કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે.

કાર્લા ચૈત્ય-ગુફા (પશ્ચિમી પ્રવેશદ્વાર)
કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં. ચૈત્યમાં પ્રાર્થના કરવાની સગવડ રહેતી, જ્યારે વિહારમાં ભિખ્ખુઓના નિવાસ માટેની વ્યવસ્થા રહેતી. ખડક સ્થાપત્યમાં ખડકમાંથી સ્તૂપ કંડારવામાં આવતો. આ અવસ્થાના સૌથી અગત્યના ચૈત્ય પુણે જિલ્લામાં ભાજા, કોલાબા જિલ્લામાં કોઉડા, હૈદરાબાદ પાસે પિત્તલખોરા અને અજન્તા (ગુફા નં. 9, 10), પુણે જિલ્લામાં બેડસા, નાસિકમાં પાણ્ડુલેણા, પુણે જિલ્લામાં જુન્નર અને કાર્લા અને મુંબઈ પાસેની કન્હેરી ગુફાઓ ધ્યાન ખેંચે છે.

હસ્તીસવારી સાથેના સ્તંભો
કાર્લાની ગુફાઓમાં આવેલું ચૈત્ય સૌથી મોટું અને બે મજલાનું છે. તેનું પ્રવેશદ્વાર શિલ્પથી અલંકૃત છે. તેમાંના ઉપલા મજલે સૂર્યના પ્રકાશ માટે કાષ્ઠકામવાળી ભવ્ય બારી છે. તેમાં ત્રણ દ્વારસ્થાનો છે. આ દ્વારસ્થાનોના વચલા ભાગમાં દાતા યુગલોનાં સુંદર શિલ્પો કંડારેલાં છે. તેની નીચેના મજલામાં ગુપ્તશૈલીની બુદ્ધ-આકૃતિઓ છે.

સ્તંભો ઉપરની શિરાવટી
બહારના મંડપની બાજુઓએ સ્થાપત્યની અનુકૃતિરૂપ ભૂમિકા કોરેલી છે. તેના નીચલા મજલામાં હાથીની ભવ્ય આકૃતિઓ કંડારેલી છે. મુખદ્વારની સન્મુખ પરસિપોલિટન શૈલીના બે સ્તંભો છૂટા ઊભેલા નજરે પડે છે. આ સ્તંભોની ટોચ ઉપર પીઠેપીઠ અડાડેલા સિંહોની આકૃતિઓ છે. આ સિંહો ધર્મચક્રને ટેકો કરે છે. આ સ્તંભોથી પણ વધુ સુંદર સ્તંભો મધ્યભાગને પડાળીથી જુદા પાડે છે. આ સ્તંભોના નીચેના ભાગમાં ઘડાનો આકાર છે. આ સ્તંભો અષ્ટકોણ છે. ટોચ ઉપરના ભાગમાં જીવંત લાગે એવી આકૃતિઓ છે, જેમાં બે હાથી ઘૂંટણિયે પડેલા છે. દરેક હાથીની આગળ એક તેજસ્વી યુગલ છે. ઉપરાંત અલંકૃત અશ્વો ઉપર સવાર બેઠેલા છે. અહીંનો સ્તૂપ ઊંચો અને નળાકાર છે. તેને કઠેડાની બે હારો છે. તેના ઉપર મૂકેલું કાષ્ઠનું અસલ છત્ર મોજૂદ છે. આ ચૈત્ય ઓરડાનો સમય ઈ.પૂ. પહેલો સૈકો મનાય છે. ભારતની ગણનાપાત્ર ઇમારતોમાં આ ઇમારતનો સમાવેશ કરવામાં આવે છે.
પ્રિયબાળાબહેન શાહ
રસેશ જમીનદાર