કારંથ, શિવરામ (જ. 10 ઑક્ટોબર 1902, કોટા, કાનડા જિલ્લો, કર્ણાટક; અ. 9 ડિસેમ્બર 1997 મનીપાલ, કર્ણાટક) : કન્નડ લેખક. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમના ગામમાં જ લીધું અને પછી ધારવાડ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે દાખલ થયા. એ વખતે દેશભરમાં ગાંધીજીના અસહકાર આંદોલનથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. એ સમયે એ ઇન્ટરમાં ભણતા હતા. એમણે કૉલેજ છોડી અને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું. એમને પકડવામાં આવ્યા. સજા થઈ. જેલમાંથી છૂટીને આવ્યા પછી ફરી આંદોલનમાં સક્રિય રહ્યા અને ફરી જેલવાસ ભોગવ્યો. એ વખતે છૂટ્યા પછી તે ખાદીપ્રચારના રચનાત્મક કાર્યમાં જોડાયા અને કુમાપુરમાં ખાદીભંડાર ખોલ્યો. તે પછી પુટ્ટુરમાં રાષ્ટ્રીય શાળા ખોલી અને ત્યાં જ એમણે કાયમી વસવાટ કર્યો.

શિવરામ કારંથ
બાળપણથી જ સર્જનાત્મક સાહિત્યરચનામાં તે પ્રવૃત્ત હતા. એમણે કવિતા, નાટક, પ્રવાસ સાહિત્ય, નવલકથા, ટૂંકી વાર્તા તથા ‘બાલ-પ્રપંચ’ નામક બાળકો માટેના જ્ઞાનકોશ-3 ગ્રંથ, ‘વિજ્ઞાન-પ્રપંચ’ નામક સામાન્ય લોકો માટે બંને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અદ્યતન વિજ્ઞાનકોશ-4 ગ્રંથ આપ્યા છે. તે ઉપરાંત કલાવિશ્વના સર્વગ્રાહી વૃત્તાંત માટેના કલા-પ્રપંચમાં તેમણે ભારતીય શિલ્પકલા અને ચાલુક્યન સ્થાપત્ય અને કર્ણાટકમાં ચિત્રકલાનું સુંદર અને કલામય નિરૂપણ કર્યું છે. વિજ્ઞાનકોશ, વિશ્વકોશ તથા સાહિત્યવિવેચન વગેરેમાં વિપુલ સર્જન કર્યું છે.
તે જ્યારે સત્યાગ્રહ આંદોલન જોડે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા ત્યારે લખેલી એમની કવિતાના સંગ્રહમાં બધાં જ ગીતો દેશપ્રેમનાં છે અને એને ‘રાષ્ટ્રગીત સુધાકર’ નામ આપવામાં આવ્યું છે. એમણે 42 નાટકો લખ્યાં છે. પરંપરાગત કન્નડ નાટકમાં એમણે લોકનાટ્ય યક્ષ-ગાનના અંશો જોડીને કન્નડ નાટ્યસાહિત્યને એક નવો વળાંક આપ્યો.
એમણે ‘યક્ષગાન’ નાટ્યરૂપનું ઊંડું અધ્યયન કર્યું તેને પરિણામે એમનો અભ્યાસગ્રન્થ ‘યક્ષગાન બયલાટ’ પ્રગટ થયો જેને માટે એમને 1959માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયેલો. એમણે પરંપરાનુસારી નાટકો, મનોવૈજ્ઞાનિક નાટકો તેમજ પૌરાણિક નાટકો રચેલાં છે. એમનાં નવા સ્વરૂપનાં નાટકો રંગમંચ પર સફળતાથી ભજવાયાં છે અને નવા નાટ્યલેખકોએ એમની એ નાટ્યશૈલી અપનાવી છે. એમણે કેટલીક પૌરાણિક કથાઓના આધારે લખેલાં નાટકો જેવાં કે ‘મુત્ત દ્વાર’, ‘નારદ ગર્વભંગ’ અને ‘હાવ દરેણુ’ (આવું બને તેમાં શું થઈ ગયું) આજે પણ ભજવાય છે.
એમણે 40 નવલકથાઓ લખી છે અને ‘નિર્ભાગ્ય જન્મ’ (ભાગ્યવિહીન જન્મ), ‘મરળિ મણ્ણિગે’(વળી પાછા માટીમાં)માં ગાંધી-પ્રભાવ દૃષ્ટિએ પડે છે. એમના ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. એમની વાર્તાઓ મોટેભાગે દલિત અને શોષિત વર્ગની કરુણતા દર્શાવે છે. ‘વિજ્ઞાનકોશ’ અને ‘વિશ્વકોશ’ એમનું કન્નડ સાહિત્યને કરેલું વિશિષ્ટ પ્રદાન છે.
તેમની કૃતિ ‘મૂકજિજયાકનસુગલુ’ માટે તેમને 1978માં જ્ઞાનપીઠ એવૉર્ડ અપાયો હતો. એમના સાહિત્યિક પ્રદાન માટે એમને ભારત સરકારે ‘પદ્મભૂષણ’ ખિતાબ આપી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત સાહિત્ય અકાદમી ફેલોશીપ (1985), સંગીત નાટક અકાદમી ફેલોશીપ (1973), સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1959), કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, રાજ્યોત્સવ પ્રશસ્તિ (1986), પંપા ઍવૉર્ડ (1989), સ્વીડીશ એકેડેમી ઍવૉર્ડ, તુલસી સન્માન (1990), દાદાભાઈ નવરોજી ઍવૉર્ડ (1990) અને માનદ્ ડૉક્ટરેટની ઉપાધિ માયસોર યુનિવર્સિટી, મેરઠ યુનિવર્સિટી, કર્ણાટક યુનવર્સિટી વગેરેથી સન્માનિત થયા છે.
એમણે કન્નડ સાહિત્યમાં આંચલિક નવલકથાની શરૂઆત કરેલ અને એમની ‘મરળિ મણ્ણિગે’ શ્રેષ્ઠ આંચલિક નવલકથા છે. સંગીત-નાટક અને નૃત્યનાટક રચનાની શરૂઆત એમનાથી થઈ છે.
આ રીતે કારંથે કન્નડ સાહિત્યને અનેક દિશામાં સમૃદ્ધ કર્યું છે.
વિનોદાબાઈ