કામરૂપ : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 260 30’ ઉ. અ. અને 900 00’ પૂ. રે.ની આજુબાજુનો 4,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જેની વસ્તી 15,17,202 (2011) છે. જ્યારે મેટ્રોપોલિટીનનો વિસ્તાર 1272 ચોકિમી. અને વસ્તી 12,60,409 (2011) છે. તેની ઉત્તરે ભુતાન, ઈશાનમાં દારાંગ જિલ્લો, પૂર્વમાં મોરીગાંવ જિલ્લો, દક્ષિણે મેઘાલય રાજ્યની સીમા, નૈર્ઋત્યમાં ગોલપાડા જિલ્લો તથા વાયવ્યમાં નલબારી જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગુવાહાટી જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ ટેકરીઓવાળું છે. અહીં કોઈ ઊંચી હારમાળા નથી. આ પૈકીની કામાખ્યા ટેકરી ખૂબ જ રમણીય છે. જિલ્લાનો ઘણોખરો વિસ્તાર બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશ તેમજ કામરૂપનાં મેદાનો સ્વરૂપે બે ભાગમાં વહેંચાયેલો છે. મેદાની વિસ્તાર ડાંગરનાં ખેતરોથી હરિયાળો તેમજ છવાયેલો રહે છે. જિલ્લાની મધ્યમાંથી પસાર થતી બ્રહ્મપુત્ર અહીંની મુખ્ય નદી છે. ચોમાસાની ઋતુમાં પૂર આવે ત્યારે કાંઠાની આજુબાજુનો વિસ્તાર પાણી ફરી વળવાથી પંકવાળો બની રહે છે.

અર્થતંત્ર : આ જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી, પશુપાલન તથા ગૃહઉદ્યોગો પર આધારિત છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે; તે ઉપરાંત મકાઈ, ઘઉં, કઠોળ, તેલીબિયાં અને ચાનું ઉત્પાદન પણ લેવાય છે. ખેતી સાથે પશુપાલન તથા મરઘાં-બતકાંનો ઉછેર થાય છે. જિલ્લામાં ખાદ્યપ્રક્રમણ માટેના તથા શણ, રેશમ, કાગળ, યંત્રો, વનસ્પતિ-ઘી, રસાયણો અને આયુર્વેદિક ઔષધો બનાવવાના ગૃહઉદ્યોગો વિકસેલા છે. ગુવાહાટી મુખ્ય વેપારી મથક છે. અહીં ચાનો વેપાર મુખ્ય છે.

કામરૂપ જિલ્લો

નૉર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર રેલમાર્ગ અહીંથી પસાર થાય છે, ગુવાહાટી તેનું મુખ્ય રેલમથક છે. જિલ્લામાં 1,883 કિમી.ની કુલ લંબાઈના રસ્તા આવેલા છે. સ્થાનિક લોકો બ્રહ્મપુત્ર નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરે છે. નદીકાંઠે આવેલું પંચતીર્થ સ્થાન જોવાલાયક છે. જિલ્લામાં વારતહેવારે મેળા તથા ઉત્સવોનું આયોજન થાય છે.

વસ્તી :  અહીં 60 % લોકો શહેરી અને 40 % લોકો ગ્રામીણ છે. મુખ્ય વસ્તી બૌદ્ધ, ખ્રિસ્તી, હિન્દુ, જૈન, શીખ અને મુસ્લિમ લોકોની છે. મુખ્ય ભાષા અસમિયા છે; તેમ છતાં લોકો હિન્દી અને અંગ્રેજીનો પણ ઉપયોગ કરે છે. જિલ્લામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે. અહીં તબીબી, આયુર્વેદિક, હોમિયોપૅથિક, સંગીત, કાયદા, નર્સિંગ અને ઇજનેરી વિદ્યાશાખાની કૉલેજો પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ત્રણ ઉપવિભાગો, 15 મંડળો અને 11 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : કાલિકા પુરાણમાં કામાખ્યાદેવી અને કામરૂપ તીર્થનું માહાત્મ્ય વિસ્તારથી આપેલું છે. આ પ્રદેશ પ્રાચીન કાળમાં મ્લેચ્છ દેશ ગણાતો અને તેની રાજધાની પ્રાગ્-જ્યોતિષપુર એટલે ગુવાહાટી. રામાયણમાં આ પ્રદેશનો રાજા નરકાસુર હતો તેવી નોંધ છે. સીતાની શોધ માટે વાનરરાજ સુગ્રીવે આ દેશનું વર્ણન કરેલું છે. મહાભારતના સમયમાં આ પ્રદેશમાં ભગદત્ત નામનો રાજા હતો. અર્જુન દિગ્વિજય કરવા નીકળ્યો ત્યારે તેની સાથે લડ્યો હતો. મહાભારતમાં કોઈ કોઈ સ્થળે ભગદત્તને म्लेच्छानामधिपः તરીકે ઓળખાવ્યો છે. ભગદત્તની સેનામાં ચીનાઓ અને કિરાતોની મ્લેચ્છ સેના હતી તેને લઈને તે કૌરવો તરફથી લડવા ગયો હતો. શાક્તો અને તાંત્રિકોનો પ્રભાવ વધ્યો ત્યારે આ સ્થાન પવિત્ર ગણાતું. રંગપુર, મહીમનસિંઘ, સિલહટ, જમનાકયા, મણિપુર અને આસામ એટલા ભાગને શાસ્ત્રમાં કામરૂપ દેશ ગણેલો છે.

પ્રિયબાળાબહેન શાહ

નીતિન કોઠારી