કાપ્રી : નેપલ્સના ઉપસાગરના દક્ષિણ પ્રવેશદ્વાર નજીકનો દક્ષિણ ઇટાલીનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 400 33’ ઉ. અ. અને 140 14’ પૂ. રે.. કુદરતી સૌંદર્ય, સમધાત આબોહવા અને વનશ્રીની શોભાને કારણે કાપ્રી પર્યટનધામ તરીકે વિકસ્યું છે. તેનું ક્ષેત્રફળ 10 ચોકિમી. છે. મૉન્ટ સોલેરોનો ડુંગર 589 મી. ઊંચો છે. શિયાળામાં તાપમાન 100 સે. રહે છે અને શિયાળામાં વરસાદ 900 મિમી. પડે છે. ઑલિવ, દ્રાક્ષ, લીંબુ વગેરે ફળો, દારૂ અને માછલાં મુખ્ય પેદાશ છે.

દરિયાકિનારાની ગુફાઓમાંથી પાષાણયુગના અવશેષો મળે છે. ફિનિશિયન, ગ્રીક અને રોમન લોકો અહીં પ્રાચીનકાળમાં વસ્યા હતા. રોમન શહેનશાહો ઑગસ્ટસ સીઝર અને ટિબેરિયસના વિલાના અવશેષો ઉપરાંત દસમી અને અગિયારમી સદીનાં દેવળોના અવશેષો જોવાલાયક છે. વાન્ડાલ અને ઉત્તર આફ્રિકનોના હુમલાઓના ભોગ બન્યા બાદ તે લૉમ્બાર્ડ, અમલફિટન અને નૉર્મન શાસન નીચે હતું. તેનું ભાવિ નેપલ્સ સાથે જોડાયેલું છે. નેપોલિયન સાથેની લડાઈ (1806-1808) દરમિયાન તે અનેક વખત ફ્રેન્ચ અને બ્રિટિશ કબજા નીચે રહ્યું હતું. ઉત્તર અને દક્ષિણ કિનારે મરીના ગ્રાંડ અને મરીના પીકોલેનાં બંદરો આવેલાં છે. તે દરિયારસ્તે નેપલ્સ, સોરેન્ટો અને સાર્લેના સાથે જોડાયેલાં છે. કાપ્રી અને અનાકાપ્રી તેનાં બે શહેરો છે.

નીતિન કોઠારી

શિવપ્રસાદ રાજગોર