કામચાટકા દ્વીપકલ્પ
January, 2025
કામચાટકા દ્વીપકલ્પ : દૂર પૂર્વમાં ઓખોટસ્કના અને બેરિંગ સમુદ્ર વચ્ચે સાઇબીરિયામાં આવેલ રશિયન પ્રજાસત્તાક રાજ્યનો જિલ્લો. તે વ્યૂહાત્મક ર્દષ્ટિએ અગત્યનો પ્રદેશ છે. કામચાટકાની લોપોટકા ભૂશિર કુરિલ કે ક્યુરાઇલ ટાપુઓથી ઉત્તરે 11 કિમી. દૂર આવેલી છે. તેનો વિસ્તાર 4,72,000 ચોકિમી. છે. ઉત્તર-દક્ષિણ આવેલી બે ગિરિમાળા વચ્ચેની ખીણમાં થઈને કામચાટકા નદી વહે છે. ત્યાં 28 સક્રિય જ્વાળામુખી પર્વતો આવેલા છે. જ્વાળામુખી પર્વતોનાં 129 જ્વાળામુખો છે. આ ગિરિમાળાનું દુનિયાનું સર્વોચ્ચ શિખર જ્વાળામુખી ક્લ્યુચેવ્સ્કાયા સોષ્કા 4,900 મી. અને શિવેલુચ શિખર 4,000 મી. ઊંચાં છે. 1907માં સાતેક વખત જ્વાળામુખી ફાટતાં તેની રાખ યુરોપ સુધી ઊડી હતી. અહીં અવારનવાર થતા ભૂકંપ પૃથ્વીનો પોપડો અસ્થિર હોવાનું સૂચવે છે. 930 સે. તાપમાનવાળા ગરમ પાણીના ઝરા અને ફુવારા ઘણા છે. શિયાળો સખત છે. બરફની વર્ષા થાય છે અને પવન સુસવાટા મારતો હોય છે. પશ્ચિમ કિનારા કરતાં વધારે વરસાદ પૂર્વ કિનારે પાવલોવ્સ્કમાં 900 મિમી. પડે છે. પશ્ચિમ કિનારે આવેલ ઉસ્ત બૉલ્શેરેટસ્કમાં 460 મિમી. વરસાદ પડે છે. અગ્નિખૂણે આવેલ પ્રદેશમાં વર્ષાઋતુની આબોહવા જણાય છે અને 1,000 મિમી. વરસાદ ચોમાસામાં પડે છે. ઓખોટસ્કનો સમુદ્ર ઠરી જવાથી પશ્ચિમ કિનારા કરતાં પૂર્વ કિનારાનું તાપમાન ઓછું રહે છે અને વસંતઋતુ પણ મોડી શરૂ થાય છે. કયુરાઇલ તરફના ઠંડા સમુદ્રી પ્રવાહને કારણે ઉનાળામાં જુલાઈમાં તાપમાન 140 સે. અને શિયાળામાં જાન્યુઆરીમાં ઉત્તરમાં 130 સે. અને દક્ષિણમાં 100 સે. રહે છે. ધુમ્મસવાળું વાતાવરણ કાયમ રહે છે. પર્વતો ઉપર સ્પ્રુસ, ફર, પાઇન, લાર્ચ, એલ્ડર અને બર્ચનાં વૃક્ષો જોવા મળે છે. કાંઠાના ભાગમાં નાના કદનાં વૃક્ષો જોવા મળે છે. અહીં રીંછ, વરુ, ઑટર, હરણ, સેબલ વગેરેનો રૂંવાં ને ચામડાં માટે શિકાર થાય છે. અહીં રેન્ડિયરનાં ઉછેરકેન્દ્રો વિકસાવાયાં છે. મધ્યભાગમાં આવેલી ખીણમાં થોડું અનાજ અને બટાકાનો પાક લેવાય છે. પેટ્રોલિયમ, કોલસા, સોનું, અબરખ, પાયરાઇટ અને તાંબાનાં ખનિજો રહેલા છે. પ્રાયોગિક ધોરણે અહીં અનાજ, બટાકા, શાકભાજી અને ફળોની ખેતી થાય છે. દૂધ અને દૂધની પેદાશો મેળવવા પશુપાલન થાય છે. લોકોનો મુખ્ય ધંધો માછલાં પકડવાનો, લાકડાં કાપવાનો અને રૂંવાંવાળાં પ્રાણીઓનો શિકાર કરવાનો છે. મહાકાય કાચબા તથા કૉડ, હૅરિંગ, સાલ્મ, વ્હેલ અને સીલ વગેરે માટે આ પ્રદેશ આર્થિક ર્દષ્ટિએ જાણીતો છે. પેટ્રાપાવલોવસ્કની મુખ્ય વસાહત મચ્છીમારીના વ્યવસાયનું કેન્દ્ર છે. નેવું ટકા લોકો રશિયન છે. બાકીના કોર્યક અને કામચાદલ લોકો મૉંગોલૉઇડ જાતિ સમુદાયના છે. વ્લાડીમીર અટલાસોવ નામના રશિયન સંશોધકે આ પ્રદેશ 1697માં શોધી કાઢ્યો હતો. અહીંનું મુખ્ય શહેર પેટ્રોપાવલોવસ્ક છે. આ શહેરની વસ્તી 3,24,170 (2022) છે.
શિવપ્રસાદ રાજગોર