કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ (જ. 1649, બુરહાનપુર) : ફારસી ભાષાના નોંધલેખક અને ઔરંગઝેબના સેનાની. તેમના કાકા ભગવાનદાસને ઔરંગઝેબ તરફથી દિયાનતરાયનો ખિતાબ અને દીવાનનું પદ મળ્યું હતું. બુંદેલા સરદાર રાવ દલપતની સરદારી હેઠળ ભીમસેને દખ્ખણમાં ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો. તે નલદુર્ગ નામના ગઢના સેનાધ્યક્ષ પણ નિમાયા હતા. ભીમસેને ઔરંગઝેબની દખ્ખણની લડાઈઓની સરળ ફારસીમાં નોંધો લખી છે. ઈ.સ. 1657-1658માં ઔરંગઝેબ દખ્ખણથી આગ્રા જવા રવાના થયો, ત્યારથી તેમણે પોતાના વર્ણનની શરૂઆત કરી છે. તેમણે નોંધેલી છેલ્લી હકીકત ઈ.સ. 1708-09માં રાજકુંવર કામબક્ષના પરાજય અને મૃત્યુની ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે. આ જ વર્ષે તેમણે પોતાની નોંધો સંપાદિત કરી તેનું ‘દિલકુશા’ નામ રાખ્યું હતું.
ઈ.સ. 1708-1709 પછી તે નિવૃત્ત થઈને પોતાના વતન પાછા ફર્યા હતા.
ઇન્ડિયા ઑફિસની લાઇબ્રેરીમાંની ‘દિલકુશા’ની હસ્તપ્રતના લહિયાનું નામ મિત્રસેન વલદ મુરલીધર કાયસ્થ જણાવેલું છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી