કાલ : વૈદિક સંહિતાઓમાં ‘સમય’ના અર્થમાં પ્રયુક્ત થયેલો શબ્દ. ‘અથર્વસંહિતા’(19.53 અને 54)નાં બે સૂક્તો કાલને ઉદ્દેશી રચાયેલાં છે. તેમાં કાલના મહિમાનો થોડોક ખ્યાલ અપાયેલો જોવા મળે છે. ઉપનિષત્ કાલમાં જીવ-અજીવ સૃષ્ટિ પર તેનો અનિવાર્ય પ્રભાવ જોવા મળે છે. ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’માં કાલનો પ્રભાવ વર્ણવી કાલ પર પરમેશ્વરની સત્તાનું વર્ણન કરાયેલું છે. આ કારણે પરવર્તી સમયમાં વ્યાવહારિક રીતે સર્વભૂતોને ગ્રસી જનાર કાલનું પ્રભાવોત્પાદક સ્વરૂપ સ્વીકારાયું હોવા છતાં વેદ અને ઉપનિષદની વિચારધારાને અનુસરતાં કેટલાંક દર્શનોમાં કાલ નામનું કોઈ તત્વ સ્વીકારાયું નથી અને જેમણે કાલદ્રવ્યનો સ્વીકાર કર્યો છે તેમણે માત્ર સમયના સંદર્ભમાં જ તેને સ્વીકાર્યું છે. ભગવદગીતામાં કાલને ભગવાનની એક વિભૂતિ તરીકે ભગવાન કૃષ્ણે શ્રીમુખે ગણાવ્યો છે.

જુદાં જુદાં દર્શનોમાં કાલનું સ્વરૂપ કંઈક આમ છે : જેને લીધે અતીત, અનાગત, વર્તમાન આદિ વ્યવહાર થાય છે તે કાલ. તે દિશાસંબંધી પરત્વ-અપરત્વ સિવાયનાં સમયનાં પરત્વ અને અપરત્વનું અસમવાયી કારણ છે. અહીં સમય અને વસ્તુનો સંયોગ તે પરત્વ-અપરત્વનું અસમવાયી કારણ સમજવાનું છે. કાલ સંયોગ-વિભાગ, ચિર-ક્ષિપ્ર આદિના અનુભવનું કારણ છે. આવી ધારણા ન્યાય-વૈશેષિક દર્શનોની છે. વ્યાકરણશાસ્ત્રના મતે કાલ શબ્દ તન્માત્રાનું પરિણામ છે. કાલને લીધે શરીરોના ચય-અપચયનું ભાન થાય છે. કાલનું જ્ઞાન માત્ર અનુમાનપ્રમાણથી જ થાય છે. જ્યેષ્ઠત્વ-કનિષ્ઠત્વનું ભાન થતાં જે પરત્વ-અપરત્વ સમજાય છે તે ઉપરથી કાલનું અનુમાન થાય. કાલ જગતનો આધાર છે અને કાર્યમાત્રનું નિમિત્ત કારણ છે. સાંખ્ય મતે કાલ કોઈ સ્વતંત્ર તત્વ નથી. આકાશતત્ત્વમાં તેનો અન્તર્ભાવ થાય છે અથવા દિક્ (દિશા) અને કાલ (સમય) એ ઈશ્ર્વરથી ભિન્ન કોઈ સ્વતંત્ર તત્ત્વો નથી. એટલે કે ઈશ્વર એ જ કાલ એવું સાંખ્યનું મન્તવ્ય છે. કાલ એક વિભુ (સર્વવ્યાપી) અને નિત્ય છે. એકત્વ સંખ્યા, પરમ મહત્ પરિમાણ, પૃથકત્વ, સંયોગ અને વિભાગ એ કાલના પાંચ ગુણ છે. ઉપાધિભેદે કાલનો ભૂત, વર્તમાન, ભવિષ્ય એમ વ્યવહાર થાય છે. વસ્તુઓનાં ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ કાલના સંદર્ભમાં સમજાય છે. તેથી કાલ ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશનો હેતુ ગણાય છે. કાલને લીધે જ ક્ષણ, લવ, પ્રહર, દિન, માસ, સંવત્સર આદિ વ્યવહારો થાય છે.

ગૌતમ પટેલ

નટવરલાલ યાજ્ઞિક