કાયમી જમાબંધી

January, 2006

કાયમી જમાબંધી : જમીન માપીને તેની જાત વગેરે તપાસી તેનું સરકારી મહેસૂલ કાયમને માટે નક્કી કરવું તે. જમીનમહેસૂલ બાબતમાં કાયમી જમાબંધી 1790માં પહેલાં બંગાળમાં દશ વર્ષ માટે દાખલ કરવાના અને તેને 1793માં બંગાળ, ઓરિસા તેમજ બિહાર પ્રાંતોમાં કાયમી ધોરણે લાગુ કરવાના કાર્યને હિંદના ગવર્નર-જનરલ કૉર્નવૉલિસ(1786-1793)ની મહત્વની વહીવટી સિદ્ધિ ગણવામાં આવે છે. અલબત્ત, કૉર્નવૉલિસે તેમાં ‘ગૃહ સરકાર’ની મહેસૂલી નીતિનો અમલ કર્યો હતો.

કાયમી જમાબંધી દાખલ કરીને તત્કાલીન જમીનદારોના મહેસૂલી, પોલીસ અને ન્યાયિક અધિકારો જે તેમને 1765થી ‘દીવાની પદ્ધતિ’ હેઠળ મળ્યા હતા તે નાબૂદ કરાયા. તેમને જમીનોના સંપૂર્ણ માલિક બનાવાયા. 1790-91ના વર્ષમાં ખરેખર વસૂલ લેવાયેલી મહેસૂલી રકમને આધારરૂપ ગણી, જમીનદારો સરકારને દર વર્ષે 89 % રકમ મહેસૂલ તરીકે ચૂકવે અને 11 % રકમ તેઓ પોતાના ખર્ચ, વહીવટ અને જવાબદારીઓ બજાવવા માટે રાખે તેવી લેખિત સમજૂતી સરકારે જમીનદારો સાથે કરી. જમીનદારો નિયત રકમ મુદતમાં ચૂકવે નહિ તો સરકાર તેમની જમીનનો કોઈ પણ ભાગ જાહેર હરાજીથી વેચી પોતાની રકમ વસૂલ લઈ શકે તેવો હક સરકારે રાખ્યો. એ મુજબ પછીનાં વર્ષોમાં કેટલાક જમીનદારોની જમીનો સરકારે વેચી કાઢી હતી.

કાયમી જમાબંધીથી નાણાકીય ર્દષ્ટિએ સરકારને વાર્ષિક કાયમી આવકની ખાતરી મળી. મહેસૂલ વસૂલાતી ખર્ચ બચ્યો. મહેસૂલી વસૂલાત કાર્યમાંથી ફારેગ થયેલા કાર્યદક્ષ અંગ્રેજ અધિકારીઓનો ઉપયોગ બ્રિટિશ હકૂમતનો વ્યાપ વધારવામાં અને સત્તા ર્દઢ કરવામાં થયો. આર્થિક ર્દષ્ટિએ ખેતઉત્પાદન વધતાં જમીનદારોની શ્રીમંતાઈ અને સમૃદ્ધિ વધ્યાં. તેમની વધેલી આવકના પ્રમાણમાં સરકારને વધુ મહેસૂલી આવક ન મળતાં ખોટ જવા લાગી. ધંધા, વેપાર અને ઉદ્યોગને વિકસવા ઉત્તેજન મળ્યું.

રાજકીય ર્દષ્ટિએ જમીનદારોને તેમના હકોના રક્ષણની અંગ્રેજ સરકારે બાંયધરી આપેલી હોવાથી તેઓ સરકાર પ્રત્યે વફાદાર રહી ટેકો આપનાર વર્ગ (સામંત) તરીકે આગળ આવ્યા.

કાયમી જમાબંધીથી અનેક દૂષણો સર્જાયાં. જમીનદારોએ મહેસૂલ વસૂલ લેવાનું કામ બીજાઓને સોંપતાં ‘વચેટિયો વર્ગ’ (ઉપ-સામંત) અસ્તિત્વમાં આવ્યો. જમીનદારો ‘ગેરહાજર સામંતો’ બની કોલકાતા જેવાં મોટાં શહેરોમાં વસવાટ કરવા લાગ્યા. કાયમી જમાબંધી શોષણ અને દમનનું યંત્ર બની ગઈ. જમીનદાર અને ખેડૂત (રૈયત) એવા બે વર્ગો રચાતાં તેમની વચ્ચે એકબીજા માટે સૂગ, તિરસ્કાર અને ધિક્કારની લાગણીઓ પેદા થઈ અને વધતી ગઈ. તેમાંથી ખેતી ક્ષેત્રમાં વર્ગસંઘર્ષને પ્રોત્સાહન મળ્યું.

રમેશકાન્ત ગો. પરીખ