કાબરા, દામોદરલાલ (જ. 17 માર્ચ 1926, જોધપુર; અ. 4 ઑગસ્ટ 1979, અમદાવાદ) : પ્રસિદ્ધ ભારતીય સરોદવાદક. ભારતીય સંગીતના મહીયર ઘરાનાના ઉસ્તાદ અલી અકબરખાનના ગંડાબંધ પટ્ટશિષ્ય. જન્મ સંગીતપ્રેમી પરિવારમાં. પિતાશ્રી ગોવર્ધનલાલ કાબરાને તેમના સમયના સંગીતજ્ઞો-પંડિતો અને ઉસ્તાદો સાથે સારો સંબંધ હોઈ શાસ્ત્રીય સંગીતના ઘનિષ્ઠ સંસ્કાર દામોદરલાલને તેમના બાળપણથી જ મળ્યા. આગળ વધતાં તેમણે ઉસ્તાદ અલી અકબરખાન પાસેથી સરોદવાદનની તાલીમ લીધી. આ સમય દરમિયાન (1942-46) અલી અકબરખાન જોધપુરમાં રાજસંગીતકાર તરીકે નિવાસ કરી રહ્યા હતા. ઉસ્તાદની વાદનકળા તેમના વાદનમાં પૂરેપૂરી ઊતરી અને દેશવિદેશના અનેક કાર્યક્રમમાં તેમણે સારી નામના મેળવી. રાજસ્થાન સંગીત અકાદમીમાં તે પ્રારંભથી જ સક્રિય રહ્યા હતા. તેમણે આકાશવાણી પરથી અખિલ ભારતીય સંગીત કાર્યક્રમો તથા ભારતનાં અનેક શહેરોમાં યોજાતાં સંગીતસંમેલનોમાં સરોદવાદન રજૂ કર્યું હતું. આ ઉપરાંત સંગીત વિદ્યાલયોના પાઠ્યક્રમો માટે તેમણે જરૂરી સલાહસૂચન આપ્યાં હતાં.

તેમના સરોદવાદનમાં રાગની સ્પષ્ટ, સૌંદર્યલક્ષી રજૂઆત, વાદનપદ્ધતિની સચ્ચાઈ તથા તાલ-લયની ઊંડી સમજણ પ્રતીત થતાં. તેમનું વાદન ઊંચી કક્ષાનું ગણાતું હતું.

 

હ્રષિકેશ પાઠક