કામનો અધિકાર : ગરીબીનિવારણ અને બેકારીનિવારણની આર્થિક સમસ્યાઓનો એક કાયદાકીય ઉકેલ. ભારતમાં આ અધિકારને બંધારણીય અધિકારનું કે કાનૂની અધિકારનું સ્વરૂપ આપવા અંગે ભારે મતભેદ છે.

કામનો અધિકાર કોઈ એક અધિકાર નથી. તે એકથી વધુ અધિકારોનો સમુચ્ચય છે. કામના અધિકારના ઘટક અધિકારો વિખ્યાત રાજ્યશાસ્ત્રી હેરલ્ડ લાસ્કી આ પ્રમાણે જણાવે છે : (1) પોતાના પસીનાની કમાણીથી જીવવાનો અધિકાર. તેથી જીવનનું અસ્તિત્વ ટકાવી રાખનારાં સાધનો સૌ માટે ઉપલબ્ધ હોવાં જોઈએ; (2) સમાજજીવનને ગતિમાન રાખવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાના ઉત્પાદનમાં હિસ્સો લેવાનો અધિકાર; (3) બેકારી સામે રક્ષણ આપતા વીમાનો લાભ લેવાનો અધિકાર; (4) પોતાના કામના બદલામાં પર્યાપ્ત વેતન પ્રાપ્ત કરવાનો અધિકાર; (5) વાજબી કલાકો માટે શ્રમ કરવાનો અધિકાર અને (6) શ્રમજીવીના જીવનને અસર કરે તેવા નિર્ણયોમાં તેની સામેલગીરીનો અધિકાર.

1991માં વિઘટિત થયેલ સોવિયેટ સંઘના 1977ના બંધારણમાં કામના અધિકારનો વિસ્તૃત સ્વરૂપે સ્વીકાર થયેલો જોવા મળે છે. તેમાં આ અધિકારના અન્ય ઘટક અધિકારોનો આ પ્રમાણે ઉલ્લેખ જોવા મળે છે : (1) રાજ્ય વડે બાંયધરી અપાયેલી નોકરી મેળવવાનો અધિકાર, (2) શ્રમજીવીએ કરેલા કામના પ્રમાણ અને તેની ગુણવત્તા અનુસાર વેતન મેળવવાનો અધિકાર, (3) રાજ્યે નિર્ધારિત કરેલા લઘુતમ ધોરણથી ઓછું ન હોય તેટલું વેતન પ્રાપ્ત કરવાનો અધિકાર અને (4) પોતાની શક્તિ, તાલીમ, આવડત, શિક્ષણ અને મનોવલણ અનુસાર, પણ સમાજની જરૂરિયાતો પ્રત્યે પૂરતું ધ્યાન આપીને, પોતાનો વેપાર, નોકરી, કામ કે વ્યવસાય પસંદ કરવાનો અધિકાર. તેમાં આટલા મુખ્ય ઘટક અધિકારો ઉપરાંત અન્ય દ્વિતીય કક્ષાના ઘટક અધિકારોની વિગતો પણ જણાવવામાં આવી છે, જેમ કે : (1) આરામ અને ફુરસદનો અધિકાર; (2) આરોગ્ય-રક્ષાનો અધિકાર; (3) વૃદ્ધાવસ્થા, અપંગાવસ્થા, બીમારી કે રોજી રળનારને થયેલી હાનિના પ્રસંગોમાં ભરણપોષણ મેળવવાનો અધિકાર; (4) રહેઠાણ મેળવવાનો અધિકાર; (5) શિક્ષણ મેળવવાનો અધિકાર અને (6) વૈજ્ઞાનિક, યાંત્રિક અને કલાલક્ષી કાર્ય કરવાનું સ્વાતંત્ર્ય. સોવિયેટ બંધારણમાં આ દરેક ઘટક અધિકારની વિસ્તૃત વિગતોનો પણ ઉલ્લેખ છે.

ભારતમાં આ અધિકારને રાજ્યનીતિના માર્ગસૂચક સિદ્ધાંતોમાં સ્થાન આપી તેને અદાલતની સમીક્ષામાંથી બહાર રાખવામાં આવ્યો છે. બંધારણમાં આ અધિકાર આ સ્વરૂપમાં સમાવિષ્ટ કરાયો છે : (ક) રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને, કામ કરવાનો, શિક્ષણનો, બેકારી, વૃદ્ધાવસ્થા, માંદગી અને અપંગાવસ્થાના પ્રસંગે અને વગર વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે જાહેર સહાયનો અધિકાર મળી રહે તે માટે બધી અસરકારક જોગવાઈ કરશે (અનુચ્છેદ 41); (ખ) રાજ્ય કામ અંગેની ન્યાયોચિત અને માનવતાલક્ષી પરિસ્થિતિ માટે અને પ્રસૂતિસહાય માટે જોગવાઈ કરશે (અનુચ્છેદ 42); (ગ) રાજ્ય યોગ્ય ધારા ઘડીને કે અર્થવ્યવસ્થા વડે કે બીજી કોઈ રીત વડે ખેતી, ઉદ્યોગ કે અન્ય તમામ પ્રકારના કામદારોને કામ, નિર્વાહવેતન તેમજ શિષ્ટ જીવનધોરણની અને ફુરસદની તથા સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રોની તકોના પૂરેપૂરા ઉપયોગની ખાતરી આપતી કામની પરિસ્થિતિ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરશે (અનુચ્છેદ 42); (ઘ) રાજ્ય કોઈ ઉદ્યોગમાં રોકાયેલાં એકમો, સંસ્થાઓ કે સંગઠનોના વહીવટમાં કામદારોની હિસ્સેદારી સિદ્ધ  કરતાં પગલાં યોગ્ય ધારા દ્વારા કે અન્ય કોઈ રીતે લેશે (અનુચ્છેદ 43-એ).

બિપીન શુક્લ