તથા ‘ઇન્ડિયન મેટલ સ્કલ્પ્ચર’ (1952).

અમિતાભ મડિયા