કાયફળ : સં. कट्फल; હિં. कायफल; શાસ્ત્રીય નામ Myrica. તે દ્વિદળીના કુળ Myricaceaeનું મધ્યમ કદનું ઝાડવું છે. તે એક જ પ્રજાતિના કુળનું છે અને તે આઠ જાતિઓ ધરાવે છે. તેમાંની એક M. nagi Thunb હિમાલયના રાવી પ્રદેશમાં, ખાસિયા ટેકરીઓ અને સિલહટ પાસે મળે છે. તે જલદ સુગંધી ફેલાવે છે. સાદાં એકાંતરે આવેલાં, ઉપપર્ણ વિનાનાં પાન, એકલિંગી પુષ્પો, એક જ અંડક, નાના ઠળિયા, ઉપરની બાજુએ મીણિયા સ્રાવ કરતી ગ્રંથિવાળાં બીજ, ખટમીઠાં ફળ.

તેની લાલ રંગની છાલ અંદરની બાજુએ પીળા રંજક તત્વ માઇરી-સાઇટિનથી ભરપૂર હોય છે. તેમાં તૂરા રસનું વિશેષ પ્રાધાન્ય હોવાથી કફજ, પિત્તજ રોગોમાં ઉપયોગી છે. તેનું તેલ કે ચૂર્ણ સૂંઘવાથી છીંકો આવીને માથામાં ભરાયેલા કફ અને શૂળનો દુખાવો હણે છે. સાકર સાથે તેનું ચૂર્ણ લેવાથી રક્તસ્રાવ અટકે છે. તેમાંનું ટેનિક ઍસિડ તત્વ-ગ્રાહી સ્તંભક હોવાથી ઝાડાને અટકાવે છે. તેનો તૂરો રસ સોજા ઉપર રાહત આપે છે. તેની છાલના ચૂર્ણની પોટલી ગર્ભાશયમાં રાખવાથી ગર્ભાશયની સંકોચ-વિકાસ થવાની ગતિ વધતાં છૂટથી માસિક આવે છે. કફના દર્દોમાં તે ખાસ વપરાય છે.

કાયફળ (પર્ણ અને ફળ)

કાયફળ અને જાયફળ – જાવંત્રી બન્ને જુદાં જ વૃક્ષો છે. તેમનાં લૅટિન નામ અનુક્રમે Myrica અને Myristica છે.

પ્રાગજી મો. રાઠોડ