કામા, માદામ ભિખાઈજી રુસ્તમજી (જ. 24 સપ્ટેમ્બર 1861, મુંબઈ; અ. 19 ઑગસ્ટ 1936, મુંબઈ) : પ્રથમ ભારતીય ક્રાંતિકારી મહિલા, પ્રખર રાષ્ટ્રવાદી તથા ભારતની સ્વાધીનતા માટે સર્વસ્વ અર્પણ કરનાર પ્રથમ પારસી મહિલા. જન્મ મુંબઈમાં સમૃદ્ધ પારસી વ્યાપારી કુટુંબમાં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સુવિખ્યાત સ્ત્રીકેળવણી સંસ્થા અલેક્ઝાંડ્રા ગર્લ્સ સ્કૂલ, મુંબઈમાં લીધું. 1885માં મુંબઈના જાણીતા સૉલિસિટર રુસ્તમજી કામા સાથે તેમનાં લગ્ન થયાં. તે જ અરસામાં મુંબઈમાં રાષ્ટ્રીય કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન ભરાયું જેમાંથી તેમનામાં રાષ્ટ્રીયતાની ભાવનાનું બીજ રોપાયું. સમય જતાં બંગાળમાં અરવિંદ ઘોષ તથા મહારાષ્ટ્રમાં લોકમાન્ય ટિળકના નેતૃત્વ હેઠળ પ્રસરેલી ક્રાંતિકારી વિચારસરણીનો તેમના પર વધુ પ્રભાવ પડ્યો અને તેમાંથી જ માદામ કામાની ઉદ્દામ વિચારસરણી તથા પ્રવૃત્તિઓનાં બીજ રોપાયાં. 1920માં વૈદ્યકીય સારવાર માટે તે લંડન ગયાં, ત્યાં દાદાભાઈ નવરોજીના સંપર્કથી તેમની રાજકીય વિચારસરણીને પ્રેરણા મળી. દાદાભાઈ ઇંગ્લૅન્ડની સંસદની ચૂંટણી લડ્યા અને વિજયી બન્યા તેમાં માદામ કામાનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. વીર સાવરકરનાં વ્યક્તિત્વ તથા વક્તૃત્વથી તેઓ એટલાં બધાં પ્રભાવિત થયાં કે તરત જ તેઓ ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ નામની ક્રાંતિકારી સંસ્થામાં સામેલ થયાં. યુરોપના તેમના વસવાટ દરમિયાન તેમણે ભારતની આઝાદીની તરફેણમાં ઘણી પુસ્તિકાઓ લખી હતી.
ઇંગ્લૅન્ડ ઉપરાંત તેમણે ફ્રાંસ, સ્કૉટલૅન્ડ, જર્મની તથા અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. 1907માં જર્મનીના સ્ટટગાર્ટ ખાતે યોજાયેલી સમાજવાદી કૉન્ગ્રેસમાં તેઓ હાજર રહ્યાં હતાં તથા સ્વતંત્ર ભારતની સંકલ્પના સાથે, ‘વંદે માતરમ્’ મંત્ર-આલેખિત ત્રિરંગી ધ્વજ તેમણે પરિષદમાં ફરકાવ્યો હતો. 1908માં તે બિપિનચંદ્ર પાલને મળવા ઇંગ્લૅન્ડ પાછાં ફર્યાં. ત્યાં તે શ્યામજી કૃષ્ણ વર્મા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, સરદારસિંગ રાણા તથા વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. માદામ કામાના ક્રાંતિકારી વિચારોના ઘડતરમાં ક્રાંતિકારીઓ સાથેની તેમની આ મુલાકાત સંગીન નીવડી. તે પછીના ગાળામાં તે પત્રવ્યવહાર દ્વારા લેનિન તથા અન્ય રશિયન ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. 1917માં રશિયામાં ક્રાંતિ સફળ થયા પછી લેનિને માદામ કામાને મૉસ્કોની મુલાકાત માટે આમંત્ર્યાં હતાં. પણ તે જઈ શક્યાં ન હતાં. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન તે નિયમિત રીતે હાઇડ પાર્કમાં સભાઓ ભરીને ભારતની સ્વાધીનતાની તરફેણમાં લોકજાગૃતિનું અભિયાન ચલાવતાં. આ સભાઓમાં ખૂબ મોટી હાજરી રહેતી, જેનાથી ભડકીને ઇંગ્લૅન્ડના શાસકોએ દેશમાંથી તેમની હકાલપટ્ટી કરવાની ધમકી આપી હતી, પરંતુ તેના અમલ પહેલાં જ 1909માં માદામ કામા પૅરિસ જતાં રહેલાં. તે પછીનાં વર્ષો દરમિયાન તેમણે પૅરિસને તેમની પ્રવૃત્તિઓનું મુખ્ય મથક બનાવ્યું હતું. ત્યાં તે અવારનવાર દેશવિદેશના ક્રાંતિકારીઓને મળતાં હતાં.
બંધારણીય રીતરસમથી ભારત સ્વતંત્રતા હાંસલ કરી શકશે નહિ, તે માટે ક્રાંતિકારી માર્ગ જ લેવો પડશે તેવી તેમની ર્દઢ શ્રદ્ધા હતી. પરદેશના તેમના વસવાટ દરમિયાન તેમણે જુદા જુદા દેશોમાં ભારતની સ્વાધીનતા માટે પ્રચારકાર્ય તો કર્યું હતું જ, પરંતુ તે ઉપરાંત ભારતીય ક્રાંતિકારોને સશસ્ત્ર ક્રાંતિનું પ્રશિક્ષણ આપવું, શસ્ત્રો પ્રાપ્ત કરવાં અને ગુપ્ત રાહે તે ભારતમાંના ક્રાંતિકારીઓને પૂરાં પાડવાં, ગુપ્ત સભાઓ યોજવી, વિદેશમાં ચાલતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવું, પ્રચાર માટેનું સાહિત્ય તૈયાર કરી તેનો પ્રસાર કરવો વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ તે કરતાં. યુરોપમાં વસતા તથા ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સંસ્થા સાથે સંકળાયેલા ભારતીય ક્રાંતિકારીઓનાં તે પ્રેરણાસ્રોત હતાં. 1911માં ફ્રાંસની ભૂમિ પર વીર સાવરકરની ધરપકડ થઈ તેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય જનમત તૈયાર કરવામાં માદામ કામાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા તથા સરદારસિંગ રાણા પર બ્રિટિશ શાસકોએ ભારતમાં ગુપ્ત રાહે શસ્ત્રો મોકલવાનો આરોપ મૂક્યો ત્યારે તે આરોપમાંથી તેમને બચાવવા માટે માદામ કામાએ કબૂલાતનામું રજૂ કર્યું, જે તેમની નીડરતા અને સાહસિકતાનો પરિચય પૂરો પાડે છે. 1915-18 દરમિયાન તેમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. તે પછી તેમણે ભારત પાછા ફરવાના સતત પ્રયાસ કર્યા, પણ બ્રિટિશ સરકારે લાંબા સમય સુધી તેમને સ્વદેશ પાછા ફરવાની પરવાનગી આપી ન હતી. છેવટે 1935માં 74 વર્ષની ઉંમરે તે સ્વદેશ પાછાં આવ્યાં અને ટૂંક સમયમાં જ 1936માં તેમનું અવસાન થયું હતું.
સામાજિક કાર્યકર તરીકે જાહેર જીવનમાં પદાર્પણ કરનારાં પરંતુ ભારતની આઝાદીની તીવ્ર ઝંખનાને લીધે ક્રાંતિકારી જીવન જીવેલાં આ પ્રખર દેશભક્તની સ્મૃતિમાં મુંબઈના એક જાહેર માર્ગને તેમનું નામ આપવામાં આવ્યું છે. તેમની જન્મશતાબ્દીની ઉજવણી રૂપે 1962માં ભારત સરકારે એક ખાસ ટપાલ-ટિકિટ બહાર પાડી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે