કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી

January, 2006

કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી (Karayev, Kara Abulfaz Ogly) (જ. 1918, બાકુ, આઝરબૈજાન) : પ્રસિદ્ધ આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક.

ઓગણીસ વરસની ઉંમરે કારાયેવ બાકુ કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. મહાન રશિયન કવિ ઍલેકઝાન્ડર પુશ્કિનની સોમી જન્મજયંતી નિમિત્તે એકલ પિયાનો (solo piano) માટેની કૃતિ ‘સાર્સ્કોસેલ્સ્કાયા સ્ટેચ્યૂ’ (Tsarskoselskaya statue) લખી. આ કૃતિ જોતજોતાંમાં જ (તત્કાલીન) સમગ્ર સોવિયેત સંઘમાં લોકપ્રિય બની અને અનેક શહેરોમાં એ વગાડવામાં આવી. એ પછી આઝરબૈજાની કવિ રસૂલ ર્ઝા(Rasul Rza)ના કાવ્ય ‘ધ સૉન્ગ ઑવ્ ધ હાર્ટ’ને તેમણે સંગીતમાં ઢાળ્યું. મૉસ્કો ખાતે યોજાયેલા આઝરબૈજાનિયન કલામહોત્સવ ધ ફર્સ્ટ ડિકેડ ઑવ્ આઝરબૈજાનિયન આર્ટમાં આ કૃતિ ગાવા-વગાડવામાં આવી; જેને શ્રોતાઓએ તરત જ વધાવી લીધી. બાકુ કૉન્ઝર્વેટરીમાં અભ્યાસ અધૂરો મૂકી કારાયેવ 1938માં મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે જોડાઈ ગયા. અહીં તેમના વર્ગશિક્ષક હતા વિશ્વવિખ્યાત રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક દ્મિત્રી શૉસ્તાકૉવિચ (Dmitry Shostakovich).

હવે કારાયેવે લખેલી નવી રચનાઓમાંથી આઝરબૈજાની લોકસંગીતની તીવ્ર સુગંધ આવે છે. આ રચનાઓમાં સમાવેશ પામે છે : ‘આઝરબૈજાનિયન સ્વીટ ફૉર લાર્જ ઑર્કેસ્ટ્રા’, ‘ટ્રિપલ ફ્યુગ’ અને એક ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ’. 1943માં કારાયેવે પોતાની પ્રથમ સિમ્ફની લખી અને પછી બીજી સિમ્ફની લખી. સ્વરનિયોજક ઝેવ્દેત ગાઝિયેવ (Dzhevdet Gadzhiyev) સાથે ભાગીદારીમાં ઑપેરા ‘વેટેન’ (માતૃભૂમિવતન) લખ્યો. આ ઑપેરાને સોવિયેત સરકારનું ઇનામ મળ્યું. આ પછી કારાયેવે સિમ્ફનિક પોઇમ ‘લીલી ઍન્ડ મૅઝ્નૂન’ (Leili and Medzhunum) લખી. લયલા અને મજનૂની જાણીતી કથા ઉપરથી લખાયેલી આ ઑર્કેસ્ટ્રલ કૃતિ વિદેશોમાં ઘણી લોકપ્રિય થઈ. બારમી સદીના આઝરબૈજાનિયન કવિ નિઝામી ગ્યાન્દ્ઝેવીએ આ કથા ઉપર લખેલ કથાનકનો આધાર કારાયેવે લીધો છે. 1969માં ‘બૅલે થિયેટર ઑવ્ આઝરબૈજાન’ અને ‘ઍખુન્ડોવ ઑપેરા’એ ભેગાં મળીને કારાયેવની આ સિમ્ફનિક પોઇમ ઉપર બૅલે રજૂ કર્યો. એ પછી નિઝામીના કાવ્ય ‘ધ સેવન બ્યુટિઝ’ પરથી પ્રેરણા લઈને તેમણે બૅલે લખ્યો. તેમના ગુરુ દ્મિત્રી શોસ્તાકોવિચ આ બૅલેના સંગીતથી અતિ પ્રસન્ન થયા. એ પછી કારાયેવે ત્રીજો બૅલે લખ્યો : ‘ધ પાથ ઑવ્ થન્ડર’. આ ત્રણેય બૅલે-સંગીતમાં કારાયેવે આઝરબૈજાનિયન ઉપરાંત બંગાળી, સ્લાવ, ઈરાની, ચીની, બાયઝેન્ટાઇન અને નીગ્રો લોકસંગીતની સૂરાવલિઓનો અદભુત સમન્વય કર્યો છે.

1967માં કારાયેવે પહેલો ‘કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ લખ્યો. તેના પ્રથમ મંચન દરમિયાન પ્રસિદ્ધ વાયોલિનિસ્ટ લિયોનિડ કોગાને સોલો વાયોલિન વગાડેલું અને સાથે ‘સ્ટેટ સિમ્ફની ઑર્કેસ્ટ્રા’ને પ્રસિદ્ધ ઑર્કેસ્ટ્રા કન્ડક્ટર યેવેગેની સ્વેત્લાનૉવે સંચાલિત કરેલો. આ પછી કારાયેવે કવિ રસૂલ ર્ઝાના કાવ્ય ‘હિમ ટુ ફ્રેન્ડશિપ’ ઉપરથી તેમજ કવિ સામેદ વુર્ગનના કાવ્ય ‘સ્ટાન્ડર્ડ બેરર ઑવ્ ધ એપૉક’ (Standard Bearer of the Epoch) ઉપરથી અનુક્રમે તે જ શીર્ષકો હેઠળ બે કૅન્ટાટા લખ્યાં; હેન્રી બાર્બુસેની કથા ‘ટેન્ડર્નેસ’ના આધારે તે જ શીર્ષક હેઠળ નાનો ઑપેરેટા લખ્યો. કારાયેવે ત્રણ સિમ્ફનીઓ પણ લખી છે, જેમાં વિરાટકાય ઑર્કેસ્ટ્રાનો ઉપયોગ છે.

અમિતાભ મડિયા