કાબરા, બ્રિજભૂષણલાલ (જ. 25 જૂન 1937, જોધપુર) : ભારતના જાણીતા ગિટારવાદક. સંગીતરસિક પિતા ગોવર્ધનલાલ કાબરાના પુત્ર બ્રિજભૂષણલાલ કાબરાને સંગીત તરફની અભિરુચિ ઘરના વાતાવરણમાંથી મળી. વાદ્ય તરીકે તેમણે એક પરદેશી વાદ્ય ગિટારને પસંદ કર્યું. આ વાદ્યની રચના સ્વરો – ઘોષ, પ્રતિઘોષ આ સઘળું પશ્ચિમી સંગીતને અનુરૂપ હોઈ બ્રિજભૂષણ કાબરા માટે પ્રથમ જવાબદારી ગિટારને ભારતીય વાદ્યોની હરોળમાં લાવવાની રહી. 1950-60ના દાયકામાં અથાક પરિશ્રમ અને રિયાજને અંતે તેમણે ગિટારને બધી જ રીતે ભારતીય શાસ્ત્રીય તેમજ ઉપશાસ્ત્રીય સંગીત માટે યોગ્ય ઠરાવ્યું. આ ક્ષેત્રમાં તેમણે આકાશવાણી તેમજ બીજી સંસ્થાઓ દ્વારા આયોજિત અનેક સંગીતકાર્યક્રમો આપ્યા. આ ઉપરાંત અન્ય વાદ્યકારો સાથેની જુગલબંધીઓ પણ યોજી અને આમાંની કેટલીક ધ્વનિમુદ્રિત પણ થઈ. ગિટારવાદક તરીકેની તેમની ખ્યાતિ પરદેશોમાં પણ ફેલાયેલી છે અને કેટલાક સમકક્ષ યુરોપીય વાદકો સાથે તેમણે અવનવાં સંગીતઆયોજનો કર્યાં છે.

વ્યવસાયે વેપારી એવા બ્રિજભૂષણલાલ દિવસનો બરાબર અડધા જેટલો સમય શાસ્ત્રીય સંગીતને આપે છે.

હ્રષિકેશ પાઠક