કાફકા, ફ્રાન્ઝ
January, 2006
કાફકા, ફ્રાન્ઝ (જ. 3 જુલાઈ 1883, પ્રાગ; અ. 3 જૂન 1924, કિર્લિગ) : આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગલક્ષી સર્જક. એમનાં લખાણો રૂંવાં ખડાં કરી દે તેવી દુ:સ્વપ્નભરી પરિસ્થિતિઓનું આલેખન કરે છે. તેનો ઓથાર ચિત્ત પર લાંબો સમય ઝળૂંબી રહે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન યુરોપનો ખાસ કરીને છિન્નભિન્ન માનવસમાજનો ચિતાર તેમના સાહિત્યમાં પ્રતીકાત્મક રીતે વ્યક્ત થાય છે. ‘મેટામૉરફોસિસ’ નવલકથાનો નાયક પરિવર્તન પામે છે જંતુમાં. એવી કઈ યંત્રણા મનુષ્યે અનુભવી કે તેનું રૂપાંતર જંતુમાં થયું ?
પિતાનો સ્વભાવ અત્યંત કઠોર. કાફકાનો પ્રયત્ન પિતાની જોહુકમીમાંથી છૂટવાનો હતો. પ્રાગ યુનિવર્સિટીમાંથી એમણે કાયદાની ડિગ્રી મેળવી હતી, પણ વકીલાત ન કરતાં તે વીમા કંપનીમાં જોડાયા. પત્રકારત્વમાં તે ગયા જ નહિ કેમ કે તેમના જણાવ્યા મુજબ લેખનની સુગ્રથિતતા તેમને જાળવવી હતી. અત્યંત સંવેદનશીલ સ્વભાવના આ સર્જક સતત આધ્યાત્મિક વિષાદ અનુભવતા હતા. પિતાના ત્રાસમાંથી અને રોજિંદા ઑફિસ-કામમાંથી કેમ છૂટવું તે પ્રશ્ન તેમને સતાવ્યા કરતો. જીવનમાં સંવાદ મેળવવા એમણે ઘણો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા વિશેષ મળી. વાગ્દત્તા સાથે બે વાર વિવાહ કર્યા. મિલીના જેસેન્કા તેમની પ્રિયતમા. કાફકાની મધુર સ્મૃતિ તેમની આ પ્રિયતમા વિશે છે. ક્ષયના રોગે ઊથલો મારતાં જુદાં જુદાં આરોગ્યનિકેતનોમાં રહેવું પડ્યું. 1922માં પ્રાગ છોડી કાફકા બર્લિનમાં વસવાટ માટે ગયા. અહીં લેખનનો વ્યવસાય સ્વીકારી બધો જ સમય સાહિત્યમાં પ્રવૃત્ત રહ્યા. ડોરા ડાયમન્ટ નામનાં સન્નારીએ કાફકાના બર્લિન-વસવાટ દરમિયાન સહવાસી તરીકે સ્નેહ ને હૂંફ આપ્યાં. વિયેનામાં 1924માં કાફકા મૃત્યુ પામ્યા. તેમના જીવન દરમિયાન તેમનાં જૂજ પુસ્તકો પ્રગટ થયાં હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી લેખક તરીકે તેમની ખ્યાતિ આખા યુરોપમાં પ્રસરી.
કાફકાએ પોતાના મિત્ર મેક્સબ્રૉડને સૂચન કરેલું કે પોતાના મૃત્યુ બાદ અપ્રગટ હસ્તપ્રતોનો નાશ કરવામાં આવે પણ મેક્સબ્રૉડ, જે સ્વયં એક પ્રકાશનસંસ્થાના સલાહકાર હતા, તેમણે કાફકાના સૂચનને ન ગણકારતાં કાફકાની હસ્તપ્રતોને પ્રકાશિત કરી અને જગતને મળ્યા બે વિલક્ષણ ગ્રંથો – ‘ધ ટ્રાયલ’ અને ‘ધ કાસલ’. ‘ધ ટ્રાયલ’નો નાયક એક એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. કોર્ટ એટલે શું ? અને શા કારણે તેની સામે મુકદ્દમો ચલાવાઈ રહ્યો છે ? તે પ્રશ્નો તેનામાં વારંવાર ઊઠે છે – આ પ્રશ્નોના જવાબ નથી એની પાસે કે નથી તેના ઉપર મુકદ્દમો ચલાવનારાઓ પાસે. ‘ધ કાસલ’નો નાયક પણ બહાર નીકળી ન શકાય એવી પરિસ્થિતિથી ઘેરાઈ ગયો છે. કિલ્લાનો માલિક પોતાના ભાવિને નક્કી કરવા-સમજવા જેટલા પ્રયત્નો કરે છે તેટલા વધુ ગૂંચવાડા ઊભા કરે છે. તમે તમારામાં જ પુરાયેલા છો, બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. તમે તમારા જ કેદી છો. કાફકાની નવલકથાનાં પાત્રોના મનોભાવો અત્યંત રસાળ ભાષા દ્વારા વ્યક્ત થાય છે પણ કાફકાની પ્રતીકગૂંથણી એટલી બધી સંકુલ છે કે ભાવસંદિગ્ધતા અર્થસંદિગ્ધતા અતિશય અનુભવાય છે. કાફકાના સમગ્ર સર્જનના કેન્દ્રમાં રહેલી છે બૌદ્ધિક દૃષ્ટિએ અગ્રાહ્ય વિશ્વ સાથે સંઘર્ષમાં ઊતરતા મનુષ્યની આત્મવિદારક અનુભૂતિ.
નલિન રાવળ