કાબરાજી, કેખુશરો નવરોજી (જ. 21 ઑગસ્ટ 1842, મુંબઈ; અ. 25 એપ્રિલ 1904, મુંબઈ) : પારસી પત્રકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને સમાજસુધારક. લેખન અને પત્રકારત્વનો બહુ નાની વયે જ પ્રારંભ થયો, જેમાં તેમની સમાજને સુધારવાની ધગશ જોવા મળે છે. ચૌદ વર્ષની વયે ‘મુંબઈ ચાબૂક’ જેવા ચોપાનિયામાં બાળલગ્ન, કજોડાં વગેરે જેવા વિષયો પર કટાક્ષમય લેખો લખવા માંડ્યા અને પંદર વર્ષની વયે ‘પારસીમિત્ર’ના સંપાદક બન્યા. આ ઉપરાંત, ‘બૉમ્બે ગૅઝેટ’ તથા ‘બૉમ્બે ટાઇમ્સ’ વગેરેમાં પણ પત્રકારત્વ જેવા નવા અને પડકારરૂપ ક્ષેત્રનો અનુભવ મેળવ્યો. ‘ચિત્રજ્ઞાન દર્પણ’ અને ‘બાગે નસીહત’ જેવાં પત્રો સ્થાપવા-ચલાવવાના પ્રયોગો પણ કર્યા. આર્થિક સંકડામણ આવી પડવાથી, પોતાના સમાજસુધારક સ્વભાવથી વિરોધી નીતિ અપનાવનાર પત્ર ‘જામે જમશેદ’માં નાછૂટકે સંપાદક તરીકે જોડાયા, પણ છેવટે વૈચારિક ગૂંગળામણને કારણે એ કામગીરી તજી દીધી. અંતે પ્રખર સુધારક કરસનદાસ મૂળજીના સંપર્કમાં આવતાં, ‘રાસ્ત ગોફતાર’ના તંત્રી બન્યા અને જીવનના અંત પર્યંત એ જવાબદારી નિભાવી અને દીપાવી. આ ઉપરાંત ‘સ્ત્રીબોધ’નું સુકાન પણ તેમણે સંભાળ્યું. સુધારાવાદી પત્રકાર તરીકેની તેમની તીખી તથા ધારદાર કલમે ઘણા વિરોધો-વિવાદો અને સંઘર્ષો સર્જ્યા અને તેને પરિણામે તેમને આર્થિક-સામાજિક ક્ષેત્રે ઠીકઠીક વેઠવું પણ પડ્યું. પ્રગતિવાદી વિચારસરણીને કારણે રૂઢિચુસ્તોનો અને અંતિમવાદી વલણ અખત્યાર ન કરવાને કારણે સુધારકોનો એમ ઉભય પક્ષોનો તેમને વિરોધ વેઠવો પડ્યો, પણ તેમણે પત્રકાર તરીકે જુસ્સો કે ધર્મ નરમ પડવા દીધા નહિ. પત્રકારત્વ ઉપરાંત તેમની કલમ-કારકિર્દીમાં વાર્તા-નવલકથા-લેખન તથા નાટ્યલેખનક્ષેત્ર પણ આવરી લેવાયાં છે. પારસી-સંસારનાં ચિત્રો અને તેમના પ્રશ્નોને સુધારક અભિગમથી રજૂ કરતી તેમની સંખ્યાબંધ નવલકથા, બહુધા વિદેશી વાર્તાઓ અને ખાસ કરીને હેન્રી વુડની કૃતિઓ પરથી રચાયેલી છે. તે મનોરંજન, સુધારાની ભાવના તથા બોધલક્ષી તત્વો ધરાવતાં રૂપાંતરો છે.

કાબરાજીનું યાદગાર પ્રદાન નાટ્યલેખન અને નાટ્યદિગ્દર્શનક્ષેત્રે લેખાય છે. ગુજરાતી રંગભૂમિ અને નાટકના અર્વાચીન યુગના આરંભકાળે એ પ્રવૃત્તિનો સુર્દઢ પાયો નાખનારા અગ્રેસરોમાં કાબરાજી પણ માનભર્યું સ્થાન પામે છે. રણછોડભાઈ ઉદયરામ જેવા સાહિત્યનિષ્ઠ રંગભૂમિરસિકનો સહકાર મેળવી નવા નાટક અને રંગભૂમિનો આરંભ, અગ્રણી નાગરિકોને એકઠા કરી ‘વિક્ટોરિયા નાટક મંડળી’ની સ્થાપના વગેરે પ્રસંગો ગુજરાતી રંગભૂમિ તથા નાટકના વિકાસ-ઇતિહાસની મહત્વની ઘટના છે. 1867માં ‘સર દિનશાહ પિટીટ જિમ્નેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ’ માટે શેક્સપિયરના ‘કૉમેડી ઑવ્ એરર્સ’ પરથી નાટક લખી, તે માટે તાલીમ આપવાનું કાર્ય પણ કર્યું અને સફળતાપૂર્વક ભજવ્યું. ત્યારબાદ પારસી તવારીખ ‘શાહનામા’નો આધાર લઈ ‘બેજન અને મનીજેહ’ (1869) લખ્યું અને રંગભૂમિ પર તેને અસાધારણ સફળતા સાંપડી. ખાસ કરીને પારસી સમાજ માટે લખાયેલા આ નાટક ઉપરાંત એવાં જ અન્ય નાટકો ‘શાહજાદો શ્યાવક્ષ’, ‘જહાંબક્ષ અને ગુલરૂખસાર’ વગેરે ખૂબ લોકપ્રિય નીવડ્યાં. 1870માં ‘જમશેદ’ લખાયું, અને ત્યારબાદ ‘ફરેદૂન’, ‘સૂડી વચ્ચે સોપારી’, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’, ‘ભોલીજાન’, ‘કાકા પાહલાન’ જેવાં નાટકો લખાયાં. રણછોડભાઈ ઉદયરામરચિત ‘હરિશ્ચંદ્ર’ નાટકના 1,100 પ્રયોગો કરનાર નાટક ઉત્તેજક મંડળીએ 1875માં ‘સૂડી વચ્ચે સોપારી’ ભજવ્યું હતું. નાટક  જોવા આવતી મહિલાઓનાં બાળકોની સંભાળ માટે કાબરાજીએ ઘોડિયાં અને હીંચકા રખાવ્યાં હતાં. હિંદુ પૌરાણિક સામગ્રી પરથી તૈયાર કરાયેલાં નાટકો ‘નળદમયંતી’, ‘નંદબત્રીસી’, ‘સીતાહરણ’, ‘લવકુશ’ જેવી કૃતિઓ પૈકી ‘લવકુશ’ તેની ભાષાશુદ્ધિ તથા અર્થના ઊંડાણની ર્દષ્ટિએ નોંધપાત્ર છે.

નાટકના નિર્માણમાં એ ખૂબ ચીવટ રાખતા અને ઈરાની પશ્ચાદભૂવાળાં પ્રારંભિક નાટકોના સંનિવેશ અને સજાવટ માટે ખાસ્સું ખર્ચ કરતા. તેમની નાટ્યતાલીમ પણ સુનિયોજિત હતી. નાટકમાં સૌપ્રથમ તે પાઠની વહેંચણી કરતા અને દરેકને પોતપોતાની નાનીમોટી ભૂમિકા વિશે પૂરી સમજણ આપતા. પાત્રને અનુરૂપ કેમ બોલવું, કેમ ચાલવું, પ્રસંગોચિત અદા કેમ દેખાડવી એ દરેક નટને કહી તથા કરી બતાવતા અને દરેક અદાકારના મનમાં તેની ઊંડી પાકી છાપ પડે તે જોતા. આટલું કર્યા છતાં કોઈ અદાકાર તેમની અપેક્ષા પ્રમાણે કામ ન આપી શકે અને ભૂલ કરે તો તે ગુસ્સે પણ થઈ જતા. નિયમિતતા તથા શિસ્તનો પણ તે કડક આગ્રહ રાખતા. તેમની આ તાલીમપદ્ધતિ ઘણા ગુજરાતી-પારસી દિગ્દર્શકોએ અપનાવી હતી. પત્રકારત્વની જેમ રંગભૂમિપ્રવૃત્તિ પણ કાબરાજી માટે કેવળ મનોરંજન નહિ, પણ મુખ્યત્વે સમાજસુધારા માટેનું સાધન હતું.

વિનોદ અધ્વર્યુ

દિનકર ભોજક