કાર્બોનિયમ આયન : મધ્યસ્થ કાર્બન ઉપર ધન વીજભાર ધરાવતા મધ્યવર્તીઓ (intermediates); દા. ત., R3 C+. મધ્યસ્થ કાર્બન સાથે ત્રણ સમૂહો જોડાયેલા હોય છે અને તેના ઉપર છ ઇલેક્ટ્રૉન હોય છે. આ એવા અણુટુકડા છે, જેમાં એક કાર્બનમાંથી, એક સમૂહ અને બંધક ઇલેક્ટ્રૉન-યુગ્મ દૂર કરવામાં આવેલ છે. ધન ભારવાહી કાર્બનનું સંકરણ (hybridisation) sp2 પ્રકારનું હોય છે, જેથી આયન સમતલ હોય છે. ઇલેક્ટ્રૉન-ન્યૂનતા(electron deficiency)ને કારણે કાર્બોનિયમ આયનો ઇલેક્ટ્રૉન-યુગ્મ આપી શકે તેવા કોઈ પણ પ્રક્રિયક (nucleophile) સાથે ઝડપથી પ્રક્રિયા કરીને સહસંયોજક બંધ બનાવવા તત્પર હોય છે. કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ તૃતીયક > દ્વિતીયક > પ્રાથમિક ક્રમમાં હોઈ એકથી વધુ બંધારણો બનવાની શક્યતા હોય ત્યારે સૌથી વધુ સ્થાયિત્વવાળા આયનના નિર્માણની વધુ શક્યતા હોય છે. આ જ ક્રમમાં તેની ઉત્પત્તિની સરળતા પણ હોય છે.

કાર્બોનિયમ આયન અંગેનું બહુ જ જાણીતું ઉદાહરણ ઇથિલીન અને બ્રોમીન જળ વચ્ચેની યોગશીલ પ્રક્રિયા છે. બ્રોમાઇડ આયનની હાજરીમાં જ જો ક્લોરાઇડ (Cl) કે નાઇટ્રેટ હોય તો બીજાં અનુરૂપ વ્યુત્પન્નો પણ સાથે સાથે બને છે. કાર્બોનિયમ આયન મધ્યવર્તી તરીકે બને છે તેની એ સાબિતી છે.

કાર્બોનિયમ આયનનું મધ્યવર્તી તરીકેનું નિર્માણ યોગશીલ (addition), વિલોપન (elimination) અને દ્રાવકવિશ્લેષી (solvolytic) જેવી ઘણી પ્રક્રિયામાં સ્વીકારાયું છે. કાર્બોનિયમ આયન વધુ સ્થાયિત્વ મેળવવા પુનર્વિન્યાસ (rearrangement) પણ પામે છે.

કાર્બોનિયમ આયનની પરખ (detection) વર્ણપટ (IR, nmr) મારફત કરી શકાય છે. વધુ સ્થાયી આયનોને અલગ કરીને પણ તેમની સાબિતી મેળવી શકાય છે; દા. ત., ટ્રોપિલિયમ અને ટ્રાયફિનાઇલ મિથાઇલ કાર્બોનિયમ આયનો; આલ્કાઇલ કાર્બોનિયમ આયનો સ્વસ્થાને (in situ) આલ્કાઇલ ફ્લોરાઇડ અને SbF5 વચ્ચેની નીચા તાપમાને, SO2 કે ClSO2Fમાં થતી પ્રક્રિયાથી અથવા આલ્કોહૉલ(અથવા આલ્કિન)ને HF/SbF5 (અથવા FSO3H/SbF5)માં ઓગાળવાથી બનાવી શકાય છે અને તે પ્રબળ આલ્કાઇલેટિંગ પ્રક્રિયકો તરીકે વર્તે છે. કાર્બોનિયમ આયનને કાર્બિનિયમ આયન પણ કહે છે.

જ. પો. ત્રિવેદી