કાર્સ્ટ સ્થળર્દશ્ય : ચૂનાખડકવાળા વિસ્તારોમાં ઉદભવતાં સપાટી પરનાં અનિયમિત આકારવાળાં સ્થળર્દશ્યો. આ વિસ્તારોમાં ભૂગર્ભજળ એક વિશિષ્ટ પ્રાકૃતિક બળ તરીકે કાર્ય કરે છે. ભૂગર્ભજળની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચૂનાખડકવાળા વિસ્તારોમાં ડૂબક બખોલ (swallow holes), ભૂગર્ભપ્રવહનમાર્ગ (underground channels), પ્રાકૃતિક કમાન (natural arch) કે પ્રાકૃતિક સેતુ (natural bridge) જેવી લાક્ષણિક રચનાઓ તૈયાર થાય છે. ભૂગર્ભજળની આ પ્રકારની ક્રિયાઓને કારણે ચૂનાખડકવાળા વિસ્તારની સપાટી ઊંચાણ-નીચાણવાળી અને ખાંચાખૂંચીવાળી અણિયાળી બને છે. ચૂનાખડકવાળા વિસ્તારોમાં સપાટી પર વહેતા જળ-પરિવાહનો અભાવ હોય છે. ભૂગર્ભજળની આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દ્વારા એડ્રિયાટિક દરિયાકિનારાથી ઈશાનમાં ટ્રિયેસ્ટ અને કૉટરો વચ્ચે આવેલા ‘કાર્સ્ટના ઉચ્ચ સપાટ પ્રદેશ’ પરથી આ નામ આપવામાં આવેલું છે. કાર્સ્ટ સ્થળર્દશ્યના પ્રદેશમાં ચૂનાયુક્ત દ્રાવણ તૈયાર થાય તે બધું વહી જતું નથી. પરંતુ તે પૈકીનું કેટલુંક દ્રાવણ જે ભૂગર્ભમાં ઊતરે તેમાંથી ત્યાંની ગુફાઓમાં તે ટપકતું જઈને અધોગામી તેમજ ઊર્ધ્વગામી સ્તંભોની રચના થાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે