કાપિત્સા પ્યોત્ર લિયોનિદોવિચ
January, 2006
કાપિત્સા પ્યોત્ર લિયોનિદોવિચ (જ. 8 જુલાઈ 1894, ક્રોન્સ્ટાડ, રશિયા; અ. 8 એપ્રિલ 1984, મૉસ્કો) : ભૌતિકશાસ્ત્રની નિમ્નતાપિકી (cryogenics) શાખામાં, 1978માં બીજા વૈજ્ઞાનિકો પેન્ઝિયાસ તથા વિલ્સન રૉબર્ટ વૂડ્રો સાથે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. 1918 સુધી રશિયામાં પૅન્ટોગ્રેડમાં આવેલી પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ મેળવ્યા બાદ ત્યાં જ વ્યાખ્યાતા તરીકે કામ કર્યુ. 1921માં વિખ્યાત વિજ્ઞાની અર્નેસ્ટ રુધરફર્ડના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરવા માટે કેમ્બ્રિજની કૅવેન્ડિશ પ્રયોગશાળામાં પ્રવેશ મેળવી, 1923માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. અહીં તેમણે અત્યંત નિમ્ન તાપમાન અને પ્રબળ ચુંબકક્ષેત્રની અધીનતાવાળાં દ્રવ્યોના ગુણધર્મોની શોધ કરવાનું કાર્ય આરંભ્યું. તે માટે 1924માં 50 લાખ
ગાઉસ જેટલું અતિપ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું ચુંબક તૈયાર કર્યું. (ગાઉસ = ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના માપનો એકમ.) કલાકના 2 લિટર પ્રમાણે પ્રવાહી હીલિયમ ઉત્પન્ન કરનાર સાધનની ડિઝાઇન તૈયાર કરી. આજે પણ વિશ્વભરમાં જ્યાં નિમ્નતાપિકી ઉપર અધ્યયન થાય છે ત્યાં આ સાધનનું આદ્ય રૂપ ઉપયોગમાં લેવામાં આવે છે. 1925માં તે ઑક્સફર્ડની ટ્રિનિટી કૉલેજના ફેલો તરીકે નિયુક્ત થયા અને 1929માં ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીમાં ચૂંટાયા. સોસાયટીના 200 વર્ષના ઇતિહાસમાં તે એકમાત્ર વિદેશી હતા. તેમને માટે 1930માં રૉયલ સોસાયટી મૉન્ડ લૅબોરેટરી બાંધવામાં આવી હતી. હીલિયમ વાયુનું પ્રવાહીકરણ કરવા અંગેનો તેમનો ‘એક્સ્પાન્શન એન્જિન’ પરનો લેખ પ્રસિદ્ધ થાય તે અગાઉ, 1934માં વૈજ્ઞાનિકોની એક સભામાં તેમને રશિયા જવાનું થયું. ત્યાં રશિયાની સરકારે તેમનો તથા તેમનાં પત્નીનો પાસપોર્ટ જપ્ત કરી, તેમની અટકાયત કરી, રશિયાની બહાર જવા ઉપર પ્રતિબંધ મૂક્યો. અહીં તે સોવિયેટ એકૅડેમી ઑવ્ સાયન્સિસ હસ્તકની ‘વાસિલોવ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ’ના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા. આ પદ ઉપર 1934થી 1946 સુધી હોવા છતાં, લગભગ નજરકેદ જેવી સ્થિતિમાં હતા. આ સમય દરમિયાન રુધરફર્ડની મધ્યસ્થી દ્વારા મૉન્ડ લૅબોરેટરીનું સાધન મૉસ્કો મંગાવી હીલિયમ ઉપરનું અધ્યયન ફરી શરૂ કર્યું. 1939માં સોવિયેટ એકૅડેમી ઑવ્ સાયન્સિસમાં ચૂંટાયા. 1941 તથા 1943માં સ્ટૅલિન પ્રાઇઝ અને 1942માં ફેરેડે પદકના વિજેતા બન્યા. 1943-44માં ‘ઑર્ડર ઑવ્ લેનિન’થી તેમને સન્માનિત કરવામાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોવિયેટ સ્ટીલ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રવાહી ઑક્સિજનના ઉત્પાદનમાં માર્ગદર્શન આપી તેને માટેનું સાધન તેમણે તૈયાર કર્યું. શાંતિવાદી વિચારના તેમજ અણુબૉમ્બ ઉત્પાદનના વિરોધી હોવાથી સ્ટૅલિન તેમજ ગુપ્તચર સંસ્થાના વડા બેરિયા, બન્નેની નારાજગી વહોરી લીધી. તેમને ડિરેક્ટરપદેથી દૂર કરવામાં આવ્યા. 1955માં તે જ સ્થાન ઉપર ફરી નિયુક્ત થયા. ભૌતિકશાસ્ત્રમાં તેમનું પ્રદાન પ્લાઝમા વિશેનું છે. તેમની અગત્યની શોધ, હીલિયમ II, જે પ્રવાહી હીલિયમનું 2.174 K (-270. 9760 સે.) તાપમાને સ્થાયી સ્વરૂપ છે, તેમાં શ્યાનતા(viscosity)નો ગુણધર્મ નહિવત્ છે, તે અંગેની છે. શ્યાનતાના અભાવના આ ગુણધર્મને અતિતરલતા (superfluidity) કહે છે. શ્યાનતા એ પ્રવાહીના વહેવાના ગુણધર્મનો વિરોધ કરતી પ્રક્રિયા છે. તેને પ્રવાહીનું આંતરિક ઘર્ષણ પણ કહી શકાય.
વાસુદેવ યાજ્ઞિક
એરચ મા. બલસારા