કાર્બોનેટ : કાર્બોનિક ઍસિડ(H2CO3, અથવા H2O + CO2)નાં વ્યુત્પન્નો.
તે બે પ્રકારના (કાર્બોનેટ અને બાયકાર્બોનેટ) હોય છે. કાર્બોનિક ઍસિડમાં બે વિસ્થાપીય હાઇડ્રોજન છે. એક H વિસ્થાપિત સંયોજનોને બાયકાર્બોનેટ (HCO3–) કહે છે. બે H વિસ્થાપિત સંયોજનોને કાર્બોનેટ (CO32–) કહે છે. તે Na, K અથવા અન્ય ધન આયનો ધરાવી શકે, જે અકાર્બનિક કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે ઓળખાય છે. અકાર્બનિક કાર્બોનેટ ઘણા ખનિજના ભાગરૂપે હોય છે; દા.ત., લાઇમ-સ્ટોન, ડૉલોમાઇટ વગેરે. કાર્બનિક કાર્બોનેટ એસ્ટર સંયોજનો છે, તેમાં કાર્બનિક ઍસિડના Hનું C2H5 અથવા અન્ય તેવા સમૂહથી વિસ્થાપન થયું હોય છે. સોડિયમ કાર્બોનેટ સોલ્વે પદ્ધતિથી બનાવવામાં આવે છે. કાર્બોનેટ સાથે પાણી અને CO2ની પ્રક્રિયાથી બાયકાર્બોનેટ બને છે. ખનિજ ઍસિડ સાથે તે જે તે આયનયુક્ત ક્ષાર અને CO2 આપે છે. CO22+ આયન sp2 સંકરણ ધરાવે છે અને તે ત્રિકોણીય ભૂમિતિ ધરાવે છે.
Na2CO3 + CO2 + H2O ↔ NaHCO3
પાણીની કઠિનતા CaHCO3ને લીધે હોય છે, જે નીચે પ્રમાણેની પ્રક્રિયાથી થાય છે :
CaCO3 + CO2 + H2O → Ca(HCO3)2
કાર્બોનેટ કરતાં બાયકાર્બોનેટ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે.
આલ્કલી ધાતુ અને એમોનિયમ કાર્બોનેટ સિવાય અન્ય કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય હોય છે. CaCO3માંથી CaO મળે છે, જે ચૂનો અને સિમેન્ટ બનાવવામાં ઉપયોગી છે. Na2CO3 કાચ, કાગળ વગેરેની બનાવટમાં તેમજ કાપડ ઉદ્યોગમાં ઉપયોગી છે. તેનું ઉત્પાદન મોટો રસાયણ-ઉદ્યોગ ગણાય છે.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ
પ્રવીણસાગર સત્યપંથી