કાર્બાઈડ : કાર્બન અને તેના જેટલી અથવા ઓછી વિદ્યુતઋણતા ધરાવતાં તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) (કાર્બન અને હાઇડ્રોજન સિવાયનાં) સંયોજનો. Al4C3 સિવાય બધા જ કાર્બાઇડ અબાષ્પશીલ છે. ઊંચા તાપમાને ગરમ કરતાં તેમનું વિયોજન થાય છે. કાર્બન અને ધાતુ અથવા તેના ઑક્સાઇડના ભૂકાને ઊંચા તાપમાને ગરમ કરતાં કાર્બાઇડ મળે છે.

કાર્બાઇડના ત્રણ પ્રકાર છે : (1) આયનિક, (2) સહસંયોજક અને (3) અંતરાલીય. વિદ્યુતધનીય (electropositive) ધાતુઓના કાર્બાઇડમાં C4 અથવા C2 આયનો હોય છે. તે પાણી સાથે પ્રક્રિયાથી હાઇડ્રૉકાર્બન આપે છે.

સંક્રમણ ધાતુતત્વો અંતરાલીય કાર્બાઇડ આપે છે, જેમાં ધાતુ પરમાણુઓની સુસંકલિત હાર(closed-packed array)માં અષ્ટફલકીય છિદ્રોમાં કાર્બન પરમાણુઓ હોય છે. આ જાતના હાઇડ્રાઇડ અત્યંત કઠિન હોય છે. તે સારા વિદ્યુતવાહકો હોય છે અને ઘણું ઊંચું ગલનબિંદુ (3000-4000o સે.) ધરાવે છે. Cr, Mn, Fe, CO અને Ni જેવાં ધાતુતત્વો આયનિક અને અંતરાલીય કાર્બાઇડની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. Si અને B અનુક્રમે SiC અને B4C કાર્બાઇડ આપે છે, જે અત્યંત કઠિન હોય છે. તે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. કાર્બોરન્ડમ(SiC)ની સંરચના હીરા જેવી હોય છે, જે કર્તન-સાધનો(cutting tools)ની બનાવટમાં તેમજ અપઘર્ષક તરીકે ઉપયોગી છે.

કૅલ્શિયમ કાર્બાઇડ ઍસિટિલીન અને સાયનાઇડ બનાવવામાં વપરાય છે. આયર્ન કાર્બાઇડ સ્ટીલની સંરચનામાં અગત્યનો ભાગ ભજવે છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ

પ્રવીણસાગર સત્યપંથી