કારગિલ (Kargil) : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 340 34’ ઉ.અ. અને 760 06’ પૂ.રે.ની આજુબાજુનો 14,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાકિસ્તાન હસ્તકનો ગિલગીટ જિલ્લો, પૂર્વ તરફ લદ્દાખ, દક્ષિણ તરફ હિમાચલ પ્રદેશ, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ડોડા, અનંતનાગ, શ્રીનગર અને બારામુલા જિલ્લા આવેલા છે. જિલ્લામથક કારગિલ જિલ્લાની ઉત્તર સરહદે આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા–વનસ્પતિ : અહીંનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે. ઉચ્ચહિમાલયના ભાગસ્વરૂપ કારગિલ હારમાળા અહીંના મુખ્ય પર્વતો રચે છે. કારગિલની વાયવ્યમાં દેવસાઈ, ઈશાનમાં લદ્દાખ, અગ્નિમાં ઝાસ્કર હારમાળાઓ આવેલી છે. નૈર્ઋત્ય તરફ અમરનાથ યાત્રાધામ છે. અહીંના ખીણપ્રદેશમાં દ્રાસ, બતાલિક, મશ્કોહનો તથા મહત્વનાં શિખરોમાં પૉઇન્ટ 4590, પૉઇન્ટ 5140, ટોલોલિંગ અને ટાઇગર હિલનો સમાવેશ થાય છે.
અહીંના પહાડી ભૂપૃષ્ઠમાંથી નાનાં-મોટાં ઝરણાં નીકળે છે. સિંધુ અને શ્યોક જેવી મહત્વની નદીઓ આ જિલ્લામાંથી વહે છે.
શિયાળાની ઋતુમાં અહીં હિમવર્ષાનું પ્રમાણ વિશેષ રહે છે. ઝોજિલા અને દ્રાસના વિસ્તારો હિમાચ્છાદિત બની રહે છે. કેટલીક વખત -400 સે. જેટલું નીચું તાપમાન પહોંચી જાય છે. (ક્યારેક અહીં -600 સે. જેટલું નીચું તાપમાન પણ થાય છે); પરિણામે ડિસેમ્બરથી જૂન માસ દરમિયાન પરિવહન માટે માર્ગો ઉપયોગમાં લઈ શકાતા નથી. ઉનાળામાં તાપમાન 100 સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક હિમવર્ષા 37 સેમી. જેટલી થાય છે.
અહીંની આબોહવા વિષમ રહેતી હોવાથી કુદરતી વનસ્પતિ જોવા મળતી નથી; પરંતુ પશુઓ માટે બિયારણનો ઉપયોગ કરીને ઘાસ ઉગાડવાના પ્રયાસો કરવામાં આવે છે. હરણ તેમજ અન્ય પશુઓ માટે અહીં વાડા ઊભા કરવામાં આવ્યા છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : જિલ્લાના આશરે 90 % લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. ઘઉં અને મકાઈ અહીંના મુખ્ય કૃષિપાકો છે. સૂકો મેવો તેમજ ફળોની ખેતી પણ થાય છે. ખેતીના વિકાસ માટે સુધારેલું બિયારણ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. સિંચાઈની સુવિધાઓ ઊભી કરવા રાજ્ય સરકારે આધુનિક ઢબે આયોજન કર્યું છે, તેથી આશરે 500 એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થયો છે.
આ જિલ્લાના પશુધનમાં ઘેટાં-બકરાંનું પ્રમાણ વિશેષ, જ્યારે ગાયોનું ઓછું જોવા મળે છે. પશુઓની ઓલાદ સુધારવા માટે પશુસંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.
ઉદ્યોગો–વેપાર : આ જિલ્લામાં ઉદ્યોગોનું પ્રમાણ તદ્દન ઓછું છે, ઉદ્યોગોના વિકાસની તકો ઊજળી છે. ગૃહઉદ્યોગો અને હસ્તકલા-ઉદ્યોગ વિકસેલો છે. શાલ, ધાબળા, જાજમ, કાલીન તેમજ ઊની વસ્ત્રોના ગૃહઉદ્યોગોનું પ્રમાણ વિશેષ છે. અહીં હોઝિયરીના અનેક નાના એકમો સ્થપાયેલા છે.
અહીંનો મોટાભાગનો વેપાર કારગિલ શહેર સાથે સંકળાયેલો છે. જિલ્લામાંથી સૂકા મેવાની, ફળો અને ફળપેદાશોની તેમજ જંગલપેદાશોની નિકાસ થાય છે; આયાતી ચીજવસ્તુઓમાં વસ્ત્રો, દવાઓ, રાસાયણિક ખાતર, યંત્રોનો સમાવેશ થાય છે.
પરિવહન : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી-અસમતળ હોવાથી તમામ પ્રકારની અવરજવર અને હેરફેર પાકા રસ્તાઓ મારફતે થાય છે. બાલતાલ-કારગિલને સાંકળતા માર્ગ વચ્ચે શ્રીનગર આવતું હોવાથી તે માર્ગનું મહત્વ વધુ છે; તે જૂનથી ઑક્ટોબર દરમિયાન વાહનવ્યવહાર માટે વધુ ઉપયોગમાં લેવાય છે. 1999માં કારગિલ સંઘર્ષને કારણે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન યુનિટ દ્વારા અહીં પાકા રસ્તાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કારગિલ-પદમ માર્ગ અને કારગિલ-બોધખૂરબુ-ચકતાન માર્ગ તૈયાર કરાયા છે. અહીંના માર્ગોની કુલ લંબાઈ 400 કિમી. જેટલી છે.
પ્રવાસન : વિદેશી પ્રવાસીઓ માટે આ વિસ્તાર 1974થી ખુલ્લો મૂકવામાં આવેલો છે. જિલ્લા માટે પ્રવાસન માટેની ઊજળી તકો છે. દ્રાસ, ઝાસ્કર, કારગિલ, પાનિકર અને મુલબેક ખાતે પ્રવાસન-કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 1,15,227 જેટલી છે. કુલ વસ્તીના 80 % લોકો માગોલ, મુઘલ, બ્રુકપા, માંગ્રિક્સ, કામીન જાતિના શિયા મુસ્લિમો છે. સમગ્ર જિલ્લામાં મુખ્યત્વે ઉર્દૂ, કાશ્મીરી અને લદ્દાખી ભાષાનો વધુ ઉપયોગ થાય છે. તેઓ અરબી અને પર્શિયન ભાષામાંથી ઊતરી આવેલી ‘અગહાસ’ (Aghas) ભાષા બોલે છે. ઝાસ્કર તાલુકામાં બૌદ્ધધર્મીઓ રહે છે. આ ઉપરાંત હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓ પણ રહે છે. જિલ્લામાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધા છે.
ઇતિહાસ : 1979 પહેલાં આ જિલ્લાનો સમાવેશ લદ્દાખ જિલ્લામાં થતો હતો. વાસ્તવમાં આ વિસ્તાર એક સમયે બાલ્ટિસ્તાન તરીકે ઓળખાતો હતો. બાલ્ટી, કારગિલ, પુરીક અને દ્રાસ તાલુકાઓનો કારગિલ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘દ્રાસ’ શબ્દનો તિબેટી ભાષામાં ‘હેમ બાબસ’ (અવર્ણનીય હિમવર્ષા) તરીકે ઉલ્લેખ છે. લદ્દાખ વિસ્તારનો આ સૌથી વધુ હિમાચ્છાદિત પ્રદેશ ગણાય છે. વળી તે હિમાલયનો સૌથી વધુ નીચું દબાણ ધરાવતો પ્રદેશ છે. 1979માં આ જિલ્લાની રચના થયેલી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
નીતિન કોઠારી