કામા નદી : યુરોપીય રશિયામાં આવેલી વૉલ્ગા નદીની મહત્વની સહાયક નદી. ભૌગોલિક સ્થાન : 550 45’ ઉ. અ. અને 520 00’ પૂ. રે. નજીક તે વૉલ્ગાને ડાબે કાંઠે મળે છે. તેનું સંગમસ્થાન કાઝાનથી 69 કિમી. દક્ષિણે આવેલું છે. ઉત્તરી યુરલની પશ્ચિમે આવેલા ઉદમૂર પહાડી પ્રદેશમાં તેનું ઉદભવસ્થાન આવેલું છે. તેનો ઉપરવાસ અને મધ્યવાસનો ખીણપ્રદેશ ગીચ શંકુદ્રુમ જંગલોથી છવાયેલો છે, જ્યારે તેના મુખ નજીક ખરાઉ જંગલો આવેલાં છે. ઉપરવાસનો પ્રદેશ હિમનદીવાળો છે.

આ નદીની લંબાઈ 2,020 કિમી. છે તથા તેનો સ્રાવવિસ્તાર 5,23,000 ચોકિમી. જેટલો છે. આ નદીને પણ કેટલીક શાખાનદીઓ છે; જેમાં મુખ્યત્વે ઇન્વા, ઓબ્વા, ઇઝ અને વ્યાટકાનો સમાવેશ થાય છે. કામા નદી પર બંધો બાંધી વિશાળ જળાશયો બનાવી તેને જળમાર્ગ તરીકે ઉપયોગી બનાવી છે. તેનો 75 % પ્રવાહપટ જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપરવાસનો પ્રવાહ 185 દિવસ અને હેઠવાસનો પ્રવાહ 205 દિવસ માટે બરફમુક્ત રહે છે. તેના સંગમસ્થળ નજીક પાણીની ઊંડાઈ ઋતુ અનુસાર 3થી 24 મીટર જેટલી રહે છે. ચીંસ્ટોપોલ, ક્રોસ્નો કામસ્ક, પર્મ, બેરેઝનીકી અને સોલિકામિસ્ક તેને કાંઠે આવેલાં મહત્વનાં બંદરો છે. ત્યાં વિશાળ ધક્કાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.

ઇમારતી લાકડાં, અનાજ, ખનિજતેલ, લોહધાતુ, કોલસો, મીઠું અને રસાયણોની આ જળમાર્ગ મારફતે હેરફેર થાય છે. નદીકાંઠો તેના સૃષ્ટિસૌંદર્ય માટે જાણીતો હોવાથી ત્યાં વિહારધામો ઊભાં કરાયાં છે.

જૈનાબસુલતાના અહમદ સૈયદ

નીતિન કોઠારી