કાબુલ નદી : પૂર્વ અફઘાનિસ્તાન અને વાયવ્ય પાકિસ્તાનમાં વહેતી નદી. પ્રાચીન નામ કોફીઝ. તે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 64 કિમી. પશ્ચિમે સાંઘલાખ હારમાળાના ઉનાઈ ઘાટમાંથી નીકળે છે. તે કાબુલની પૂર્વમાં હિન્દુકુશના પર્વતીય પ્રદેશમાંથી પસાર થઈને ખૈબર ઘાટની ઉત્તરે આવેલા માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશે છે, ત્યાં પેશાવર નજીકથી વહે છે અને ઇસ્લામાબાદ/અટક નજીક સિંધુને મળે છે. તેની કુલ લંબાઈ 700 કિમી. જેટલી છે, તે પૈકી આશરે 560 કિમી.ના અંતર માટે તે અફઘાનિસ્તાનમાં વહે છે. તેની સહાયક નદીઓમાં લોગર, સુરખાબ, પંજશીર, કુનર તથા અલિંગારનો સમાવેશ થાય છે.

કાબુલ નદીના ઘણાખરા જળનો સિંચાઈમાં ઉપયોગ થતો હોવાથી કાબુલ શહેરથી પશ્ર્ચિમ તરફનો તેનો પટ ઉનાળા દરમિયાન શુષ્ક બની રહે છે. એ જ રીતે તેનાં જળ જલાલાબાદ અને પેશાવરમાં પણ ઉપયોગમાં લેવાય છે. જલાલાબાદ પછી તેનો પટ વિશાળ અને પ્રવાહ ઝડપી બને છે. ઉત્તરના છેડે તે હાજીઝાઈ અને નગુમાન નામની બે શાખાઓમાં ફંટાઈને નિસત્તા નજીક ફરીને ભેગી થઈ જાય છે. પંજશીર નદી સાથેના તેના સંગમ પછી થોડા અંતરના હેઠવાસમાં જળવિદ્યુત-મથકનું નિર્માણ કરવામાં આવેલું છે. હિમવર્ષા અને વરસાદ તેને પાણી પૂરાં પાડે છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો કાબુલ નદીનો ખીણપ્રદેશ અવરજવર માટે વર્ષોથી કુદરતી માર્ગ બની રહેલો છે. ઈ.પૂ. ચોથી સદીમાં ઍલેક્ઝાંડરે ભારત પર આક્રમણ કરવા કાબુલનો ઉપયોગ કરેલો. 1945થી પેશાવર-જલાલાબાદ-કાબુલ ધોરીમાર્ગ તેના ખીણપ્રદેશને આવરી લે છે. કાબુલ શહેરથી હેઠવાસના ભાગમાં આ નદી સપાટ તળવાળી નૌકાઓ દ્વારા જળમાર્ગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

જૈનાબસુલતાના અહમદ સૈયદ

ગિરીશભાઈ પંડ્યા