કામરાન : રાતા સમુદ્રકાંઠે આવેલો યેમેન હેઠળનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 150 30’ ઉ. અ. અને 420 30’ પૂ. રે.. તેની લંબાઈ 22 કિમી. (ઉ.-દ.) અને પહોળાઈ 10 કિમી. (પૂ.-પ.) જેટલી છે. ક્ષેત્રફળ 181 ચોકિમી. તેનું ભૂપૃષ્ઠ સમતળ છે. તે બાબ-અલ-માંડેબની સામુદ્રધુનીથી 320 કિમી. ઉત્તર તરફ આવેલો છે. અહીંનું જુલાઈ તથા જાન્યુઆરીનું તાપમાન અનુક્રમે 21.70 સે. અને 13.90 સે. જેટલું રહે છે. વરસાદ આશરે 46 મિમી. જેટલો પડે છે. અહીં ખેતીની પેદાશો નજીવી છે, પરંતુ પશુપાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. અહીં માછીમારીનો વિકાસ થયેલો હોવાથી સૂકી માછલીની નિકાસ કરવામાં આવે છે. 1996 મુજબ અહીંની વસ્તી આશરે 1500 જેટલી છે. અહીં મોટેભાગે આરબ, ઇથિયોપિયન, સોમાલિ તથા ભારતીય લોકો વસે છે. મક્કા હજ કરવા જતા યાત્રાળુઓ અગાઉના સમયમાં આ ટાપુ પર વિસામો લેતા, પરંતુ 1952થી તે બંધ કરાયું છે. 16મી સદી પહેલાં આ ટાપુ પર પોર્ટુગીઝોનું વર્ચસ્ હતું, પરંતુ ત્યારબાદ ઑટોમન તુર્કોએ ટાપુ ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. 1915માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ દળોએ આ ટાપુ જીતી લીધેલો. ત્યારબાદ તેનો વહીવટ અંગ્રેજોએ એડનના ગવર્નરને સોંપ્યો. 1967થી તેને સ્વતંત્રતા મળી છે. આ ટાપુની વસ્તી 2200 (2009) છે.

નીતિન કોઠારી