કાર્બન ડાયસલ્ફાઇડ (CS2)

January, 2006

કાર્બન ડાયસલ્ફાઇડ (CS2) : કાર્બન અને સલ્ફરનું સંયોજન. કાર્બન બાયસલ્ફાઇડ અથવા ડાયથાયોકાર્બોનિક એન્હાઇડ્રાઇડ તરીકે પણ તે ઓળખાય છે. અણુભાર 76.14. થોડા પ્રમાણમાં કોલસાના ડામરમાં અને અશુદ્ધ પેટ્રોલિયમમાં મળે છે. કોલસાને સલ્ફરની બાષ્પ સાથે ગરમ કરતાં આ પદાર્થ મોટા પાયે બનાવી શકાય છે.

C + S2 → CS2

કુદરતી વાયુ અને ગંધકની બાષ્પને ગરમ કરતાં પણ તે મળે છે. તે રંગવિહીન, વિષાળુ, ચલાયમાન પ્રવાહી છે. શુદ્ધ, તાજું નિસ્યંદિત CS2 ઈથર જેવી મીઠી અને આહલાદક સુવાસ ધરાવે છે, પણ વ્યાપારી CS2 ખરાબ વાસ ધરાવે છે. લાંબો સમય રાખી મૂકવાથી તેનું વિઘટન થાય છે. તે વાદળી રંગની જ્યોતથી બળે છે અને SO2 અને CO2 આપે છે. અત્યંત જ્વલનશીલ છે અને તેની બાષ્પ ગરમ વસ્તુને અડકે તે સાથે તે તરત જ સળગી ઊઠે છે. 300 સે. તાપમાને બંધ કપમાં તે સળગી શકે (flash point) છે. જ્વલનબિંદુ 1000 સે., 1 %થી 50 % (v/v) સ્ફોટક.  1.2632, બાષ્પ ભારે હોવાથી નીચે બેસે છે. બાષ્પ ઘનતા 2.69 (હવા = 1); ગ.બિંદુ –111.60 સે.; ઉ.બિંદુ 46.50 સે.;  1.62803. પાણીમાં 0.005 % દ્રાવ્ય, મિથેનૉલ, ઇથેનૉલ, ઈથર, બેન્ઝીન, ક્લૉરોફૉર્મ, કાર્બન ટેટ્રાક્લૉરાઇડ વગેરે સાથે ભળી શકે છે.

રેયૉન, Cl4, ઝેન્થોજીનેટની બનાવટમાં, જમીનને જંતુરહિત કરવા અને ઇલેક્ટ્રૉનિક શૂન્યાવકાશ નળીમાં ઉપયોગી. P, S, Sc, I2, ચરબી, રેઝિન અને રબરના દ્રાવક તરીકે ઉપયોગી.

પ્રવીણસાગર સત્યપંથી