કાર્બામેઝેપિન (ઔષધ) : ચહેરા પર ત્રિશાખી ચેતાપીડ (trigeminal neuralgia) પ્રકારના દુખાવાની તથા આંચકી અથવા ખેંચની સારવારમાં વપરાતું ઔષધ. તે ઇમિનોસ્ટિલ્બેનમાંથી મેળવવામાં આવે છે અને તેમાં પાંચમા સ્થાને કાર્બામિલ જૂથ આવેલું છે. તે રાસાયણિક રીતે ત્રિચક્રી ખિન્નતારોધક (tricyclic antidepressant) ઔષધોને મળતું આવે છે. આંચકી અથવા ખેંચથી થતા અપસ્માર (epilepsy) રોગમાં તેનો મુખ્ય ઉપયોગ છે. મગજની પાંચમી કર્પરી ચેતા(cranial nerve)ને 3 શાખાઓ (divisions) હોય છે અને તેથી તેને ત્રિશાખી ચેતા પણ કહે છે. તે સંવેદનાવાહી ચેતા (sensory nerve) છે અને તે ચહેરાની ચામડી ને સ્નાયુઓમાં ઉદભવતી સંવેદનાઓના આવેગોને કેન્દ્રીય ચેતાતંત્રમાં પહોંચાડે છે. તેના વિકારમાં ક્યારેક મોઢાના કોઈ એક ભાગ પર વારંવાર સખત દુખાવો થાય છે. તેને ત્રિશાખી ચેતાપીડ કહે છે. કાર્બામેઝેપિન ત્રિશાખી ચેતાપીડ તેમજ ચેતાતંતુઓના દબાવાથી (દા.ત., કૅન્સર), ઈજા થવાથી કે તેમાં ચયાપચયી કે રુધિરાભિસરણી વિકારો થવાથી [દા.ત., મધુપ્રમેહ કે અન્ય કારણોથી થતો ચેતાવિકાર, (neuropathy)] થતા દુખાવાની સારવારમાં વપરાય છે. તે કેન્દ્રીય ચેતાતંત્રમાં થતા અભિગ્રહણ(seizures)નું શમન કરે છે. તેની ક્રિયાપ્રવિધિ (mechanism of action) પૂરેપૂરી સમજાયેલી નથી. તે 200 મિગ્રા.ની ટીકડીઓ રૂપે મળે છે.
મોં વાટે લીધા પછી તેનું ઝડપથી અવશોષણ થાય છે અને 2થી 6 કલાકમાં તેની પ્લાઝ્મા સાંદ્રતાની અવધિ જોવા મળે છે. તેનો 80 % ભાગ પ્રોટીન સાથે બદ્ધ હોય છે. મૂળ ઔષધનો અર્ધક્રિયાકાળ (half life) 13થી 17 કલાકનો હોય છે. ફીનોબાર્બિટોન તેનો ચયાપચય વધારે છે અને તેથી ક્રિયાકાળ ઘટે છે. તેવી જ રીતે તે ફેનિટોઇનનું જૈવરૂપાંતરણ (biotransformation) વધારે છે.
તેની મુખ્ય આડઅસરો તેમજ ઝેરી અસરોમાં બેવડું દેખાવું, ઝાંખું દેખાવું, ઘેન ચડવું, અંધારાં આવવાં (dizziness); ઊબકા, ઊલટી અને અસંતુલનતા(ataxia)નો સમાવેશ થાય છે. સમય પસાર થતાં ઔષધસહ્યતા (tolerance) કેળવાય છે અને ધીમે ધીમે તેની માત્રા વધારવામાં આવે તો આ તકલીફો જોવા મળતી નથી. ક્યારેક અસ્થિમજ્જાની તીવ્ર અક્રિયાશીલતા (severe bone marrow depression) થાય તો લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો, યકૃતકોષીય (hepatocellular) અથવા પિત્તસ્થાયી (cholestatic) કમળો, ચામડી પર સ્ફોટ (rash) અને હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતા પણ જોવા મળે છે. તેને કારણે આ ઔષધ વડે કરાતી સારવારના સમયે મૂત્રપિંડ, યકૃત તથા અસ્થિમજ્જાની ક્રિયાશીલતા દર્શાવતી કસોટીઓ કરવાનું સૂચવાય છે.
શિલીન નં. શુક્લ
આશા આનંદ