કામન્દકીય નીતિશાસ્ત્ર
January, 2006
કામન્દકીય નીતિશાસ્ત્ર : હિન્દુ રાજનીતિ ઉપરનું પુસ્તક. ‘કામન્દકીય નીતિસાર’ના સાતમી કે આઠમી સદીમાં થઈ ગયેલા લેખકે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. કૌટિલ્યને તે આ વિષયમાં ગુરુ ગણી અનુસર્યા હોય તેમ જણાય છે. ‘દશકુમારચરિત’ના અને ‘માલતીમાધવ’ના લેખકો અનુક્રમે દંડી તથા ભવભૂતિએ તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગ્રંથમાં પદ્યમાં લખાયેલા વીસ સર્ગો છે. તેમણે રાજ્યના સ્વામી (રાજા), અમાત્ય, દેશ (જનપદ), દુર્ગ, કોશ, દંડ (સેના) અને મિત્ર એમ સાત અંગો, રાજાનાં કર્તવ્યો, દાયભાગનો અધિકાર વગેરે રાજકીય વિષયોને સાદી ભાષામાં વર્ણવ્યા છે.
શિવપ્રસાદ રાજગોર