કાફિરિસ્તાન : અફઘાનિસ્તાનથી ઈશાન ખૂણે અને કાબુલની પૂર્વમાં હિન્દુકુશ પર્વતમાળા વચ્ચે તેમજ પાકિસ્તાનથી વાયવ્ય સીમા પર આવેલો પ્રાચીન પ્રદેશ. હાલ તેને ન્યુરિસ્તાનના નામે ઓળખવામાં આવે છે. આ પ્રદેશના લોકો કાફિર કહેવાય છે, જે આર્ય જાતિના છે. તેઓ કાફિર ભાષા બોલે છે.

કાફિરિસ્તાન તેની પ્રાદેશિક એકતા માટે અફઘાનિસ્તાનથી જુદો પડે છે. પર્વતીય વિસ્તાર, જંગલો અને વાહનવ્યવહારના અભાવે આ પ્રજાનો વિકાસ ઓછો થયો છે. આ પ્રજા અગ્નિપૂજક અને આર્યધર્મી છે અને ઈબ્રા કે બ્રહ્મને માને છે. ખેતી, પશુપાલન અને જંગલની પેદાશો પર નભતી આ સ્વદેશાભિમાની પ્રજા અફઘાન લોકો કરતાં અનેક બાબતોમાં જુદી પડે છે. ઢોળાવો પર ગીચ જંગલો આવેલાં છે. લોકોનો વેપાર મુખ્યત્વે ખેતીની પેદાશો તથા જંગલપેદાશો પર આધારિત છે.

ખીણપ્રદેશમાં સ્થિર વસવાટ સાથે કેટલાક ગૃહઉદ્યોગો પણ વિકસેલા છે. ફળફળાદિની વાડીઓ મારફત મોટાભાગના લોકો આજીવિકા મેળવે છે તથા પશુપાલન કરે છે. આશરે 13,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો આ પ્રદેશ 1895 સુધી સંપૂર્ણ સ્વતંત્ર પ્રજાનો પ્રદેશ હતો. ત્યારબાદ અફઘાન અમીરે તે પ્રદેશ પર દાવો કરી અહીંની પ્રજાને ઇસ્લામનો અંગીકાર કરવાની ફરજ પાડેલી. બાહ્ય રીતે ઇસ્લામ ધર્મ પાળતા પરંતુ મૂળ આર્યધર્મી લોકોની વસ્તી અહીં સવિશેષ છે. આ પ્રજા સ્વતંત્ર મિજાજની અને ખમીરવંતી છે.

મહેશ મ. ત્રિવેદી