કામદાર રાજ્ય વીમાયોજના (Employees’ State Insurance Scheme, ESIS) : કામદારોને તથા તેમના કુટુંબને તબીબી સારવાર તથા નાણાકીય વળતર આપવાની સામાજિક સુરક્ષાલક્ષી વીમાયોજના, જે ભારત સરકારના કામદાર રાજ્ય વીમાના કાયદા (1948) દ્વારા અમલમાં આવેલી છે. આ કાયદાની કલમ 2(9)માં દર્શાવેલી વ્યાખ્યા પ્રમાણેના ઔદ્યોગિક કામદારોની તથા તેમનાં કુટુંબીજનોની માંદગી તથા સગર્ભાવસ્થા સમયે તેમજ ફરજ પરના સમયે કામદારને થયેલ અપંગતા કે મૃત્યુ નિપજાવતા અકસ્માત વખતે તબીબી સારવાર અને યોગ્ય કિસ્સામાં વળતર આપવાની તેમાં જોગવાઈ છે. શરૂઆતમાં તેમાં ફક્ત 20થી વધુ કામદાર ધરાવતાં, ઊર્જાનો ઉપયોગ કરતાં, સમગ્ર વર્ષ દરમિયાન (non-seasonal) ચાલતાં કારખાનાંઓના કામદારોનો જ સમાવેશ કરાયો હતો; હાલ તેનો વ્યાપ વધારીને તેમાં કલમ 1(5)ના અધિકારક્ષેત્રમાંનાં (અ) 10થી 19 કામદારોવાળાં, ઊર્જાનો ઉપયોગ કરતાં નાનાં કારખાનાં, (આ) ઊર્જાનો ઉપયોગ ન કરતા 20થી વધુ કામદારોવાળા ઔદ્યોગિક એકમો, (ઇ) દુકાનો, (ઈ) હોટેલ અને રેસ્ટોરાં, (ઉ) સિનેમાગૃહો અને પૂર્વદર્શીય નાટ્યગૃહો (preview theaters) તથા (ઊ) 20 કે વધુ કર્મચારીઓવાળાં મુદ્રણાલયો અને માર્ગ પર વાહન ચલાવતી સંસ્થાઓને પણ આવરી લેવાયાં છે.

વહીવટ : કામદારો, માલિકો, કેન્દ્ર તથા રાજ્યસરકારો, તબીબી વ્યવસાય તથા સંસદના પ્રતિનિધિઓના સભ્યપદવાળું કામદાર રાજ્ય વીમા નિગમ (Employees’ State Insurance Corporation, ESIC) ભારતીય સંસદમાં પસાર થયેલ કાયદા અન્વયે નીતિવિષયક નિર્ણયો લે છે. આ નીતિવિષયક નિર્ણયો અને સંસદના ઍક્ટ અન્વયે નિગમના નિર્ણયોને કાર્યસ્વરૂપ આપવાનું કામ તે નવી દિલ્હીથી સંભાળે છે. તેના વહીવટી વડા તરીકે સર્વસેવા નિયામક (Director General) છે, જે હોદ્દાની રૂએ નિગમ તથા તેની રાષ્ટ્રીય સ્થાયી સમિતિ(standing committee)ના સભ્ય-સચિવ પણ છે. સ્થાયી સમિતિ ઉપરાંત બીજી એક મહત્વની રાષ્ટ્રીય કક્ષાની તબીબી લાભ સમિતિ (medical benefit council) પણ હોય છે, જેમની સલાહ પ્રમાણે તબીબી સારવાર અંગેના નિયમો ઘડી મંજૂરી અર્થે સ્થાયી સમિતિ અને ત્યારબાદ નિગમ સમિતિને મોકલવામાં આવે છે.

આમ, વહીવટના દરેક ક્ષેત્રે દરેક વિભાગનાં હિતોનું પ્રતિનિધિત્વ જાળવવામાં આવે છે. નિગમ તેનાં સ્થાનિક અને પ્રાદેશિક કાર્યાલયો દ્વારા તેની ફરજો અને જવાબદારીઓ સંભાળે છે. તેના વડા પ્રાદેશિક નિયામક હોય છે. જ્યારે વીમા યોજનાના (તબીબી સારવાર એકમના) વડા તબીબી સેવાઓના નિયામક હોય છે. ગુજરાત રાજ્ય ખાતે કામદાર રાજ્ય વીમા યોજના ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત છે.

રક્ષિત જૂથ : જે કારખાના કે સંસ્થાને કામદાર રાજ્ય વીમા યોજના લાગુ પડતી હોય તેના રૂ. 7,500 કે તેથી ઓછી માસિક આવક ધરાવતા બધા જ કર્મચારીઓને તેનો લાભ મળે છે. જોકે આ માટે તેમના વધારાના કામ માટેના મહેનતાણા(remuneration)ને ગણતરીમાં લેવામાં આવતું નથી. આ સુધારો એપ્રિલ 2005થી અમલી બન્યો છે. ત્યાર પહેલાં માસિક આવકની ઉચ્ચતમ મર્યાદા રૂ. 6,500 હતી. તેમાં જે તે સંસ્થાના પગાર મેળવતા બધા જ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કાયદાના અધિકારક્ષેત્રમાં ખાણો, રેલવે, રનિંગ શેડો (running sheds), નૌસેના, ભૂમિદળ તથા હવાઈદળની કાર્યશાળાઓ(workshops)ને આવરી લેવાયેલાં નથી.

આવરી લેવાયેલ વિસ્તારમાં કારખાનેદારો અને કામદારોની નોંધણીનું કાર્યક્ષેત્ર કા. રા. વી. નિગમનું છે.

નાણાકીય સ્રોત : તેને માટેનો નિધિ (fund) બનાવવા માટે વીમા-કામદાર (insured person) તેના કુલ પગારના 1.75 % અને કારખાનાના માલિક કામદારના કુલ પગારના 4.75 % નાણાં આપે છે.

જે તે રાજ્યમાં કામદાર રાજ્ય વીમા યોજના (તબીબી સારવારનો એકમ) ચલાવવાના હેતુસર વીમા નિગમ નવી દિલ્હી દ્વારા ખર્ચની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. તા. 01-04-2005થી આ ટોચ મર્યાદા રૂ. 900/- પ્રતિ વીમા કામદાર પ્રતિ વર્ષ નક્કી કરવામાં આવેલ છે. યોજના પાછળ થનારા ખર્ચમાં વીમા કામદારોની સંખ્યાના આધારે ટોચમર્યાદા મુજબનો ખર્ચ રાજ્ય સરકાર અને નિગમ નવી દિલ્હી વચ્ચે 1 : 7 ના પ્રમાણમાં વહેંચાવાને પાત્ર હોય છે, જ્યારે તે મર્યાદા બહાર થતો તમામ ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો રહે છે. હાલ રાજ્ય સરકાર અંદાજે રૂ. 25 કરોડ જેટલો વધારાનો ખર્ચ આ યોજના પાછળ ભોગવી રહી છે.

ગુજરાત રાજ્યમાં કાર્ય

ગુજરાત રાજ્યમાં આ યોજના 4-10-1964થી અમલમાં છે. હાલમાં રાજ્યનાં કુલ 32 કેન્દ્રોમાં આ યોજના કાર્યરત છે. માર્ચ 2005ની પરિસ્થિતિએ રાજ્યમાં 5,07,350 કામદારો નોંધાયેલા હતા.

સમગ્ર રાજ્યની તબીબી સેવાઓને ત્રણ વિસ્તારમાં વહેંચવામાં આવેલ છે : (1) અમદાવાદ, (2) વડોદરા અને (3) રાજકોટ. આ ત્રણેય વિસ્તારોમાં કામદાર વીમા યોજનાનાં દવાખાનાં અને હૉસ્પિટલો ચલાવવામાં આવે છે.

સારણી 1 : કામદાર રાજ્ય વીમા યોજનાનાં દવાખાનાં તથા હૉસ્પિટલો

ક્ષેત્ર દવાખાનાં હૉસ્પિટલો હૉસ્પિટલ-પથારીઓ
અમદાવાદ 64 3 325
વડોદરા 41 5 415
રાજકોટ 20 3 130
કુલ 125 11 870

અમદાવાદ : અમદાવાદમાં રાજપુર-હીરપુર ખાતે (50 પથારીઓ) જનરલ હૉસ્પિટલ, નરોડામાં ક્ષય અને છાતીના રોગોની હૉસ્પિટલ (225 પથારીઓ) આવેલી છે. કલોલ(જિ. ગાંધીનગર)ની જનરલ હૉસ્પિટલ(50 પથારીઓ)નો સમાવેશ વહીવટી રીતે અમદાવાદ વિભાગમાં થયો છે.

વડોદરા : વડોદરામાં એક જનરલ હૉસ્પિટલ (200 પથારીઓ) અને એક ક્ષયરોગની હૉસ્પિટલ (40 પથારીઓ) આવેલી છે. 100 પથારીઓવાળી સૂરતની હૉસ્પિટલ, 50 પથારીઓવાળી વાપીની હૉસ્પિટલ, 25 પથારીઓવાળી અંકલેશ્વરની હૉસ્પિટલનો સમાવેશ વહીવટી રીતે વડોદરા વિભાગમાં થયો છે.

રાજકોટ : રાજકોટમાં એક જનરલ હૉસ્પિટલ (50 પથારીઓ), 50 પથારીઓવાળી જામનગરની હૉસ્પિટલ, 30 પથારીઓવાળી ભાવનગરની હૉસ્પિટલનો સમાવેશ વહીવટી રીતે રાજકોટ વિભાગમાં થયો છે.

યોજનાની અમદાવાદ ખાતેની બાપુનગર હૉસ્પિટલનો વહીવટ તા. 1-6-05થી કા. રા. વી. નિગમ, નવી દિલ્હી દ્વારા થાય છે. કા. રા. વી. નિગમ, નવી દિલ્હી દ્વારા આ હૉસ્પિટલ-યોજનાને મૉડેલ હૉસ્પિટલ તરીકે સ્વીકારવામાં આવેલ છે અને તે મુજબ તે હૉસ્પિટલ કાર્યરત છે.

તબીબી સારવારની વિગતો :

આ યોજના હાલ કુલ 32 કેન્દ્રો ખાતે સારવાર પૂરી પાડી રહી છે. આ યોજના ખાતે 17 ઍમ્બુલન્સ વાન પણ કાર્યરત છે.

પ્રાથમિક સારવાર :

કુલ દવાખાનાં 125 (2 મોબાઇલ ડિસ્પેન્સરી અને

2 યુટિલાઇઝેશન દવાખાનાં)

કુલ પૅનલ ડૉક્ટરો 38
તાત્કાલિક સારવાર-કેન્દ્રો યોજનાની તમામ હૉસ્પિટલો, ઉપરાંત

નક્કી કરાયેલાં અન્ય 11 દવાખાનાં

દ્વિતીય કક્ષાની સારવાર :
કુલ હૉસ્પિટલો 11 + 1 (જનરલ હૉસ્પિટલ,

બાપુનગર)

આરક્ષિત કરાયેલ પથારીઓ

ધરાવતી હૉસ્પિટલો

42
પથારીઓની સંખ્યા 2080 (જ. હૉ. બાપુનગર સાથે)
નિદાન-કેન્દ્રો 57

દર્દીને દાખલ કરીને જરૂરી નિદાન અને સારવાર અંગેની તજજ્ઞોની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અંદરના દર્દીઓને નિદાન, સારવાર અને સારવાર અર્થે જરૂરી સાધનો વિના મૂલ્યે પૂરાં પડાય છે. વધુમાં તજજ્ઞોની સલાહ અનુસાર સારવાર સંદર્ભે ખોરાક પણ વિના મૂલ્યે પૂરો પડાય છે.

સારવારના પ્રકાર · આયુર્વિજ્ઞાન(allopathy)ની સારવાર

· આયુર્વેદની સારવાર

· યોગની સારવાર

આયુર્વેદની સારવારની · સમગ્ર દેશમાં કા.રા.વી. અંતર્ગત,

રાજ્યમાં આ યોજના આ પ્રકારની

ભારતીય તબીબી સારવાર પદ્ધતિનું

મહત્તમ માળખું ધરાવી રહેલ છે.

· પંચકર્મની સારવાર બાપુનગર

હૉસ્પિટલ, અમદાવાદ ખાતે

આપવામાં આવે છે. આયુર્વેદ તબીબી

સારવાર હેઠળ દર્દીઓને અંદરના દર્દી

તરીકે સારવાર આપવાની નીતિ-

વિષયક કાર્યવહી સંબંધિત કક્ષાએ

ગતિમાં છે.

યોગના સારવારની વિગતો · જનરલ હૉસ્પિટલ, બાપુનગર, અમ.

· જનરલ હૉસ્પિટલ, ભાવનગર

ઑબેસિટી ક્લિનિક · જનરલ હૉસ્પિટલ, ગોત્રી, વડોદરા
વ્યાવસાયિક રોગ નિદાન

કેન્દ્રો (પ્રાથમિક કક્ષાનાં)

· જનરલ હૉસ્પિટલ, બાપુનગર, અમ.

· જનરલ હૉસ્પિટલ, ગોત્રી, વડોદરા

ફિઝિયોથેરાપી સેન્ટર · જનરલ હૉસ્પિટલ, બાપુનગર, અમ.

· જનરલ હૉસ્પિટલ, ગોત્રી, વડોદરા

  • રોગ અંગે તમામ સારવાર અને નિદાન લાભાર્થીઓને વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવે છે.
  • એકમાત્ર ગુજરાત રાજ્યમાં જ 54 વૈદ્યોની મદદથી આ વીમાયોજનાની અંતર્ગત લાભ મેળવતી વ્યક્તિઓને આયુર્વેદની સારવાર અપાય છે.

આયુર્વિજ્ઞાન (allopathy) તથા આયુર્વેદનાં ઔષધોનાં વિસ્તરણ માટે દવાનાં કેન્દ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક ઔષધાલયો (stores) ઉપરાંત અનિવાર્ય અને આકસ્મિક સંજોગોમાં લાભાર્થીઓને ખાસ કિસ્સામાં અન્ય જે તે દવાઓ મળી રહે તે હેતુસર દવાના 40 વેપારીઓને માન્યતા આપીને ઔષધવિતરણ જળવાઈ રહે તે જોવામાં આવે છે.

સારણી 2 : વીમા-કામદારો અને તેમનાં કુટુંબીજનોને આપેલી કેટલીક

તબીબી સેવાઓ અંગેના આંકડા

નં.      વિગત વર્ષ લાભાર્થીઓ રકમ (રૂપિયા)
1. કુલ વીમા-કામદારો 2004-05 5,07,350
2. હૉસ્પિટલનો બહારના
દર્દીનો વિભાગ (O.P.D.) 2004-05 5,87,278
3. હૉસ્પિટલના અંદર દાખલ
થયેલા દર્દીઓ 2004-05 29,321
4. વિશિષ્ટ નિદાન-સારવાર* 2004-05 489 1,13,17,693
5. કૃત્રિમ ઉપાંગ 2004-05 657 1,36,150
6. ઔષધ-સારવાર 2004-05 5,07,350 8,46,34,573
7. કુલ ખર્ચ તથા લાભાર્થીઓ 2004-05 5,07,350 68,31,39,785

* લિથૉટ્રિપ્સી, એમ.આર.આઇ., મૂત્રપિંડપ્રત્યારોપણ, હૃદયરોગસારવાર વગેરે

સરકારશ્રી દ્વારા માન્યતાપ્રાપ્ત હૉસ્પિટલો ખાતે રાજ્યના વીમા કામદારોને/તેમનાં કુટુંબીજનોને હૃદયરોગની સારવાર / શસ્ત્રક્રિયા, કૅન્સરની સારવાર, મૂત્રપિંડ-પ્રત્યારોપણ તથા સી.એ.ટી.-સ્કૅન અને એમ. આર. આઇ. જેવાં આધુનિક નિદાન-પરીક્ષણોની વ્યવસ્થા પણ કરાયેલી છે. રાજ્ય ખાતે ઉપલબ્ધ ન હોય પણ તજજ્ઞોની સલાહ મુજબ જરૂરી હોય તેવી સારવાર અર્થે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય બહાર પણ ચોક્કસ કેન્દ્રો ખાતે અતિવિશિષ્ટ (super speciality) સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અકસ્માતમાં કે રોગથી ગુમાવેલા ઉપાંગને સ્થાને કૃત્રિમ ઉપાંગ મૂકવાની વ્યવસ્થા નિગમના નિયમો મુજબ કરાયેલી છે.

કામદાર રાજ્ય વીમા યોજના ગુજરાત રાજ્ય એકમે વર્ષ 2004-05માં કુલ 35,34,429 લાભાર્થીઓને બહારના દર્દી તરીકે સારવાર આપેલ છે; જ્યારે યોજનાની હૉસ્પિટલોમાં 29,321 લાભાર્થીઓને સારવાર પૂરી પાડવામાં આવેલ છે. 80,289 ઍક્સ-રે; 9,47,500 જેટલાં લેબૉરેટરી-પરીક્ષણો કરાયેલ છે અને 2,850 જેટલી મોટી અને 5,234 જેટલી નાની શસ્ત્રક્રિયાઓ આ યોજનાની હૉસ્પિટલો ખાતે કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ વિવિધ કેન્દ્રોમાં વીમા-કામદારનાં બાળકોને રસી આપવા માટેની વ્યવસ્થા કરાયેલી છે. આ યોજના હેઠળ તમામ કેન્દ્રોમાં માતૃ-બાળ આરોગ્ય-કેન્દ્રો કાર્યાન્વિત કરાયેલાં છે.

વીમા યોજના દ્વારા તેના કર્મચારીઓને તાલીમ આપવા માટે જે તે કચેરીમાં તેમજ રાજ્યકક્ષાએ પણ તાલીમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વીમા-કામદારો અને તેમનાં કુટુંબીજનો માટે વિવિધ પ્રકારના કૅમ્પનું આયોજન યોજનાનાં દવાખાનાં/હૉસ્પિટલ ખાતે ઉપરાંત કામદારોના ફરજના સ્થળે પણ કરવામાં આવે છે.

યોજના હેઠળ ચાલુ વર્ષમાં તમામ હૉસ્પિટલોમાં ઘનિષ્ઠ સારવાર એકમ સ્થાપવાની કામગીરી કરવામાં આવેલ છે. યોજના દ્વારા આયુર્વેદિક સેવાઓનું વિસ્તરણ કરાયેલ છે અને હૉસ્પિટલોમાં પંચકર્મ અને ક્ષારસૂત્રની સુવિધા ઉપલબ્ધ કરાવવા જરૂરી કાર્યવહી હાથ ધરાયેલ છે. આગામી વર્ષમાં યોજનાનું વિસ્તરણ બાજુવા, છાણી (જિ. વડોદરા) તથા શિહોર/વરતેજ (જિ. ભાવનગર) ખાતે કરવાનું આયોજન છે.

વીમા-કામદારોને વિવિધ પ્રકારના લાભ મળતા હોય છે; જેમ કે, તબીબી સારવાર, પ્રસૂતિ સમયે તબીબી સારવાર, કામ કરતાં કરતાં થયેલ ઈજાથી અપંગતા આવે તો તેની સારવાર ને વળતર, તબીબી વળતર, અગ્નિદાહ-ખર્ચ વગેરે. આ પ્રકારનાં વળતર-લાભને સારણી 3માં દર્શાવ્યા છે.

વીમા યોજના દ્વારા 1991માં અમદાવાદ ખાતે નર્સિગ સ્કૂલ શરૂ કરવામાં આવેલી છે.

સારણી 3 : વીમા-કામદારો અને તેમનાં કુટુંબીજનોને મળતા કેટલાંક વળતર-લાભની ટૂંકી સમીક્ષા

નં. વળતર-લાભ શરતો સમયગાળો દર
1 2 3 4 5
1. માંદગીના લાભ જે તે સહાય સમયગાળામાં અર્ધાથી ઓછી નહિ તેટલા દિવસો માટે હિસ્સાનું ચુકવણું કર્યેથી બે તરત આવતા સમયગાળામાં 91 દિવસ લગભગ અર્ધો પગાર
2. ક્ષય, કુષ્ઠરોગ (leprosy) જેવા 29 રોગોમાં લંબાવેલા માંદગી-લાભ 2 વર્ષ સુધીની સળંગ નોકરી 124 દિવસ : યોગ્ય કિસ્સાઓમાં 3 વર્ષના સમયખંડની અંદર 309 દિવસ પગારના લગભગ 70 %
3. વધારેલ માંદગી માટે (કુટુંબકલ્યાણ-કાર્યક્રમ) 1 પ્રમાણે પુરુષ નસબંધી : 7 દિવસ; સ્ત્રી નસબંધી : 14 દિવસ શસ્ત્રક્રિયા પછી તેને લગતી કોઈ તકલીફ થાય તો સમયગાળો લંબાવી શકાય લગભગ પૂરેપૂરો પગાર
4. નોકરી દરમિયાન થયેલી ઈજાથી અપંગતા કોઈ શરત નહિ. હંગામી અપંગતા : જ્યાં સુધી અક્ષમતા રહે ત્યાં સુધી. કાયમી અપંગતા : જીવનપર્યંત લગભગ 70 % પગાર
5. નોકરી દરમિયાન થયેલી ઈજાથી વીમા-કામદારને ઈજા થાય કે મૃત્યુ થાય તો કુટુંબીજનોને વળતર કોઈ શરત નહિ. (અ) વિધવા સ્ત્રીને જીવનપર્યંત કે પુનર્લગ્ન કરે ત્યાં સુધી (આ) કાયદેસરના કે દત્તક પુત્ર અથવા અપરિણીત પુત્રીને 18 વર્ષની ઉંમર સુધી. (ઇ) કાયદેસરના કે દત્તક પુત્ર અથવા અપરિણીત પુત્રી જો કામ કરવા સક્ષમ ન હોય તો સક્ષમતા પ્રાપ્ત કરે ત્યાં સુધી. લગભગ 70 % પગાર
6. સગર્ભાવસ્થા 1 પ્રમાણે. (અ) પ્રસૂતિ થાય તો 12 અઠવાડિયાં, જેમાં 6 અઠવાડિયાં પ્રસૂતિ પહેલાંનાં. (આ) ગર્ભપાત થાય તો : 6 અઠવાડિયાં. (ઇ) ‘અ’ કે ‘આ’ દરમિયાન માંદગી થાય તો વધુ 1 મહિનો લગભગ પૂરો પગાર
7. તબીબી લાભ વી.કા./કુટુંબીજનો વીમાપાત્ર નોકરીમાં દાખલ થાય તે ભર્યેથી લાભને પાત્ર. તબીબી લાભ માસિક રૂ. 10/-નો ફાળો ચૂકવ્યેથી નીચેના કિસ્સાઓમાં પણ ઉપલબ્ધ. (1) નિવૃત્ત વી.કા. (અને તેનાં પત્ની/પતિ) લઘુતમ 5 વર્ષની વીમાપાત્ર નોકરી સમયે. (2) રોજગાર સંબંધિત ઈજાને કારણે અશક્ત વી.કા. અને તેનાં પત્ની/ પતિ; વયનિવૃત્તિની ઉંમર સુધી. જ્યાં સુધી હંગામી અશક્તતા / બીમારી ચાલુ રહે ત્યાં સુધી.

 

 

જે સમયગાળા માટે ફાળો ચૂકવવામાં આવ્યો હોય

 

 

જે સમયગાળા માટે ફાળો ચૂકવ્યો હોય તે સમયગાળાથી વયનિવૃત્તિની ઉંમર સુધી

વી.કા.ને સંપૂર્ણ તબીબી લાભ કુટુંબીજનોને જે તે કેન્દ્ર ખાતે મળતો સંપૂર્ણ / વિસ્તૃત / સીમિત તબીબી લાભ

 

 

 

 

8. અંત્યેષ્ટિ-ખર્ચ વીમા-કામદારના મૃત્યુ બાદ ખરેખર અંતિમ ક્રિયા માટે કરેલ ખર્ચ (મહત્તમ રૂ. 1500/-)
9. પુન:સ્થાપન વસવાટ ભથ્થું કોઈ શરત નહિ. વી. કા. કૃત્રિમ અંગ કેન્દ્ર ખાતે દાખલ રહે તે સમયગાળા માટે. લગભગ અર્ધો પગાર

નીતિન સુ. વોરા

શિલીન નં. શુક્લ

મહેશ મ. ત્રિવેદી