કામરેજ : પ્રાચીન કર્મણિજ્જ અથવા કાર્મણેયનગર. આ નગર તાપી નદીના દક્ષિણ કિનારા પર, સૂરતથી પૂર્વમાં આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. કામરેજ એ પાઘડીપને આશરે એકાદ કિલોમીટર લંબાઈ ધરાવતું જૂનું નગર છે. તેની એક બાજુ કોટને નામે જાણીતો જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાંથી કામરેજના જૂના અવશેષો પ્રાપ્ત થાય છે તે તેને ઈ. પૂ. પ્રથમ સહસ્રાબ્દી જેટલું પ્રાચીન હોવાનું દર્શાવે છે. કામરેજમાંથી મળેલા અવશેષો પરથી તેનો પરદેશો સાથેનો વેપાર પણ દેખાય છે. અહીંથી પ્રાચીન યુગની મુદ્રાઓ સારા પ્રમાણમાં મળી છે. કામરેજમાં બ્રહ્માનું મંદિર છે; તે ઉપરાંત બીજાં નાનાંમોટાં મંદિરો તથા ગાયકવાડ રાજ્યના વખતની સરકારી કચેરીઓ આદિ ઇમારતો તાપીની ઊંચી ભેખડ પર આવેલી છે.

ર. ના. મહેતા