કારગિલ યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લડવામાં આવેલું અઘોષિત યુદ્ધ. 1947માં ભારતના ઉપખંડમાં થયેલ રાજકીય ઊથલપાથલને કારણે આ મહાદ્વીપમાં પાકિસ્તાન નામના એક નવા મુસ્લિમ મજહબી રાજ્યનો ઉદય થયો અને ત્યારથી 1999 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધો થયાં છે, જેમાંથી બે છદ્મ-યુદ્ધો હતાં (1947 અને 1999) અને બે ખુલ્લંખુલ્લાં (1965 અને 1971) યુદ્ધો હતાં. બે છદ્મ-યુદ્ધોમાં બીજું છદ્મ યુદ્ધ 1999નું જે જમ્મુ અને કાશ્મીર રાજ્યના કારગિલ નામના ભૌગોલિક વિસ્તારમાં ખેલાયું હતું અને તેથી તે ‘કારગિલ યુદ્ધ’ તરીકે જાણીતું બન્યું છે.

સીમાના રક્ષણ માટે ભારતીય સૈન્ય દ્વારા કારગિલ ખાતે શસ્ત્રસરંજામની મજબૂત જમાવટ

કારગિલ એ જમ્મુ અને કાશ્મીર રાજ્યના એક વહીવટી મંડળનું મુખ્ય મથક છે. તે કાશ્મીરના ભૌગોલિક પ્રદેશના મધ્યમાં ઝાસ્કર પર્વતમાળાના ઉત્તર તરફના ઢાળ પર 2,676 મીટરના અંતરે આવેલું છે. તે જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરથી 204 કિમી. ઈશાન દિશામાં છે. આ મંડળના વિસ્તારમાં શિયાળાની મોસમ દરમિયાન ભયંકર બરફ પડતો હોવાથી તથા આ સમગ્ર વિસ્તાર પહાડી હોવાથી કારગિલ મુખ્ય મથકની કુલ વસ્તી અત્યંત પાતળી – માત્ર આશરે 3,000 જેટલી છે. આ જ પ્રદેશમાં દ્રાસ નામનું બીજું મથક છે, જે શ્રીનગરથી 150 કિમી.ના અંતરે આવેલું છે. વિશ્વની ઊંચામાં ઊંચી પર્વતમાળાનો આ પ્રદેશ છે, જેમાંનાં કેટલાંક શિખરો 3,000 મીટરથી પણ ઊંચાં છે. આ વિસ્તારમાં આવેલું ભારતનું સૌથી ઊંચું K-2 શિખર 8,611 મીટરની ઊંચાઈ ધરાવે છે, જેના ઉત્તરમાં દક્ષિણ-પૂર્વ દિશા તરફ લદ્દાખમાળા આવેલી છે. લદ્દાખ અને ઝાસ્કર પર્વતમાળાઓની વચ્ચેથી સિંધુ નદી વહે છે જે અગ્નિથી વાયવ્ય દિશા તરફ વહેતી હોય છે. તેના ડાબા કે દક્ષિણ કાંઠે કારગિલ મંડળનો ભૂભાગ છે, જેની કુલ વસ્તી આશરે 65,000 જેટલી છે. આ વસ્તીમાં 80 ટકા મુસલમાનો અને 20 ટકા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ વસે છે. પહેલાં ત્યાં થોડી હિંદુ વસ્તી પણ હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ દાયકામાં ત્યાં જે આતંકવાદી પ્રવૃત્તિઓ વિસ્તરી છે તેને કારણે મોટાભાગના હિંદુ પરિવારો ત્યાંથી સ્થળાંતર કરી અન્યત્ર વસવાટ કરવા જતા રહ્યા છે. વ્યૂહાત્મક ર્દષ્ટિએ આ સમગ્ર પ્રદેશ મહત્વનો ગણાય છે, કારણ કે તેમાં આવેલાં શિખરો પરથી યુદ્ધ દરમિયાન આસપાસમાં ફેલાયેલા શત્રુનાં થાણાંઓ પર અદ્યતન આયુધો દ્વારા સહેલાઈથી મારો કરી શકાય છે. વળી કાશ્મીરના પ્રદેશમાંની ઘૂસણખોરી રોકવા માટે તેના પર કબજો કરવો અગત્યનો ગણાય છે.

કારગિલ મંડળના સમગ્ર વિસ્તારમાં શિયાળામાં પુષ્કળ બરફ પડતો હોવાથી તે ઋતુમાં દર વર્ષે ભારતીય સૈનિકો તે વિસ્તારમાં ઊભી કરવામાં આવેલી પોતાની સીમા-ચોકીઓ ખાલી કરી નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરતા હોય છે. 1999ના વર્ષમાં પાકિસ્તાને તેનો લાભ લઈ ભારતીય સૈનિકોએ ખાલી કરેલ સીમા-ચોકીઓ પર બદઇરાદાથી પાકિસ્તાની લશ્કરના જવાનોનો કબજો ગોઠવી દીધો અને આજુબાજુની ખીણમાં પોતાનાં લશ્કર અને યુદ્ધ- સામગ્રીના સંગ્રહ માટે તંબુ પણ ઠોક્યા. મે 1999માં પાકિસ્તાને પોતાના લશ્કરના લડાયક જથ્થામાંથી 1,000 જેટલા સૈનિકો અને આતંકવાદીઓને ભરવાડોના વેશમાં કારગિલ અને તેની આજુબાજુની પહાડીઓમાં ભેગા કર્યા. તેમનો ઇરાદો કાશ્મીરમાં મોટા પાયા પર એકસાથે ઘૂસણખોરી કરી સમગ્ર રાજ્યમાં અવ્યવસ્થા ફેલાવવાનો હતો. પાકિસ્તાનની ભારતવિરોધી અને ખાસ કરીને કાશ્મીર વિશેની વ્યૂહરચનાનો તે એક ભાગ હતો, જેના દ્વારા કાશ્મીર પર કાયમ માટે કબજો કરવાનો પ્રયાસ કરી શકાય; પરંતુ તેમના કમનસીબે 9 મે, 1999ના રોજ ભારતીય લશ્કરની એક ચોકિયાત ટુકડીએ 300 જેટલા ‘ભરવાડો’ની તે વિસ્તારમાં થઈ રહેલ શંકાસ્પદ હિલચાલ જોઈ લીધી, જેની સૂચના ત્વરિત ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી. આ સૂચનાને આધારે ભારતીય લશ્કરે ચીલઝડપથી તેનો સામનો કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢી અને ભરવાડોના વેશમાં ભારતીય પ્રદેશમાં ગેરકાયદેસર રીતે દસ કિમી. અંદર સુધી ઘૂસી આવેલા પાકિસ્તાની સૈનિકો પર હવાઈ દળની મદદથી વળતા હુમલા શરૂ કર્યા. ભારત-પાકિસ્તાન વચ્ચેનો આ ચોથો સશસ્ત્ર સંઘર્ષ મે, 1999ના મધ્યથી જુલાઈ 1999ના મધ્ય સુધી ચાલ્યો, જેમાં પાકિસ્તાનનો સદંતર પરાજય થયો. ભારતના લશ્કરના હાથે પાકિસ્તાની લશ્કરનો આ ચોથો કારમો પરાજય હતો. અલબત્ત, આ સશસ્ત્ર સંઘર્ષમાં ભારતીય લશ્કરના 326 અધિકારીઓ અને સૈનિકો શહીદ થયા હતા, 476 જવાનો ઘવાયા હતા અને 48 જવાનો લાપતા થયા હતા. ખુવારીની આ વિગતો માત્ર લશ્કરના અધિકારીઓ અને જવાનોની ખુવારીનો નિર્દેશ કરે છે. તેમાં નાગરિકોની ખુવારીનો નિર્દેશ નથી. ભારતના વિમાન દળે આ સંઘર્ષમાં એક લડાયક વિમાન તથા એક હેલિકૉપ્ટર ગુમાવ્યાં હતાં.

કારગિલનું આ યુદ્ધ ‘ઑપરેશન વિજય’ નામથી ઓળખાય છે.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે જે અરસામાં ભારત વતી પાકિસ્તાન સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવા માટેનાં નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં હતાં તે જ અરસામાં પાકિસ્તાને આ છદ્મ-યુદ્ધની તૈયારી કરી હતી. તે સમયે ભારતમાં કેન્દ્રમાં રાષ્ટ્રીય લોકશાહી મોરચા(એન.ડી.એ.)ની સરકાર અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ સત્તા પર હતી. આ સરકારે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય કરવાના સદ્હેતુથી કેટલાંક પગલાં લીધાં હતાં; દા.ત., બંને દેશોના નાગરિકોના પરસ્પર આવાગમનને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો વચ્ચે ભારતની પહેલ દ્વારા એક ‘સમઝોતા એક્સપ્રેસ’ નામની ખાસ ટ્રેન દાખલ કરવામાં આવી હતી, બંને દેશો વચ્ચે નિયમિત બસ-સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી અને આ નિર્ણય મુજબ સર્વપ્રથમ વખત બસ દિલ્હીથી લાહોર જવા રવાના થઈ ત્યારે પ્રધાનમંત્રી વાજપેયીએ પોતે તે બસમાં મુસાફરી કરી હતી અને પોતાની સાથે આ બસ-પ્રવાસમાં જુદા જુદા ક્ષેત્રના અગ્રણી ભારતીય નેતાઓને સદભાવનાના પ્રતીક તરીકે લઈ ગયા હતા. એક બાજુ ભારત વતી આવાં હકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં હતાં તે જ અરસામાં પાકિસ્તાને ભારત પર ફરી એક વાર આક્રમણ કરવાની યોજના ઘડી કાઢી હતી અને તેમાંથી જ કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આમ કારગિલ યુદ્ધ એ પીઠમાં ખંજર ખોસવાની પાકિસ્તાનની ભારતવિરોધી કાયમી કૂટનીતિનું તથા કાશ્મીર પર બળપૂર્વક કબજો કરવાની તેની લશ્કરી નીતિનું પરિણામ દર્શાવતો એક વધારાનો પુરાવો ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે