કારદાર, અબ્દુલ રશીદ

January, 2006

કારદાર, અબ્દુલ રશીદ (જ. ઑક્ટોબર 1940, લાહોર; અ. 22 નવેમ્બર 1989, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત નિર્માતા અને દિગ્દર્શક. બોલપટનો જમાનો શરૂ થયો તે પહેલાં તેમણે ઘણાં રોમાંચક મૂક ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. ‘હીર-રાંઝા’ એ તેમનું સર્વપ્રથમ ચલચિત્ર (1923).

થોડાક સમય માટે તેમણે કોલકાતાની એક ચલચિત્રનિર્માણ કંપનીમાં કાર્ય કર્યું. તેમનું ત્યાંનું છેલ્લું ચલચિત્ર ‘મિલાપ’ હતું જેમાં પૃથ્વીરાજ કપૂરે ભૂમિકા ભજવી હતી. મુંબઈ પાછા ફર્યા પછીનું તેમનું પ્રથમ ચલચિત્ર ‘બાગબાન’ ખૂબ લોકપ્રિય બન્યું. રણજિત મૂવિટોનમાં દિગ્દર્શક તરીકે સેવા આપ્યા પછી સમય જતાં કારદાર પ્રોડક્શન્સ નામની ચલચિત્ર કંપની શરૂ કરી.

અબ્દુલ રશીદ કારદાર

ચલચિત્રજગતની તેમની દીર્ઘ કારકિર્દી દરમિયાન તે ચાળીસ જેટલાં ચલચિત્રો સાથે સંકળાયેલા રહ્યા, જેમાંનાં ઘણાં લોકપ્રિયતાનાં શિખરો સર કરી શક્યાં હતાં. 1942-55ના ગાળા દરમિયાન તેમણે કેટલાંક એવાં ચલચિત્રોનું નિર્માણ કર્યું જે તેમના સંગીતને કારણે સિનેરસિકોનાં દિલ જીતી શક્યાં. દા.ત., ‘શારદા’, ‘સંજોગ’, ‘સંન્યાસી’, ‘શાહજહાં’, ‘દર્દ’, ‘નાટક’, ‘દિલ્લગી’, ‘દુલારી’, ‘દાસ્તાન’, ‘જાદુ’, ‘દિલ-એ-નાદાન’, ‘ચાચા ચૌધરી’, ‘યાસ્મિન’, ‘બાપ રે બાપ’.

ચલચિત્રજગતની ઘણી પ્રતિભાઓની શોધ કરવાનો જશ કારદારને ફાળે જાય છે. એમાં સંગીતકાર નૌશાદ, દિગ્દર્શક એસ. યુ. સુન્ની અને એમ. સાદિક, ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને શકીલ બદાયુની, ગાયિકા-અભિનેત્રી સુરૈયા અને ઉમાદેવી (જે પાછળથી ટુનટુન નામથી હાસ્યકલાકાર તરીકે પ્રસિદ્ધ થયાં) વિશેષ ઉલ્લેખનીય છે.

કારદારના પ્રથમ ચલચિત્ર ‘હીર-રાંઝા’ના અગ્રણી કલાકાર રફીક ગઝનવી પાછળથી સંગીત-દિગ્દર્શક તથા ગાયક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમની પૌત્રી સલ્મા આગા અગ્રણી ગાયક-કલાકારોમાં સ્થાન પામ્યાં છે.

કારદારનું મહત્વાકાંક્ષી નિર્માણ ‘દિલ દિયા દર્દ લિયા’ (1966) નિષ્ફળ નીવડતાં તેમણે ક્ષેત્રસંન્યાસ લીધો હતો.

નલિન શાહ