કામવાસના : પુરુષ અને સ્ત્રી વચ્ચે રહેલા શારીરિક ભેદોથી માંડીને પુરુષત્વ (masculinity) અને સ્ત્રીત્વ (femininity) સૂચવતાં લક્ષણો તેમજ આંતરિક અને બાહ્ય જાતીય કામુક (sexual) વર્તનની પ્રેરક જાતીયવૃત્તિ. કામવાસના માનવીયતાનું તત્વ છે, ઈરણ (drive) છે, જે આત્મીયતા અને પ્રજોત્પત્તિને બળ પૂરું પાડે છે. લગ્નજીવનમાં કામવાસના મહત્વનો ભાગ ભજવે છે અને સંતોષકારક લૈંગિક સંબંધ સુખી દામ્પત્ય માટે જરૂરી પણ છે. પરંતુ પતિપત્ની વચ્ચેની આંતરક્રિયાની તરેહ ખૂબ જટિલ હોઈ લગ્નસુખ માટેનું તે એકમાત્ર જવાબદાર પરિબળ નથી.
કામવાસનાના આધારરૂપ શારીરિક તંત્ર : કામવાસના પ્રજોત્પત્તિ સાથે પણ સંકળાયેલી છે તેથી કામવાસનાના સંતોષ સાથે સંબંધ ધરાવતા અવયવોને જાતીય જનન-અવયવો (sex organs) તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ નિમ્ન કક્ષાનાં પ્રાણીઓથી મનુષ્ય તરફ ઉત્ક્રાંતિમાં જેમ આગળ વધીએ તેમ લૈંગિક પ્રવૃત્તિ પ્રજનનથી વધુ ને વધુ સ્વતંત્ર જોવા મળે છે. પુરુષ અને સ્ત્રી બંનેના જાતીય જનન-અવયવો ઉદરના અધ:પ્રદેશમાં કેડની નીચે બસ્તિપ્રદેશ(pelvis)માં આવેલા છે.
પુરુષના બાહ્ય જાતીય અવયવો શિશ્ન (penis) અને વૃષણકોથળી (scrotum) છે. શિશ્ન માંસલ, નળાકાર અને સ્થિતિસ્થાપક છે. તેના બહારના છેડા આગળના ઘૂમટ જેવા સુંવાળા ભાગને શિશ્નમણિ (glans penis) કહે છે. શિશ્નમણિમાંના છિદ્ર દ્વારા વીર્યસ્રાવ અને મૂત્રોત્સર્ગ થાય છે. શિશ્નમણિ ખૂબ જ સંવેદનશીલ કામોત્તેજક અવયવ છે. પુરુષમાં કામવાસના જાગે ત્યારે શિશ્ન કડક અને ટટ્ટાર બને છે. તેની લંબાઈ અને પહોળાઈ વધે છે. કામુકતાનો સર્વપ્રથમ પ્રાયોગિક અભ્યાસ કરનાર ડૉ. માસ્ટર્સ અને જ્હૉન્સન તારવે છે કે (1) શિશ્નના કદ અને સ્ત્રીના જાતીય સંતોષ (sexual satisfaction) વચ્ચે સંબંધ નથી. (2) પુરુષની કામશક્તિ અને શિશ્નના કદ વચ્ચે સંબંધ નથી. (3) શિશ્નના કદ અને પુરુષના શારીરિક બંધારણ વચ્ચે સંબંધ નથી. (4) ઉત્તેજિત અવસ્થામાં શિશ્નના કદમાં ખાસ વ્યક્તિગત તફાવતો જોવા મળતા નથી. (5) સુન્નત (circumsized) કરેલા શિશ્નમાં કોઈ વધારાની સંવેદનશીલતા હોતી નથી.
શિશ્નની પાછળ લટકતી ત્વચાની કોથળીમાં બે વૃષણ (testicles) ગોઠવાયેલા હોય છે. તેને વૃષણકોથળી કહે છે. પૂરતી સંખ્યામાં શુક્રાણુઓ (spermatozoa) વૃષણમાં ઉત્પન્ન થઈ શકે તે માટે જરૂરી ઉષ્ણતામાન જાળવી રાખવાનું મહત્વનું કાર્ય વૃષણકોથળી કરે છે.
પુરુષના આંતરિક જાતીય અવયવોમાં વૃષણ, અધિવૃષણ-નલિકાઓ, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રૉસ્ટેટગ્રંથિનો સમાવેશ થાય છે. શુક્રાણુઓનું સર્જન વૃષણોમાં થાય છે. ત્યાંથી અધિવૃષણનલિકા, શુક્રવાહિની તેમજ મૂત્રજનનમાર્ગે આગળ વધી, શુક્રાશય અને પ્રૉસ્ટેટગ્રંથિના સ્રાવમાં મિશ્રિત થઈને વીર્ય રૂપે શુક્રાણુઓનો સ્રાવ શિશ્નમણિમાંના છિદ્ર દ્વારા થાય છે. તેને વીર્યોત્સેક (ejeculation) કહે છે.
સ્ત્રીની યોનિમાં વીર્યોત્સેક થતાં પ્રજનનની ર્દષ્ટિએ પુરુષનું કાર્ય પૂરું થાય છે. પરંતુ ગર્ભાધાન (conception), ગર્ભસ્થ બાળકના વૃદ્ધિવિકાસની અને બાળજન્મની ક્રિયા સ્ત્રીના શરીરમાં થાય છે. આમ પુરુષની સરખામણીમાં સ્ત્રીનાં જાતીય જનનાંગો અને તેનાં કાર્યો જટિલ હોય છે.
સ્ત્રીના બાહ્ય જાતીય અવયવો(ભગપ્રદેશ = vulva)માં બાહ્ય કે બૃહદ્ ઓષ્ઠ (labia majora), અંત: કે લઘુ ઓષ્ઠ (labia minora), ભગાંકુર (clitoris) અને યોનિમુખનો સમાવેશ થાય છે. આ બાહ્ય અવયવો આંતરિક જાતીય જનન-અવયવોને રક્ષણ પૂરું પાડે છે. ઉપરાંત કામોત્તેજક સંવેદનોના અધિષ્ઠાન તરીકે કામ કરે છે. ભગાંકુરને ‘કામુકતાની ચાવી’ કહે છે. અંત:ઓષ્ઠો ઉપરની બાજુએ જ્યાં ભેગા થાય છે ત્યાં વટાણાના કદનો આ અવયવ આવેલો છે. સ્ત્રીના શરીરનો આ સૌથી વધુ કામુક સંવેદનો ધરાવનાર વિસ્તાર છે. જાતીય ઉત્તેજના વખતે પુરુષના શિશ્નની જેમ તેનું ઉત્થાન (erection) થાય છે. ભગાંકુર સિવાયના અન્ય કામોત્તેજક વિસ્તારો (erogenous zones) જેવા કે સ્તનો, ડીંટડી (nipple), હોઠ, જીભ, સાથળની અંદરની બાજુની સપાટી વગેરેના સ્પર્શથી કે કેવળ કામુક વિચારોથી સ્ત્રી ઉત્તેજાઈ હોય ત્યારે પણ કામસુખની લાગણીઓ તેના ભગાંકુરમાં જ કેન્દ્રિત થાય છે.
અંત:ઓષ્ઠોના નીચેના છેડાઓ વચ્ચે યોનિમાર્ગમાં પ્રવેશવાનું દ્વાર (યોનિમુખ) આવેલું છે. તે સામાન્ય રીતે કુમારિકાઓમાં ગુલાબી કોમળ પાતળી ત્વચા દ્વારા અંશત: ઢંકાયેલું હોય છે. તેને યોનિપટલ (hymen) કહે છે.
સ્ત્રીના શરીરની અંદર આવેલા આંતરિક જાતીય જનન-અવયવોમાં મુખ્યત્વે અંડાશય (ovary), અંડવાહિની (Fallopian tubes), ગર્ભાશય (uterus) અને યોનિમાર્ગ(vagina)નો સમાવેશ થાય છે. સ્ત્રીના પ્રજનનકોષો – અંડકોષો(ova)નો વિકાસ અંડાશય કે બીજાશય(ovary)માં થાય છે. અંડાશય અને ગર્ભાશય વચ્ચે સેતુ તરીકે કાર્ય કરતી, પરિપક્વ અંડકોષનું વહન કરતી નલિકાઓને, અંડવાહિનીઓ કે તેનું કાર્ય સર્વપ્રથમ 1561માં સમજાવનાર શરીરરચનાશાસ્ત્રી ગેબ્રિયલ ફૅલોપિયસના નામ પરથી ફૅલોપિયન નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. શુક્રાણુ દ્વારા અંડકોષનું ફલીકરણ થવાની ક્રિયા આ નલિકાઓમાં થાય છે. ગર્ભાશયનું મુખ્ય કાર્ય ફલિતાંડ(zygote)ને આશરે નવ મહિના સુધી રક્ષણ, હૂંફ અને પોષણ આપવાનું છે.
પુરુષ અને સ્ત્રી વચ્ચે કેટલાક દેખીતા શારીરિક તફાવતો ઉપરાંત અદ્યતન સાહિત્યમાં કેટલાક નવા તફાવતો નોંધાયા છે : (1) વીર્યોત્સેક રૂપે પરાકાષ્ઠા (orgasm) અનુભવ્યા બાદ પુરુષે ફરીથી પરાકાષ્ઠા અનુભવવા માટે થોડો સમય પસાર થવા દેવો પડે છે અને જેમ પરાકાષ્ઠાની સંખ્યા વધે તેમ બે પરાકાષ્ઠા વચ્ચે વધુ સમય પસાર (resolution) થવા દેવો પડે છે. બીજી બાજુ સ્ત્રી શારીરિક રીતે સંપૂર્ણ થાકી જાય ત્યાં સુધી એક પછી એક ઘણી પરાકાષ્ઠા અનુભવી શકે છે.
(2) સ્ત્રી ભગાંકુર નામનો એક એવો અજોડ વિસ્તાર ધરાવે છે, જે સંપૂર્ણપણે અને એકમાત્ર કામસુખ માટે જ છે; જ્યારે પુરુષનો શિશ્ન કામપરિતૃપ્તિ ઉપરાંત બીજાં પણ કેટલાંક કાર્યો કરે છે. આમ સ્ત્રી કામ-અભિવ્યક્તિ અને પરાકાષ્ઠાના અનુભવ માટે તેની કામવાસનાને ભગાંકુર પૂરતી કેન્દ્રિત કરી શકે છે.
(3) સમાન ઉંમરના યુવક કરતાં તરુણ યુવતીમાં કામવાસના ઓછી હોય છે, એટલું જ નહિ પરંતુ કામુકતાની બાબતમાં તે પોતાની જાતને વધુ સંયમિત રાખી શકે છે.
સ્ત્રી અને પુરુષ મોટેભાગે એકસાથે કામુક (amorous) બની શકતાં નથી. દાંપત્યકલા(art of marriage)ની ર્દષ્ટિએ આ મુદ્દો દંપતીએ ધ્યાનમાં રાખી પૂર્વક્રીડા(fore play)નો સહારો લેવો જોઈએ.
કામપ્રેરણા (sexual motivation) : કામપ્રેરણા મૂળભૂત રીતે શારીરિક છે, કારણ કે જાતીય અંત:સ્રાવો (sex hormones) દ્વારા તેનું નિયમન પ્રાણીઓ તેમજ માનવીમાં થાય છે. પ્રાણી માદા પ્રજનનના હેતુથી જ કામપ્રવૃત્તિમાં જોડાય છે. કૂતરાં, બિલાડાં જેવાં પ્રાણીઓમાં મગજના હાઇપોથેલેમસના ચેતાકોષોમાં જાતીય હૉર્મોન્સનાં ઇંજેક્શન આપીને કામુક વર્તન ઉત્પન્ન કરી શકાય છે.
જાતીય અંત:સ્રાવો પુરુષ અને સ્ત્રીનાં પ્રાથમિક તેમજ ગૌણ જાતીય લક્ષણો તેમજ મનોવૈજ્ઞાનિક લક્ષણોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. પુરુષમાં વૃષણ અને સ્ત્રીમાં અંડાશય જાતીય ગ્રંથિઓ (sex glands) છે. તેમાંથી ઉદભવતા અંત:સ્રાવો સીધા જ લોહીમાં ભળી જઈને સમગ્ર જાતીય વિકાસને અસર કરે છે. આ જાતીય ગ્રંથિઓ તારુણ્યારંભે (puberty) સક્રિય થાય છે. પુરુષના જાતીય અંત:સ્રાવો એન્ડ્રોજીન્સ કે ટેસ્ટોસ્ટેરોન તરીકે અને સ્ત્રીના જાતીય અંત:સ્રાવો ઇસ્ટ્રોજીન્સ અને પ્રોજેસ્ટેરોન તરીકે ઓળખાય છે.
મનુષ્યની કામપ્રેરણાને માત્ર જાતીય અંત:સ્રાવોને આધારે સમજાવી શકાય નહિ. જાતીય લક્ષણો તેમજ કામપ્રવૃત્તિની ઉત્પત્તિ માટે મનુષ્યમાં પણ જાતીય અંત:સ્રાવો જરૂરી છે. પરંતુ કામપ્રવૃત્તિ(sexual behaviour)ના સાતત્ય માટે તે જરૂરી નથી. દા.ત., રજોનિવૃત્તિકાળ (menopause) પછી પણ ઘણી પ્રૌઢ સ્ત્રીઓમાં કામ ઘટી જાય છતાં જાતીય આવેગ જોવા મળે છે. આમ શારીરિક રાસાયણિક આધાર સમાપ્ત થઈ ગયા છતાં કામુકતાની મનોવૈજ્ઞાનિક પ્રેરણા જીવંત રહે છે. મનુષ્યમાં કામવાસના સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક ઘટકો પર વધુ આધાર રાખે છે. જાતીય અંત:સ્રાવો ઉપરાંત શિક્ષણ પણ મહત્વનો ભાગ ભજવે છે. માનવીમાં કામપ્રેરણા જૈવિક અને મનોવૈજ્ઞાનિક ઘટકો વચ્ચેની જટિલ આંતરક્રિયાનું પરિણામ છે. કામુકતા શુદ્ધ જૈવિક પ્રેરણા નથી.
જૈવિક ર્દષ્ટિબિંદુ પ્રમાણે, જ્યારે માનવીમાં કામવાસના જાગે છે ત્યારે જો યોગ્ય સંજોગો હોય તો, કામુક પ્રતિભાવો દ્વારા તે વ્યક્ત કરે છે.
લુરિયા અને રોઝે (1979) કામપ્રેરણાની ક્રિયાલક્ષી વ્યાખ્યા (operational definition) આ પ્રમાણે આપી છે : ‘જ્યારે કોઈ સજીવતંત્ર (organism) કામોત્તેજક ઉદ્દીપકો તરફ જવાનું ગોઠવે કે કલ્પનામાં તેનું સર્જન કરે ત્યારે તેનામાં કામપ્રેરણા ઉદભવી છે તેમ કહેવાય.’
કામવાસના પ્રત્યેના મનોવલણમાં પરિવર્તન : છેલ્લા ચારપાંચ દશકામાં સમાજમાં થયેલાં પરિવર્તનોની કામુક વર્તન પર નોંધપાત્ર અસર પડી છે. કામુક વર્તન પ્રત્યેનું મનોવલણ ઉદાર બનતું જાય છે. યુવાન અપરિણીત તેમજ પરિણીતોમાં સંભોગનું પ્રમાણ (frequency) વધ્યું છે.
કામવાસના પ્રત્યેનાં મનોવલણોની બાબતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે જે અંતર હતું તે ઘટતું જાય છે અને બંનેનાં મનોવલણો સમાન થતાં જાય છે. સંતતિનિયમનનાં સાધનોની અસરકારકતા, ગર્ભપાતની કાયદેસરતા જેવાં પરિબળોની અસર પડી છે. જાતિગત ભૂમિકામાં પણ પરિવર્તન આવી રહ્યું છે, એની કામુકતા ઉપર સીધી અને આડકતરી અસર પડી છે. જાતીય સંબંધોમાં સ્ત્રીઓની નિષ્ક્રિયતા ઓછી થઈ છે. વ્યવસાય કરતી સ્ત્રીઓનું પ્રમાણ વધતું જાય છે તેથી પણ કામુકતા-સંબંધિત વર્તનમાં ફેરફાર થયા છે; જેમ કે, સ્ત્રીઓ મોટી ઉંમરે લગ્ન કરે છે અને ઓછાં બાળકોને જન્મ આપે છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના સામાજિક અને જાતીય સંબંધોના ભાવિ અંગે અને પરિણામે કુટુંબના ભાવિ અંગે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.
કામુક પ્રતિભાવના તબક્કા (phases of sexual response) : 1960થી 1965 સુધી 382 સ્ત્રીઓ અને 312 પુરુષોના કામુક વર્તનનાં તમામ પાસાંઓનું વિશ્વમાં સર્વપ્રથમ પ્રયોગશાળામાં પ્રત્યક્ષ અવલોકન કરીને ડૉ. માસ્ટર્સ અને જ્હૉન્સને કામુક પ્રતિભાવના ચાર તબક્કા દર્શાવ્યા છે. તેમનું તારણ છે કે કામુક વર્તનની તરેહો સ્ત્રીઓ અને પુરુષોમાં સમાન હોય છે. (1) ઉત્તેજનાનો તબક્કો (excitation phase); (2) એકધારા પ્રતિભાવનો તબક્કો (plateau phase); (3) પરાકાષ્ઠાનો તબક્કો (orgasm phase) અને (4) શમનનો તબક્કો (resolution phase).
ઉત્તેજનાના પ્રથમ તબક્કામાં પુરુષના શિશ્નના કદ અને લંબાઈમાં વધારો થાય છે, વૃષણકોથળીની દીવાલો જાડી થાય છે અને વૃષણ ઉપરની બાજુએ ખેંચાય છે. સ્ત્રીની યોનિ સ્રાવ દ્વારા ભીની થાય છે. ભગાંકુરનાં કદ અને લંબાઈ વધે છે, સ્તનોની ડીંટડી ટટ્ટાર થાય છે, સ્તનોની સાથે ડીંટડીઓનું કદ પણ વધે છે, બાહ્ય ઓષ્ઠ પહોળા થાય છે, અંત:ઓષ્ઠ પણ ફૂલે છે, યોનિમાર્ગ અંદરથી પહોળો બને છે. 75 % સ્ત્રીઓમાં અને 25 % પુરુષોમાં ત્વચાની સપાટી પર લાલ ચકામાં (sex flush) ઊપસે છે. ખાસ કરીને પેડુના ઉપરના ભાગથી શરૂ થઈ સ્તન સુધી લાલ ચકામાં વિસ્તરે છે. બંનેમાં લોહીનું દબાણ, નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસનો દર વધે છે.
સ્થિર સ્થિતિના બીજા તબક્કામાં પુરુષના વૃષણોના વ્યાસમાં 50 % વધારો થાય છે, શિશ્નનું સંપૂર્ણ ઉત્થાન થાય છે. કેટલીક વાર શિશ્નમણિ ઘેરા લાલ કે જાંબુડા રંગનો દેખાય છે. શિશ્નમણિના છિદ્રમાંથી પૂર્વોત્સેક સ્રાવ થાય છે, સ્ત્રીના સ્તનની ડીંટડીનો આજુબાજુનો પ્રદેશ (areolas) વધુ ફૂલે છે. યોનિની દીવાલો વધુ ભીની બને છે, યોનિમાં શિશ્નને જકડી રાખવાની ક્ષમતા પેદા થાય છે, સંતાનવાળી સ્ત્રીમાં અંત:ઓષ્ઠનો રંગ ઘેરા આસવી (deep wine) અને સંતાન વગરની સ્ત્રીમાં ઊઘડતા લાલ રંગનો થાય છે. જો ઉદ્દીપન ચાલુ રહે તો રંગના આ પરિવર્તન પછી સ્ત્રી દોઢ-બે મિનિટમાં નિશ્ચિતપણે પરાકાષ્ઠા અનુભવે છે. આ તબક્કામાં ત્વચા પરનાં લાલ ચકામાં ચહેરો, સાથળ, નિતંબ અને પીઠ પર વિસ્તરે છે.
પરાકાષ્ઠા એટલે કામુક આનંદની ચરમ સીમા. પરાકાષ્ઠા એટલે જનનાંગોના સ્નાયુઓનાં લયબદ્ધ, આંચકાયુક્ત, અનૈચ્છિક આકુંચનો. મનોશારીરિક તાણ સ્થાનિક રીતે એકદમ હળવી થવાની ક્ષણને પરાકાષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કામાં પુરુષના શિશ્નમાં લયબદ્ધ આંચકા સાથે સ્નાયુનાં આકુંચનો પેદા થાય છે અને અંતે વીર્યોત્સેક થાય છે. સ્ત્રીની યોનિના બહારના ભાગમાં લયબદ્ધ સ્નાયુ-આકુંચનો થવા માંડે છે. આ તબક્કામાં લાલ ચકામાં ટકી રહે છે. બંનેમાં લોહીનું દબાણ, નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસનો દર સૌથી વધુ હોય છે.
શમનના અંતિમ તબક્કામાં પુરુષના વૃષણ, વૃષણકોથળી અને શિશ્ન ફરીથી મૂળ સ્થિતિ ધારણ કરે છે, સ્ત્રીના સ્તનની ડીંટડીનો આસપાસનો પ્રદેશ, ભગાંકુર, યોનિ, ગર્ભાશય મૂળ સ્થિતિ ધારણ કરે છે. લોહીનું દબાણ, નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસનો દર પૂર્વવત્ સાધારણ થઈ જાય છે. સ્નાયુતંત્ર પણ તાણ દૂર થતાં પૂર્વવત્ સ્થિતિએ પહોંચે છે. બંનેમાં લાલ ચકામાં પણ શમી જાય છે.
કામુકતામાં વિચલન કે વૈવિધ્ય (sexual deviations or variations) : જે વ્યક્તિઓને મુખ્યત્વે વિજાતીય વ્યક્તિ સિવાયના પદાર્થો માટે જાતીય આસક્તિ હોય કે સંભોગ સાથે સામાન્ય રીતે સંકળાયેલી ન હોય તેવી જાતીય ક્રિયાઓમાં રુચિ હોય અથવા તો વિચિત્ર પરિસ્થિતિમાં સંભોગ (જેમ કે શબ સમાગમ, બાળ સમાગમ, જાતીય પરપીડન) કરવામાં રુચિ હોય તેમનો સમાવેશ આ વર્ગમાં થાય છે. માનવી કલ્પનાશીલ પ્રાણી હોઈ કામોત્તેજના અને કામવાસનાના સંતોષની જાતજાતની યુક્તિઓ શોધી કાઢે છે.
જેમ્સ કોલમૅનના શબ્દોમાં કામુકતામાં વિચલન એટલે જુદું કે વિશિષ્ટ કામુક વર્તન, જે અમુક સમાજનાં ધોરણો કે કાયદાઓ દ્વારા મંજૂર કરેલી પ્રચલિત વર્તન-તરેહને અનુસરતું ન હોય. લુરિયા અને રોઝના શબ્દોમાં જાતીય વૈવિધ્ય એટલે એવી કામુક પ્રવૃત્તિ જે વિજાતીય સંભોગની અવેજીમાં પસંદ કરવામાં આવે છે. અથવા તો જેમાં કામોત્તેજના પેદા કરવા અસામાન્ય રીતોનો ઉપયોગ થાય છે.
કેટલાંક મુખ્ય જાતીય વિચલનો આ પ્રમાણે છે : (1) અશ્લીલ પ્રદર્શનવૃત્તિ (exhibitionism) વિજાતીય વ્યક્તિઓ સામે પોતાનાં જાતીય અંગોનું પ્રદર્શન, (2) છૂપી રીતે જોવાની વૃત્તિ (voyeurism) કપડાં બદલતી સ્ત્રી કે સંભોગક્રિયાને છૂપી રીતે જોવાનું વર્તન, (3) જાતીય પદાર્થ વિકૃતિ (fetishism) શરીરના કોઈ અંગ કે અન્ય પદાર્થના સંદર્ભમાં કામોત્તેજના પેદા થવી તે, (4) પ્રાણીસમાગમ (beastiarity) નર કે માદા પ્રાણીનો જાતીય સમાગમ માટે ઉપયોગ, (5) બળાત્કાર સામેની વ્યક્તિની ઇચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક જાતીય સમાગમ કરવો તે, (6) પરપીડન (sadism) વિજાતીય વ્યક્તિને શારીરિક પીડા પહોંચાડીને કામવાસના સંતોષવી તે, (7) સ્વપીડન (masochism) પોતાની જાતને ઈજા દ્વારા પીડીને કામવાસના સંતોષવી તે, (8) વ્યભિચાર, (9) વેશ્યાવૃત્તિ, (10) વિજાતીય વેષધારણ (transvestism).
બિપીનચંદ્ર મગનલાલ કૉન્ટ્રાક્ટર