કાર્સન, રાશેલ (જ. 27 મે 1907, સ્પ્રિંગડેલ, પૅ; અ. 14 એપ્રિલ 1964) : જાણીતાં વિજ્ઞાન-લેખિકા તેમજ જૈવવૈજ્ઞાનિક. પર્યાવરણીય પ્રદૂષણ અને સમુદ્રના પ્રાકૃતિક ઇતિહાસ માટેના તેમના લેખો ખૂબ જાણીતા છે.

રાશેલ કાર્સન

બાલ્યાવસ્થાથી જ કુમારી કાર્સન વન્ય જીવન વિશે ઊંડો રસ ધરાવતાં હતાં. તેમણે ‘યુ.એસ.એ. બ્યૂરો ઑવ્ ફિશરીઝ’માં દીર્ઘકાળ સુધી સેવા આપી હતી. પાછળથી તેમણે ‘યુ.એસ. ફિશ ઍન્ડ વાઇલ્ડ લાઇફ સર્વિસ’માં પણ સેવા આપી. તેમણે 1951માં ‘ધી સી એરાઉન્ડ યુ.એસ.’ નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો અને નૅશનલ બુક એવૉર્ડનાં વિજેતા બન્યાં. અસરકારક ભવિષ્ય ભાખતું તેમનું પુસ્તક ‘સાયલન્ટ સ્પ્રિંગ’ (1962) અત્યંત નોંધપાત્ર છે. તેની દ્વારા પર્યાવરણીય પ્રદૂષણના ભય વિશેની જાગૃતિ વિશ્વવ્યાપક બની. સ્વામી આનંદે ‘સાયલન્ટ સ્પ્રિંગ’નો ‘મૂંગી વસંત’ નામે ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે.

તેમનાં અન્ય મહત્વનાં પ્રકાશનોમાં ‘અન્ડર ધ સી વિન્ડ’ (1941) અને ‘ધી એજ ઑવ્ ધ સી’(1955)નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ