કારોબારી : સરકારનાં ત્રણ પ્રકારનાં કાર્યો પૈકીની એક કામગીરી. આ ત્રણ તે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદાનું ઘડતર કરે છે, કારોબારી કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર ઘડાયેલા કાયદાનું અર્થઘટન કરે છે. સામાન્ય રીતે કારોબારી એટલે સરકાર એવો અર્થ કરવામાં આવે છે, જે બરાબર નથી. કારોબારી એટલે રાજ્યના કાયદાનો અમલ કરવા સાથે જે લોકો અને સંસ્થાઓ સંકળાયેલ હોય છે તે તમામ. આ વિશાળ અર્થમાં રાજ્યના વડાનો, સરકારના વડાનો, પ્રધાનમંડળનો તેમજ સનદી સેવાના તમામ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં, રાજ્ય કે સરકારના વડાથી શરૂ કરીને સરકારી કારકુન સુધીના તમામને કારોબારી આવરી લે છે. બ્રિટનમાં કારોબારી એટલે રાણી, વડાપ્રધાન અને પ્રધાનમંડળ; ભારતમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ; જ્યારે અમેરિકામાં પ્રમુખ અને મંત્રીમંડળ એવો અર્થ કરવામાં આવે છે.
કારોબારીનાં કાર્યો : તેનું ફલક વિવિધ અને વિશાળ છે. તેનાં કાર્યોનો ખ્યાલ નીચે પ્રમાણે છે : (1) શાંતિ–વ્યવસ્થા જાળવવાનું કાર્ય : પોતાનાં ધ્યેયો સિદ્ધ કરવા અને પ્રજાનો સર્વાંગી વિકાસ સાધવા રાજ્ય પગલાં લે છે. પરંતુ આ માટે પાયાની શરત એ છે કે પોતાના વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જળવાય તથા કાયદાનો અમલ થાય. જો આવી પરિસ્થિતિ પ્રવર્તતી ન હોય તો રાજ્યનું અસ્તિત્વ જ ભયમાં મુકાઈ જાય. આ પ્રાથમિક અને સૌથી અગત્યનું કાર્ય પોલીસતંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. (2) બાહ્ય આક્રમણથી રક્ષણ કરવાનું કાર્ય : આંતરિક શાંતિની માફક બાહ્ય આક્રમણ સામે પ્રજાનું રક્ષણ કરવું તે પણ એટલું જ મહત્વનું કાર્ય છે. જો આ કાર્ય પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો રાજ્ય પરતંત્ર બની જાય. આ માટે પૂરતા પ્રમાણમાં લશ્કરી તૈયારી કરવામાં આવતી હોય છે. લશ્કરની ત્રણેય પાંખના વડાની તે નિમણૂક કરે છે અને જરૂર પડ્યે યુદ્ધ પણ જાહેર કરે છે. આ કાર્ય સાથે અન્ય રાજ્યો સાથેના રાજદ્વારી સંબંધો સ્થાપવાનું કાર્ય પણ સંકળાયેલું છે. એલચીઓની નિમણૂક તથા અન્ય રાજ્યોના એલચીઓને આવકારવાની કામગીરી કારોબારી બજાવતી હોય છે. અન્ય રાજ્યો સાથે સંધિકરારો કરવાનું કાર્ય પણ કારોબારી કરે છે. (3) કર્મચારીઓ–અધિકારીઓની નિમણૂક : રાજ્યના આંતરિક વહીવટ અને વિદેશી સંબંધોના સંદર્ભમાં કારોબારી તમામ અગત્યના કર્મચારીઓની નિમણૂક કરે છે. પરંતુ આ સત્તાનો દુરુપયોગ ન થાય તેટલા માટે અન્ય શાખાને સાંકળવામાં આવે છે. દા.ત., અમેરિકી પ્રમુખ એલચીઓ, ન્યાયમૂર્તિઓ વગેરેની નિમણૂક કરે છે. તે માટે કૉન્ગ્રેસ(ધારાસભા)ના બીજા ગૃહ સેનેટના સભ્યોની સંમતિ બંધારણીય રીતે અનિવાર્ય ગણાય છે. ભારતમાં રાષ્ટ્રપતિ જ્યારે સર્વોપરી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે ત્યારે તે માટે મુખ્ય ન્યાયમૂર્તિની સલાહ લેવામાં આવે છે. આ સલાહ બંધનકારક નહિ ગણાતી હોવા છતાં પણ રાષ્ટ્રપતિ તેની અવગણના કરવાનું ઉચિત ગણતા નથી. નિમણૂક કરવાની સાથે અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવાની કામગીરી પણ કારોબારી બજાવે છે. કારોબારી કર્મચારીઓને દોરવણી આપવાનું કાર્ય પણ કરે છે; પરિણામે જરૂર જણાતાં તે સૂચનાઓ કે આદેશો આપે છે અને તેમનો અમલ થાય તેનું ધ્યાન રાખે છે. (4) વટહુકમો બહાર પાડવાની કામગીરી : જ્યારે ધારાસભાની બેઠક ચાલુ ન હોય અને તાત્કાલિક કાનૂનની જરૂર પડે તો કારોબારી વટહુકમો બહાર પાડી શકે છે અને તેનો તરત જ અમલ કરવામાં આવે છે. બંધારણ દ્વારા આ કામગીરી સોંપવામાં આવેલી હોય છે. અલબત્ત, આ કામગીરી અયોગ્ય રીતે ન થાય તેટલા માટે કારોબારી દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમોને નિયત સમયમાં ધારાસભાની સંમતિ માટે રજૂ કરવાના હોય છે અને તેની સંમતિ અનિવાર્ય ગણાય છે. (5) નાણાકીય કાર્ય : કારોબારી દર નાણાકીય વર્ષે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરે છે અને તે દ્વારા આર્થિક નીતિનો અમલ કરે છે. કરવેરા, જકાત વગેરેના દર નક્કી કરે છે. દરેક ખાતાને ખર્ચની રકમ ફાળવે છે અને નક્કી થયેલ કામ માટે મંજૂર થયેલ રકમ જ ખર્ચાય તેનું ધ્યાન રાખે છે. આ સાથે વ્યાપારી અને ઔદ્યોગિક નીતિનો અમલ કરવાનું કાર્ય પણ કારોબારી બજાવે છે. રાજ્યમાલિકીના તથા રાજ્યહસ્તકના ઉદ્યોગો તથા આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન પણ કારોબારી કરે છે. (6) ધારાકીય કાર્ય : કારોબારી ધારાકીય કાર્યો પણ કરે છે. સંસદીય સરકારમાં (બ્રિટન, ભારત), કારોબારી અને ધારાસભા ગાઢ રીતે સંકળાયેલાં હોવાથી મોટાભાગના ખરડા કારોબારી દ્વારા જ ધારાસભામાં રજૂ થતા હોય છે. કયા ખરડા રજૂ કરવા તે પણ કારોબારી જ નક્કી કરે છે. આ ઉપરાંત કારોબારી ધારાસભાની બેઠક બોલાવી શકે છે, તેને મુલતવી રાખી શકે છે અને ધારાસભાના પ્રથમ ગૃહનું વિસર્જન પણ કરી શકે છે. ધારાસભામાં પસાર થયેલ ખરડાને મુખ્ય કારોબારીની સંમતિ માટે મોકલવો પડે છે અને તેની સંમતિ પછી જ ખરડો કાયદો બની શકે છે. ધારાસભાને કારોબારી સંબોધન કરે છે જે દ્વારા સરકારી નીતિ અને કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે છે. પ્રમુખીય સરકારમાં કારોબારી કૉંગ્રેસને સંદેશા મોકલે છે, તેની બેઠકની મુદત વધારી શકે છે, જરૂર પડ્યે ખાસ બેઠક બોલાવી શકે છે. કૉંગ્રેસમાં પસાર થયેલ ખરડાને કારોબારીની સંમતિ માટે મોકલવામાં આવે છે, તેની સહી પછી જ ખરડો કાયદો બને છે.
સંસદીય અને પ્રમુખીય સરકારોમાં કારોબારીની સંમતિ પછી જ ખરડો કાયદો બને છે પરંતુ સંસદીય સરકારમાં કારોબારીએ સંમતિ આપવી જ પડે છે, જ્યારે પ્રમુખીય સરકારમાં કારોબારી જરૂર જણાય તો ખરડાને સંમતિ ન આપીને ‘વિટો’ સત્તા વાપરી શકે છે. પરંતુ જો કૉંગ્રેસ તે ખરડાને ફરીથી પસાર કરી પ્રમુખની મંજૂરી માટે મોકલે તો તેણે સહી કરવી પડે છે. (7) ન્યાયવિષયક કાર્ય : કારોબારી પોતાની સત્તાનો ઉપયોગ કરતી વખતે ન્યાયતંત્ર સાથે પણ સંકળાયેલ છે. ન્યાયતંત્રના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આ ઉપરાંત ન્યાયતંત્રે ગુનેગારને કરેલ સજામાં ફેરફાર કરવાની, તેમાં ઘટાડો કરવાની તેમજ માફી આપવાની કામગીરી પણ કારોબારી બજાવે છે.
કારોબારીનાં કાર્યોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે.
કારોબારીના પ્રકારો : જેવી રીતે કારોબારીનાં કાર્યો વિવિધ છે તેવી જ રીતે તેના પ્રકારો પણ વિવિધ છે. સૌપ્રથમ મુખ્ય બે પ્રકારનો વિચાર કરીએ તો પ્રણાલીગત અને આધુનિક પ્રકારો ધ્યાન ખેંચે છે. પ્રણાલીગત કારોબારીમાં સરકારના પ્રકારના સંદર્ભમાં માત્ર રાજાશાહી જ સર્વત્ર પ્રચલિત હોવાથી અને તેમાં માત્ર એક જ વ્યક્તિ (રાજા કે રાણી) સમગ્ર રાજ્યનો કારોબાર – વહીવટ ચલાવતી હોવાથી તે એક-વ્યક્તિ કારોબારી તરીકે ઓળખાય છે. સરકારનાં કાર્યો દક્ષતાથી થાય તે માટે ઝડપી નિર્ણય, હેતુની સ્પષ્ટતા અને કાર્યવાહીની ગુપ્તતાને જરૂરી ગણવામાં આવે છે. આ માટે એક-વ્યક્તિ કારોબારી આવકાર્ય ગણાય છે. પરંતુ આ પ્રકારની કારોબારીમાં એક જ વ્યક્તિ પાસે તમામ સત્તા હોવાથી સત્તાનું કેન્દ્રીકરણ સત્તાના દુરુપયોગમાં પરિણમવાની સંભાવના વિશેષ રહે છે. આ જ પ્રમાણે પ્રમુખીય સરકારમાં પ્રમુખ જ મુખ્ય કારોબારીનું સ્થાન ધરાવતો હોવાથી તેને પણ એક-વ્યક્તિ કારોબારી તરીકે ઓળખવામાં આવે છે. સોવિયેત રશિયામાં પણ પ્રમુખીય પદ્ધતિ સ્વીકારવામાં આવી અને પ્રમુખ ગૉર્બાચૉવને પુષ્કળ સત્તાઓની નવાજેશ લોકપ્રતિનિધિઓની સંસદે કરી હતી.
કારોબારીના અન્ય પ્રકારોમાં સામૂહિક કારોબારી, નામની કારોબારી, વાસ્તવિક કારોબારી, રાજકીય કારોબારી અને વહીવટી કારોબારીનો સમાવેશ થાય છે.
સામૂહિક કારોબારી : તેમાં એક કરતાં વધારે વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને એક કરતાં વધુ વ્યક્તિઓ કારોબારી સત્તા ધરાવે છે. પ્રાચીન સમયમાં પણ આ પ્રકારની કારોબારી અસ્તિત્વ ધરાવતી હતી; દા.ત., પ્રાચીન ઍથેન્સમાં સેનાપતિઓને અને પ્રાચીન સ્પાર્ટામાં બે રાજાને કારોબારી સત્તા સોંપવામાં આવી હતી. પ્રાચીન પ્રજાસત્તાક રોમમાં બે કૉન્સલની જોગવાઈ કરવામાં આવી હતી. આધુનિક સમયમાં સ્વિટ્ઝર્લૅન્ડની સામૂહિક કારોબારી ધ્યાન ખેંચે છે. ત્યાં સમવાયી પરિષદ(કારોબારી)માં સાત સભ્યોનો સમાવેશ થાય છે અને તેઓ કારોબારી તરીકેની ફરજો બજાવે છે. સોવિયેત રશિયામાં 1977ના બ્રેઝનેવ બંધારણે 39 સભ્યોના બનેલ પ્રિસિડિયમની જોગવાઈ કરી હતી. સંસદીય સરકારમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ સામૂહિક રીતે કારોબારી સત્તાનો ઉપયોગ કરે છે.
નામની કારોબારી : આમાં કારોબારીને બંધારણે તમામ સત્તાઓ સોંપી હોવા છતાં પણ તે વાસ્તવમાં આ સત્તાઓનો ઉપયોગ કરતી નથી અને તેના નામે અન્ય આ સત્તાઓનો ઉપયોગ કરે છે. બ્રિટનમાં રાજ્યના વડા (રાણી કે રાજા) નામની કારોબારીનું ઉત્તમ ર્દષ્ટાંત પૂરું પાડે છે. વડાપ્રધાન રાણીના નામે તમામ સત્તાનો ઉપયોગ કરે છે. ભારતીય પ્રજાસત્તાકના વડા રાષ્ટ્રપતિ પણ નામની કારોબારી રૂપ ગણાય છે. જોકે તે વાસ્તવમાં સત્તાનો ઉપયોગ સ્વવિવેક (discretion) દ્વારા કરી શકે છે. બંધારણ દ્વારા તેમને કટોકટીની સત્તાઓ પણ આપવામાં આવી છે. આમ છતાં પણ વાસ્તવમાં વડાપ્રધાન જ સર્વેસર્વા ગણાય છે.
વાસ્તવિક કારોબારી : નામની કારોબારી જે સત્તાઓ ધરાવતી હોય તેનો વાસ્તવમાં જે કારોબારી ઉપયોગ કરતી હોય છે તેને વાસ્તવિક કારોબારી તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટન અને ભારતમાં વડાપ્રધાન વાસ્તવિક કારોબારી ગણાય છે. ભારતના એકમ રાજ્યોમાં મુખ્ય પ્રધાન વાસ્તવિક કારોબારી ગણાય છે. અમેરિકામાં પ્રમુખ વાસ્તવિક કારોબારી છે. ત્યાં નામની કારોબારી અસ્તિત્વમાં જ નથી. રાજાશાહી તથા સરમુખત્યારશાહીમાં અનુક્રમે રાજા અને સરમુખત્યાર વાસ્તવિક કારોબારીનું સ્થાન ધરાવે છે.
રાજકીય કારોબારી : આ કારોબારી સરકારની રચના કરીને સત્તાનાં સૂત્રો સંભાળે છે અને શાસન ચલાવે છે. આ પ્રકારની કારોબારીની રચના ચૂંટણીપદ્ધતિ દ્વારા થાય છે; આ કારણથી તેની સમયમર્યાદા નક્કી હોય છે. સંસદીય સરકારમાં સામાન્યત: પાંચ વર્ષ માટે તેની રચના કરવામાં આવે છે. પરંતુ તે મુદત પહેલાં તે રાજીનામું આપીને સત્તાત્યાગ કરી શકે છે. અથવા તો ધારાસભા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને તેને સત્તાત્યાગ કરવાની ફરજ પાડે છે. રાજ્યના વડા પણ તેને મુદત પહેલાં સત્તા પરથી દૂર કરી શકે છે અને ક્યારેક પ્રબળ લોકમત આગળ નમતું જોખીને તેને સત્તાત્યાગ કરવો પડે છે, ભલે પછી ધારાસભાના પ્રથમ ગૃહમાં તેની ભારે બહુમતી હોય. પ્રમુખીય સરકારમાં રાજકીય કારોબારી નિયત સમય સુધી જ સત્તા પર રહે છે; જ્યારે તેની સમયમર્યાદા પૂરી થાય ત્યારે રાજકીય કારોબારીએ સત્તાત્યાગ કરવો પડે છે. રાજકીય કારોબારી રાજ્યની નીતિઓનું ઘડતર કરે છે અને તેના અમલની કામગીરી બજાવે છે.
વહીવટી કારોબારી : તે રાજ્યના વહીવટ સાથે સંકળાયેલ છે. રાજકીય કારોબારીની નીતિઓનો, કાર્યક્રમોનો, કાયદાઓનો, આયોજનનો અમલ વહીવટી કારોબારી કરતી હોય છે. આ કારોબારીના સભ્યોની પસંદગી સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચ દ્વારા કરવામાં આવે છે. આ માટે લેખિત અને મૌખિક પરીક્ષા લેવામાં આવે છે અને ઉત્તમ ઉમેદવારોને પસંદ કરાય છે. આ કારોબારીના સભ્યો રાજકારણથી પર હોય છે. કોઈ પણ રાજકીય પક્ષ સરકાર રચે તો તેને વફાદાર રહીને આ કારોબારી કામગીરી બજાવે છે. આ સંદર્ભમાં જ તેમની નિમણૂક થયા પછી તેઓ નિવૃત્તિસમય સુધી પોતાની સેવા આપે છે. તેમનું મહત્વ ખૂબ જ છે. તેમના ઉપર જ રાજ્યની સફળતાનો કે નિષ્ફળતાનો આધાર રહેલો છે. એટલું જ નહિ પરંતુ રાજ્યના અસ્તિત્વનો આધાર પણ વહીવટી કારોબારી પર રહેલો છે.
રાજકીય અને વહીવટી કારોબારી ગાઢ રીતે સંકળાયેલ હોય છે. પરંતુ તેમની વચ્ચે પાયાના તફાવતો રહેલા છે. રાજકીય કારોબારીની રચના સાથે મતદારો સંકળાયેલા છે. સામાન્ય ચૂંટણીમાં મતદાન કરીને મતદારો નક્કી કરે છે કે સત્તા કોને સોંપવી; પરન્તુ વહીવટી કારોબારીની રચના સ્વતંત્ર અને તટસ્થ પંચ દ્વારા પૂરી ચકાસણી કર્યા પછી કરવામાં આવે છે. પરિણામે રાજકીય કારોબારીના સભ્યો સામાન્ય બુદ્ધિ અને સૂઝબૂઝ ધરાવતા હોય છે. લોકપ્રિયતાના આધારે તેમની ચૂંટાવાની શક્યતા રહેલી છે, જ્યારે વહીવટી કારોબારીના સભ્યો જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ગળાકાપ હરીફાઈનો સામનો કરીને હોદ્દા ધારણ કરતા હોય છે. તેઓ નિષ્ણાતો હોય છે. સમાજનાં ઉત્તમ યુવાન-યુવતીઓને બરાબર ચકાસીને પસંદ કરવામાં આવતાં હોવાથી તેમને જે કોઈ ફરજ સોંપવામાં આવે તે તેઓ નિષ્ણાત તરીકે બજાવે છે. આ કારણથી જ રાજકીય કારોબારીના સભ્યો પ્રધાનો તેમને સોંપાયેલાં ખાતાં વિશેનું નિષ્ણાત જ્ઞાન ધરાવતા નહિ હોવા છતાં પણ વહીવટી કારોબારીની મદદથી નિશ્ચિતપણે પોતાનાં ખાતાં સંભાળે છે. વહીવટી કારોબારીના સભ્યો નિયુક્ત થાય તે પછી નિવૃત્તિના સમય સુધી હોદ્દા પર ચાલુ રહે છે. આ કારણથી જ તેમને કાયમી ગણવામાં આવે છે. અલબત્ત, જો કોઈ સભ્ય સત્તાનો દુરુપયોગ કરે કે ફરજો બજાવે નહિ તો તેને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે.
રાજકીય કારોબારી નીતિ, કાર્યક્રમો, કાયદા, આયોજન વગેરે નક્કી કરે છે. અલબત્ત, વહીવટી કારોબારીની આ સંબંધમાં મદદ લેવાય છે. પરંતુ આખરી નિર્ણય રાજકીય કારોબારી લે છે. વહીવટી કારોબારીએ આ રીતે લેવાયેલ નિર્ણયોનો અમલ કરવાનો હોય છે. રાજકીય કારોબારી ધ્યાન રાખે છે કે વહીવટી કારોબારી લેવાયેલ નિર્ણયોનો બરાબર અમલ કરે.
રાજકીય કારોબારીનું સ્વરૂપ પક્ષીય હોય છે. જે રાજકીય પક્ષ સામાન્ય ચૂંટણીમાં બહુમતી મેળવે તે પક્ષની રાજકીય કારોબારી બને છે; પરિણામે રાજકીય કારોબારીનો અભિગમ પોતાના રાજકીય પક્ષને અનુરૂપ હોય છે જ્યારે વહીવટી કારોબારી રાજકારણથી પર હોવાથી તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખતી નથી. રાજકીય પક્ષો અને રાજકારણથી તટસ્થ રહીને તે પોતાની ફરજો બજાવે છે. સ્વતંત્રતા અને નિષ્પક્ષતા એ વહીવટી કારોબારીનું હાર્દ ગણાય છે.
આમ રાજકીય અને વહીવટી કારોબારી અલગ હોવા છતાં પણ બંને ગાઢ રીતે સંકળાયેલ છે. રાજકીય કારોબારીના આદેશો વહીવટી કારોબારીએ પાળવાના હોવા છતાં બંને વચ્ચેનો સંબંધ માલિક અને નોકર જેવો હોતો નથી. બંનેએ સાથે મળીને સહકારથી કાર્યો કરવાનાં હોય છે. રાજ્યના કારોબારની સંપૂર્ણ જવાબદારી રાજકીય કારોબારીની હોય છે. નિષ્ફળતા માટે તે વહીવટી કારોબારી પર જવાબદારી ઢોળી શકે નહિ. યશ કે અપયશ માટે તે જ જવાબદાર ગણાય છે, વહીવટી કારોબારી નહિ. વહીવટી કારોબારી સનદી સેવા તરીકે ઓળખાય છે.
કારોબારીની પસંદગી : કારોબારીની રચના સંબંધે જુદા જુદા સમયે, જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી રીતે કારોબારીની પસંદગી કરવામાં આવે છે. ભૂતકાળમાં જ્યારે રાજાશાહી સર્વત્ર અમલમાં હતી ત્યારે કારોબારીની પસંદગી માટે વારસાગત પદ્ધતિનો અમલ કરવામાં આવતો હતો. આ મુજબ રાજાના અવસાન પછી કે તે સત્તાત્યાગ કરે ત્યારે તેનો મોટો પુત્ર અને જો પુત્ર ન હોય તો મોટી પુત્રીને રાજાનું પદ વારસામાં મળતું અને તેનો રાજ્યાભિષેક કરી તેને ગાદી સોંપવામાં આવતી હતી. સમયના વહેણની સાથે લોકશાહીનું આગમન થતાં કારોબારીની પસંદગીપદ્ધતિમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. સાંપ્રત સમયમાં કારોબારીની પસંદગી મુખ્યત્વે પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણી પદ્ધતિ દ્વારા થાય છે.
લોકશાહીમાં છેવટની સત્તા પ્રજા પાસે હોવાથી કારોબારીની પસંદગી પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા પુખ્તવયમતાધિકારના ધોરણે મતદારો મતદાન કરીને સત્તાનાં સૂત્રો કોને સોંપવાં તે નક્કી કરે છે. આ પદ્ધતિ આવકાર્ય અને અનિવાર્ય છે, કેમ કે ચૂંટણી સમયે વિવિધ પક્ષોના કાર્યક્રમો તથા ઉમેદવારો દ્વારા મતદારોને રાજકીય શિક્ષણ મળે છે. વધુમાં, સરકાર પ્રજાને જવાબદાર બને છે તેથી જ લોકશાહી સરકાર જવાબદાર સરકાર તરીકે ઓળખાય છે. જોકે આ પદ્ધતિનો યોગ્ય ઉપયોગ ન થાય, મતદારો મત આપવા ખાતર મત આપી આવે કે પછી મોટાભાગના મતદારો મતદાન કરવા ન જાય તો અયોગ્ય ઉમેદવારો ચૂંટાય અને લોકશાહી માટે તે ઘાતક પુરવાર થાય. આ જ પ્રમાણે સત્તાધારી પક્ષ પ્રજામતદારો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાતો હોવાથી તે સત્તાનો દુરુપયોગ કરવા પણ લલચાય છે કેમ કે પોતાને પ્રજાની બહુમતીનો ટેકો છે તેમ માનીને તે વર્તવા પ્રેરાય છે. આમ છતાં આજે આ પદ્ધતિ દ્વારા જ મુખ્ય કારોબારીની પસંદગી કરવામાં આવે છે.
પરોક્ષ ચૂંટણીપદ્ધતિ પ્રમાણે મતદારો પ્રત્યક્ષપણે કારોબારીને ચૂંટતા નથી પરંતુ તે મતદારમંડળ(electoral college)ના સભ્યોની ચૂંટણી કરે છે અને તે પછી મતદારમંડળના સભ્યો કારોબારીની ચૂંટણી કરે છે. અમેરિકામાં પ્રમુખની ચૂંટણી મતદારમંડળના સભ્યો દ્વારા થાય છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ મતદારમંડળના સભ્યો (સંસદના તથા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો) દ્વારા થાય છે.
આ પદ્ધતિ એ ર્દષ્ટિએ આવકાર્ય છે કે મતદારો કરતાં મતદારમંડળના સભ્યો વધુ પ્રૌઢ, ઠરેલ અને વિચારીને મતદાન કરશે તેવો વિચાર પાયામાં પડેલો છે. આમ છતાં પણ આ પદ્ધતિ ખરેખર પ્રત્યક્ષ ચૂંટણીપદ્ધતિ સમાન બની ગઈ છે. અમેરિકામાં પ્રમુખ મતદારમંડળના સભ્યો દ્વારા ચૂંટાય છે; પરંતુ મતદારો જ્યારે મતદારમંડળના સભ્યોને ચૂંટે છે ત્યારે આ સભ્યો વચન આપે છે કે પોતે ચૂંટાશે તો પ્રમુખપદના અમુક ઉમેદવારને જ મત આપશે. આ પ્રમાણે વ્યવહાર થતો હોવાથી મતદારો જ્યારે મતદારમંડળના સભ્યોને ચૂંટે છે ત્યારે તેઓ પ્રમુખપદ માટેના કયા ઉમેદવારને મત આપી રહ્યા છે તેનો તેમને ખ્યાલ હોય છે. આ જ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિપદે કોણ ચૂંટાશે તે પણ લગભગ પ્રત્યક્ષ ચૂંટણીની રીતે નક્કી થાય છે કેમ કે મતદારમંડળમાં જે રાજકીય પક્ષની બહુમતી હોય તેનો ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે. આમ પક્ષપદ્ધતિના આગમન પછી પરોક્ષ ચૂંટણી પ્રત્યક્ષ ચૂંટણી સમાન બની ગઈ છે.
કારોબારીની ચૂંટણી ધારાસભા દ્વારા પણ કરવામાં આવે છે; દા. ત., સંસદીય સરકારમાં (બ્રિટન, ભારત) કારોબારી ધારાસભાનું સર્જન ગણાય છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં ધારાસભા (સમવાયી સભા) કારોબારીને (સમવાયી પરિષદ) ચૂંટે છે. આ પદ્ધતિનો પણ પરોક્ષ ચૂંટણીપદ્ધતિમાં સમાવેશ થાય છે, કેમ કે મતદારો ધારાસભ્યોને ચૂંટે છે અને ધારાસભ્યો કારોબારીને નિયુક્ત કરે છે.
હસમુખ પંડ્યા