કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4)

January, 2006

કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4) : ટેટ્રાક્લૉરો મિથેન. કાર્બન અને ક્લોરિનનું સંયોજન. અણુભાર 153.84; SbCl5 અથવા Fe પાઉડર ઉદ્દીપકની હાજરીમાં CS2 સાથે Cl2ની પ્રક્રિયાથી અથવા મિથેનના ક્લૉરિનેશનથી તે મેળવી શકાય છે.

તે રંગવિહીન, પારદર્શક, અજ્વલનશીલ, ભારે અને વિશિષ્ટ પ્રકારની સુવાસ ધરાવતું પ્રવાહી છે.  1.589, ઉ.બિંદુ 76.70 સે., ગ.બિંદુ -230 સે.,  1.4607, 2000 ભાગ પાણીમાં 1 ભાગ દ્રાવ્ય, આલ્કોહૉલ, બેન્ઝીન, ક્લૉરોફૉર્મ, ઈથર, કાર્બન ડાયસલ્ફાઇડ, પેટ્રોલ ઈથર વગેરેમાં દ્રાવ્ય. તેલ તેમાં ઓગળે છે. શ્વાસમાં લેવાથી તથા ચામડી દ્વારા અવશોષણ અને ઇન્જેક્શનથી વિષાળુ અસર થાય છે.

તેલ, ચરબી, લૅકર્સ, વાર્નિશ, રબર, વૅક્સ, રેઝિનના દ્રાવક તરીકે, કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં અને અનાજમાં ધૂમક (fumigant) તરીકે, અગ્નિશામક તરીકે અને ડ્રાયક્લિનિંગમાં ઉપયોગી. વીજપ્રવાહને લીધે ઉત્પન્ન થયેલ અગ્નિને હોલવવા બિનઉપયોગી કારણ કે તે COCl2 ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે.

પ્રવીણસાગર સત્યપંથી