કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ
January, 2006
કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ : કૃત્રિમ રેસાઓ અંગેનો ઉલ્લેખ છેક સન 1664માં ફ્રેંચ વૈજ્ઞાનિક રોમરે (Rene A. F. Reumur) શક્યતા રૂપે કરેલો. સન 1854માં કૃત્રિમ રેસા અંગેનો પ્રથમ પેટન્ટ કાઉન્ટ હીલેઈરે (Hilaire de Chardonnet) લીધેલો. પૅરિસમાં સન 1889માં સૌપ્રથમ વાર નાઇટ્રોસેલ્યુલોઝના રેસાઓ પ્રદર્શનમાં દર્શાવાયેલા. સન 1924માં વિસ્કોસ રેયૉન અસ્તિત્વમાં આવ્યું. આવા પ્રારંભિક કૃત્રિમ રેસાઓ કુદરતમાં મળતા રેસામય બહુલકોના પરિવર્તન દ્વારા અથવા પુનર્ગઠન દ્વારા મેળવાતા હતા. સૌપ્રથમ 100 % સંશ્લેષિત રેસા નાયલૉન (અથવા પૉલિએમાઇડ) છેક સન 1938માં બનાવી શકાયા. જોકે આ અંગેનું પાયાનું કામ સન 1930માં વૉલેસ હ્યૂમ કેરોથર્સ (Wallace Hume Carothers) નામના વૈજ્ઞાનિકે કરેલું. નાયલૉન પછી પૉલિયેસ્ટર – પૉલિ-એક્રિલો નાઇટ્રાઇલ અને બીજા અનેક પ્રકારના કૃત્રિમ રેસાઓ શોધાતાં સંશ્લેષિત રેસાઓનો ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો.
કુદરતી રેસાઓની માફક માનવસર્જિત રેસાઓ વિશાળ (giant) અણુઓના બનેલા હોય છે, જેમાં C, H, O, N, S ધરાવતા હજારો પરમાણુઓ સંકળાયેલા હોય છે. કુદરત આવા વિશાળ અણુઓ હવા તથા ભેજ દ્વારા પ્રકાશની હાજરીમાં વનસ્પતિ-જગતમાં બનાવે છે અથવા પ્રાણીઓમાં વાળ સ્વરૂપે બનાવે છે તથા રેશમના કોશેટા રૂપે બનાવે છે. આવા કુદરતી રેસાઓ કપાસ(રૂ)ની સહનીયતા માટે, ઊનની ગરમી માટે, રેશમના ચળકાટ માટે જાણીતા છે. આવા કુદરતી રેસાઓની કેટલીક મર્યાદાઓ દૂર કરવા માટે કૃત્રિમ રેસાઓ બનાવવામાં આવ્યા જેમાંના કેટલાક ટકાઉપણા તથા સંશોધિત જરૂરિયાતો માટે જાણીતા છે.
માનવસર્જિત રેસાઓ બનાવવા માટે (i) કુદરતમાં મળતા રેસામય બહુલકને યોગ્ય દ્રાવકમાં ઓગાળી તેનું પુનરુત્પાદન રેસાસ્વરૂપે કરીને અથવા (ii) નાના અણુઓનું વિશાળ અણુઓમાં પુનર્ગઠન કરવામાં આવે છે. પ્રથમ રીતનાં ઉદા. વિસ્કોસ રેયૉન તથા ક્યુપ્રા એમોનિયમ રેયૉન છે અને તેમને પુનરુત્પાદિત અથવા અર્ધસંશ્લેષિત સેલ્યુલોઝ રેસાઓ કહે છે. આ સમૂહમાં જ એસિટેટ રેયૉન પણ આવે, જે સેલ્યુલોઝના એસિટિલેશન દ્વારા મેળવાય છે. આ રેસાઓ ભીંજાતાં તેમની શક્તિ મધ્યમસરની હોય છે તથા રૂના તાંતણા માફક જળ-આકર્ષી (hydrophilic) હોય છે. આની સરખામણીમાં નાયલૉન, ટેરિલીન, ડૅક્રૉન, ઑર્લોન, ડ્રેલૉન વગેરે સંપૂર્ણ સંશ્લેષિત રેસાઓ(બીજી રીત અનુસાર)ની (તણાવ)શક્તિ વધુ હોય છે તથા વધતા-ઓછા અંશે જળ-અપાકર્ષીય (hydrophobic) હોય છે જ્યારે કેટલાક થર્મોપ્લાસ્ટિક (ઉષ્મા દ્વારા નરમ બનાવી શકાય તેવા) પણ હોય છે. પ્રથમ પ્રકારની રીતમાં બીજા કેટલાક રેસાઓ પ્રાણિજ તથા વનસ્પતિજ પ્રોટીનના પુનર્ગઠનથી મેળવાય છે. આનાં ઉદા., આર્ડિલ, કેસીન, ઝીન વગેરે છે, તથા તે મગફળી, સોયાબીન, દૂધ, મકાઈના ગ્લુટેન વગેરેમાંથી મેળવાય છે.
પુનરુત્પાદિત અથવા અર્ધસંશ્લેષિત તેમજ ખરેખરા સંશ્લેષિત રેસાઓ બહુલક બંધારણ ધરાવે છે તથા તેઓ નીચેની જરૂરિયાતો ધરાવે છે : (અ) બહુલક રેખીય હોવો જોઈએ તથા તેનો સરેરાશ અણુભાર 10,000થી વધુ જોઈએ. (આ) અણુમાં સમમિતિ ઊંચા પ્રકારની હોવી જરૂરી છે તથા તેના ઘટ્ટ પૅકિંગ માટે બહુદળીય ઉપશાખા ન હોવી જોઈએ. (ઇ) બહુલક એવી રીતનો હોય કે (બહુ ખેંચાતાં પણ) તેની ખેંચાણશક્તિ વધુ હોય. (ઈ) બહુલકમાં નિશ્ચિત અંતરે ધ્રુવીય સમૂહો હોવા જરૂરી છે જેથી તે પ્રબળ આંતર આણ્વીય સંસંજન (cohesion) તથા ઊંચું ગલનબિંદુ દર્શાવે. (ઉ) બહુલક સામાન્ય રીતે ઉષ્મા-પ્રતિકારક, જલ તથા રસાયણ-પ્રતિકારક હોવા છતાં સામાન્ય પરિસ્થિતિમાં રંગ ચડાવી શકાય તેવો હોવો જોઈએ.
આવા બહુલક-રેસાઓનું સંશ્લેષણ મુખ્યત્વે બે પ્રકારની વિધિ દ્વારા કરાય છે : (અ) યોગશીલ બહુલીકરણ – આમાં એક યા વધુ એકલક (monomer) (વાઇનલ કે એક્રિલિક પ્રકારના અણુ) યોગ્ય ઉદ્દીપકની મદદ દ્વારા એકબીજામાં ઉમેરાઈને વધતા જાય છે તથા પ્રક્રિયામાં કશાનું વિલોપન (elimination) થતું નથી. (આ) સંઘનન બહુલીકરણ – જેમાં ક્રિયાશીલ ઍસિડ, એમાઇન, આલ્કોહૉલ જેવા અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા દ્વારા લાંબી શૃંખલાવાળા બહુલક (વિલોપનપ્રક્રિયા દ્વારા) બનાવે છે. આમાં H2O જેવા અણુનું વિલોપન થતું હોય છે. કેટલાક દાખલામાં જોવા મળે છે કે રાસાયણિક સિદ્ધાંત કુદરતી કે કૃત્રિમ રેસાઓ(કૉટન, વિસ્કોસ, ઊન, રેશમ, નાયલૉન)માં એકસરખો જ હોય છે. પરંતુ સંશ્લેષિત રેસાઓમાં કુદરતી રેસાઓ કરતાં રસાયણોનું વૈવિધ્ય ઘણું હોય છે. આવા રેસાઓ ઉપયોગિતા અનુસાર મરજી પ્રમાણે બનાવી શકાય છે. માનવસર્જિત કાપડઉદ્યોગના વિકાસમાં કેટલીક નોંધપાત્ર ઘટનાઓ નીચે દર્શાવી છે :
સારણી 1 : કાપડના રેસાઓ
(i) 19મી સદીમાં શાર્દોંને મલ્બેરીનાં પાંદડાંમાંના સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરી કાચની ત્રાક (spinneret) દ્વારા તેમાંથી રેસાઓ વણ્યા. જે નાઇટ્રોસેલ્યુલોઝ તરીકે જાણીતા થયા.
(ii) ક્રૉસ અને બેવનના સંશોધન ઉપરથી અંગ્રેજ રસાયણજ્ઞોએ આલ્કલી સેલ્યુલોઝની કાર્બનડાઇસલ્ફાઇડ ઉપર પ્રક્રિયા દ્વારા જળ-દ્રાવ્ય નીપજ મેળવી (જેમાંથી પરિવર્તન થયા વિનાનું સેલ્યુલોઝ ઍસિડ ઉમેરીને પાછું મેળવાય છે) જેને વિસ્કોસ સ્પિનિંગ વિધિ કહે છે.
સારણી 2 : વાઇનલ એકલકોના ગુણધર્મો
ગુણધર્મો | ઇથીલિન | ટેટ્રાફ્લોરો-
ઇથીલિન |
વાઇનલ
એસેટેટ |
વાઇનલ
ક્લોરાઇડ |
વિનિલિડીન-
ક્લોરાઇડ |
વિનિલિડીન
સાયેનાઇડ |
વિનિલિડીન
ક્લોરાઇડ |
એક્રિલો-
નાઇટ્રાઇલ |
અણુભાર | 28.05 | 100.02 | 86.09 | 62.50 | 96.95 | 78.07 | 64.04 | 53.06 |
ઉ.બિંદુ (760 મિમી.) | -103.7 | -76.3 | 72.5 | 13.4 | 31.7 | 50.5 10 મિમી. |
-84 | -103.7 |
ગ.બિંદુ 0C | -169.2 | -142.5 | -100 | -153.8 | -122 | 8 | – | -84 |
વક્રીભવનાંક n9D | – | – | 1.395620 | 1.3815 | 1.424920 | – | 1.44120 | 1.388325 |
ઘનતા g/m/a | 0.564–100 | 1.386–40 | – | 0.991825 | 1.212920 | – | – | -0.802925 |
સ્નિગ્ધતા cpsa | – | – | 0.43220 | 0.28–20 | 0.37715 | – | – | 0.348820 |
વિ. ઉષ્મા/cal/g/0C | – | – | 0.46 | – | 0.27 | – | – | 0.50 |
બાષ્પ ઉષ્મા Kcal/mo/ea બહુલીકરણ ઉષ્મા |
3.237–100 | – | 7.80 | 4.4525 | 6.6 | – | – | – |
Kcal/mc/e | 22-26 | 20.0-25 | 21 | 23 | -14.5 | – | – | – |
ક્રાંતિક તાપમાન 0C | 10 | 33.3 | – | 156.5 | – | – | – | 246 |
ક્રાંતિક દ્બાણ atm. | 51.0 | 572 | 55.3 | – | – | – | 34.9 | |
પાણીમાં દ્રાવ્યતા %a | 0.00210 | – | 2.420 | – | – | – | – | 7.920 |
પાણીની દ્રાવ્યતા %a | – | – | 0.120 | 1.1 | – | – | – | 3.220 |
સ્ફુરાંક 0C | – | – | 5 | – | 10 | – | – | 0 |
હવામાં સ્ફોટકતાની હદ % | – | – | – | 4-22 | 7.16 | – | – | 3-17 |
ઉપરના આંક 0Cમાં તાપમાન દર્શાવેલ છે જે તાપમાને આ મૂલ્ય દર્શાવેલાં છે.
સારણી 3 :
ક્રમ | રેસા | પ્રકાર | મજબૂતાઈ
ભીના |
પ્રલંબન %
સૂકા |
ઘનતા
ભીના |
ભેજગ્રાહકતા %
સૂકા |
gm/cc |
65 % RH, અને 700 F |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
1. | વિસ્કોસ રેયૉન | R
H |
0.7-1.2 1.9-3.0 |
1.5-2.4 3.0-5.2 |
20.35 14-20 |
15.30 9.17 |
1.53 | 11-13 |
2. | ક્યુપ્રા એમોનિયમ રેયૉન | 0.9-1.25 | 1.8-2.3 | 17.33 | 10.17 | 1.53 | 11-12.5 | |
3. | એસેટેટ રેયૉન | 0.8-1.0 | 1.2-1.4 | 23.30 | 16-20 | 1.32 | 6.5 | |
4. | ટ્રાઈ એસેટેટ | 0.8-1.0 | 1.2-1.4 | 30-40 | 25-28 | 1.32 | 3.2-4.5 | |
5. | નાયલૉન 6 | R H.T. St |
4.0-5.3 5.4-7.6 3.4-5.0 |
4.1-5.8 6.1-8.4 3.8-5.5 |
28.43 18-24 42.50 |
23.42 16.19 37-46 |
1.14 |
4.0-4.5 |
6. | નાયલૉન 66 | R H.T. St |
–
– – |
4.6-5.8 6.1-8.4 4.1-4.5 |
–
– – |
24.40 19.24 37.40 |
1.14 | 4.0-4.5 |
7. | નાયલૉન 11 | – | 4.5-5.4 | – | 12-22 | – | 1.1 | |
8. | પૉલિયેસ્ટર | N
H.T. |
4.5-5.5 6-7 3.5-4.0 |
4.5-5.5 6-7 3.5-4.0 |
15-25 7.5-12.5 25-40 |
15-25 7.5-12.5 25-40 |
1.38 |
0.4 |
9. | પૉલિયેક્રિલોનાઇટ્રાઇલ | 4-8 | 5.0 | 16-25 | 16-25 | 1.17 | 1.2-2.5 | |
10. | પૉલિવાઇનલ ક્લોરાઇડ PVC |
F
St |
2.7-3.0 1.0-1.3 |
2.7-3.0 1.0-1.3 |
12-20 25-28 |
12-20 25-28 |
1.40 | Nil |
11. | પરક્લોરિનેટેડ PVC | – | – | 1.4-1.9 | – | 24-40 | 1.44 | 0.2 |
12. | એવિસ્કો વિનીયોન HH | – | – | 0.7-1.0 | – | 100-120 | 1.33-1.35 | > 0.1 |
13. | PVA | F ST |
5.07.6 2.65.9 |
6.0-8.5 3.0-7.0 |
10-26 14-27 |
9-22 13-26 |
1.28 | 3-5 |
14. | ડાઇનેલ | – | – | 2.5-3.3 | – | 30-42 | 1.28-1.35 | 0.4 |
15. | પૉલિઇથિલિન | LD HD |
– | 1.0-2.3 4.0-7.0 |
–
– |
45-50 10-20 |
0.92 0.95 |
Nil |
16. | પૉલિપ્રોપિલિન | F St |
4.5-6.00 4.5-6.00 |
–
– |
11-20 20-35 |
0.90-0.94 | નજીવો | |
17. | વેરેલ | 2.5-2.8 | – | 33-35 | 1.35-1.45 | 3.5-4.0 | ||
18 | સારાન | F
ST |
1.15-2.3 1.5 સુધી |
15-30 15-30 |
1.67 | 0 | ||
19 | ડાર્વોન | 2-0 | 2.2 | 22-24 | 1.10-1.20 | 2-3 | ||
20. | ટેફલોન | 1.7 | 13 | 2.30 | 0 | |||
21. | કાચતંતુ | 5.4-5.8 | 6.3-6.9 | 2.5-3.5 | 34 | 2.54 | 70.3 | |
22. | સ્પોન્ડેક્ષ | 0.55-1.0 | 520-610 | 1.20-1.25 | 0.8-1.2 | |||
23. | કેવલાર | 2.1-4.7 | 1.9-3.7 | 1.44-1.45 | – | |||
24. | કાર્બન | 17-63 | 1.0 | 1.7 | – | |||
25. | નોમક્સ | 5.0 | 1.38 | – |
ફ્રેમરી તથા અરબન દ્વારા 19મી સદીના અંતમાં ક્યુપ્રા એમોનિયમ વિધિ શોધાયેલી પરંતુ તેનું વ્યાપારીકરણ સન 1919માં બેમ્બર્ગ દ્વારા થયું તથા તેનું ઉત્પાદન સન 1926માં – અમેરિકન બેમ્બર્ગ કૉર્પોરેશન દ્વારા થયું. આ રેસાને બેમ્બર્ગ રેયૉન કહે છે.
(iii) સન 1920માં ડ્રેફ્સ બંધુઓ દ્વારા એસિટોનમાં દ્રાવ્ય સેલ્યુલોઝ એસિટેટનું ઉત્પાદન શરૂ થયું.
સન 1914માં ટ્રાઈએસિટેટ રેસાઓ બનાવાયેલા, પરંતુ તે યોગ્ય ન જણાતાં ફરીને સન 1954માં આર્નેલ દ્વારા અમેરિકામાં તથા કુર્ટાલ્ડસ દ્વારા ઇંગ્લૅન્ડમાં બનાવાયા જે કુરપ્લેટા તથા ટ્રાઇસેલ નામે ઓળખાય છે.
(iv) કેરોથર્સ બંધુઓના પાયાના સંશોધનકાર્ય ઉપર આધારિત નાયલૉન 66નો ઉત્પાદન-પ્લાન્ટ સન 1938માં ડૂ પૉન્ટ કંપનીએ અમેરિકામાં શરૂ કર્યો. સંપૂર્ણ સંશ્લેષિત પ્રકારના આ પ્રથમ રેસાઓ હતા.
(v) કેરોથર્સ બંધુઓ તેમજ સહયોગીઓએ સન 1920થી પૉલિયેસ્ટર રેસાઓ ઉપર પાયાનું સંશોધન કરેલું. પરંતુ પ્રથમ પાયલોટ પ્લાન્ટ સન 1948માં ઇમ્પીરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ (ICI) દ્વારા નંખાયો તથા આ રેસાનું વ્યાપારી નામ ટેરિલીન રખાયું. સન 1953માં ડૂ પોન્ટ કંપનીના પ્લાન્ટે, ડૅક્રૉન રેસાઓનું ઉત્પાદન શરૂ કર્યું.
સારણી 4 : રેસાઓને ઓળખવાની લાક્ષણિકતાઓ
રેસા | બાળવાની કસોટી | દ્રાવક |
1 | 2 | 3 |
એસેટેટ | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
80 % એસેટોન |
ઍક્રિલાન | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
ડાયમિથાઇલ
ફૉર્મામાઇડ 1000 C 2.5 : 1 નાઇટ્રિકમાં અદ્રાવ્ય. ક્રેસલાનથી જુદો પડે |
આર્ડિલ | બળતાં પીંછાં | ઊકળતો 15 %
NaOH; 5 % NaOHમાં અદ્રાવ્ય |
આરનેલ | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
મિથિલિન
ક્લોરાઇડ/ઇથેનોલમાં અદ્રાવ્ય. 80 % એસેટોન એસેટેટથી જુદો પડે. |
સુતરાઉ | સળગતા કાગળ જેવી | 70 % H2SO4માં
અદ્રાવ્ય. સાંદ્ર HCl રેયૉનથી જુદો પડે. |
કોરવેલ | તીવ્ર, સળગતા કાગળ
જેવી |
સાંદ્ર HCl અદ્રાવ્ય.
ક્યુપ્રા એમોનિયમ હાઇડ્રૉક્સાઇડમાં દ્રાવ્ય. |
ક્રેસલાન | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
ડાયમિથાઇલ
ફૉર્મામાઇડ, 2.5-1 HNO3 |
ક્યુપ્રા
એમોનિયમ |
સળગતા કાગળ જેવી | સાંદ્ર HCL |
ડૅક્રૉન | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
ડાયમિથાઇલ
ફૉર્મામાઇડ (1400 C) 88 % ફિનોલમાં ફેલાય છે. |
ડારવાન | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
ઊકળતા સાઇક્લોહેક્ઝેનોન
અદ્રાવ્ય. એસેટોન અને ટેટ્રાહાઇડ્રોફ્યુરેન |
ડાયનેલ | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
ગરમ 100 % એસેટોન |
ફાઇબ્રોલોન | બળતાં પીંછાં | ઊકળતા 15 % NaOH;
5 % NaOHમાં અદ્રાવ્ય. |
ફોરટિસીન | બળતો કાગળ | સાંદ્ર HClમાં ધીમેથી દ્રાવ્ય |
ફોરટિસીન-36 | બળતો કાગળ, | સાંદ્ર HClમાં ધીમેથી દ્રાવ્ય |
કાચ | બળતો નથી | HF |
કોડેલ | પીગળીને બળે છે,
લાક્ષણિક નથી |
મિથાઇલ સેલિસીલેટ
(ઊકળતા) 88 % ફિનોલમાં ફેલાતો નથી. 1 : 1 HCl, અદ્રાવ્ય |
કુરાલોન | પીગળીને બળે છે,
લાક્ષણિક નથી |
88 % ફિનોલ-
નાયલૉનથી જુદો પાડે છે. |
મેરિનોવા | બળતાં પીંછાં | ઊકળતા 15 % NaOH;
ઊકળતા 5 % NaOHમાં અદ્રાવ્ય |
નાયલૉન 6 | પીગળીને બળે છે
અજમા જેવી વાસ |
4.2 N HCl |
નાયલૉન 66 | પીગળીને બળે છે
અજમા જેવી વાસ |
1 : 1 HCL, ફૉર્મિક
ઍસિડ, 88 % ફિનોલ |
ઑર્લોન 42 | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
ડાયમિથાઇલ
ફૉર્મામાઇડ |
ઑર્લોન 81 | પીગળીને બળે છે.
લાક્ષણિક નથી. |
ડાયમિથાઇલ ફૉર્મામાઇડ
1000 C |
પૉલિઇથિલીન | પીગળીને બળે છે.
બળતા પૅરેફિન જેવી વાસ |
ગરમ સાઇક્લોહેક્ઝેન |
પૉલિ-
પ્રોપિલીન |
પીગળીને બળે છે.
ડામર જેવી આછી વાસ |
ગરમ ડેકાલીન |
પૉલિસ્ટાઇરિન | પીગળીને બળે છે.
આછી મેશ ઉત્પન્ન કરે છે. |
ગરમ બેન્ઝીન |
રહોવીલ | પીગળીને બળે છે.
તીવ્ર મીઠી વાસ |
50 : 50 એસેટોન :
કાર્બન ડાયસલ્ફાઇડ |
સરન (વેલોન) | પીગળીને બળે છે. | ટેટ્રા હાઇડ્રોફ્યુરેન |
રેશમ | બળતાં પીંછાં | 8.9 N HCL |
ટેફલૉન | પીગળે છે, બળતો નથી. | જાણીતો નથી |
ટોપેલ | તીવ્ર, આછી બળતા
કાગળની |
સાંદ્ર HCl, ક્યુપ્રા
એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ અદ્રાવ્ય |
વેરેલ | પીગળીને બળે છે,
કોર્ડાઇટ જેવી |
ગરમ 100 % એસેટોન |
વિકારા | બળતાં પીંછાં | ઊકળતા 15 % NaOH;
ઊકળતા 5 % NaOHમાં અદ્રાવ્ય |
વિન્યોન HH | પીગળીને બળે છે;
લાક્ષણિક નથી. |
ક્લૉરોફૉર્મ, એસેટિક
ઍસિડ, અદ્રાવ્ય |
વિસ્કોસ | બળતા કાગળ જેવી | સાંદ્ર HCl |
ઊન | બળતાં પીંછાં | ગરમ 5 % NaOH |
ઝેફરાન | પીગળીને બળે છે | ડાયમિથાઇલ
ફૉર્મામાઇડ (1000 C) |
સારણી 5
પ્રકાર |
મજબૂતાઈ |
ખેંચાણ |
પાણીઅવરોધ |
||
સૂકું | ભીનું | સૂકું | ભીનું | % | |
પ્રમાનક (standard) | 1.92-2.49 | 0.9-1.24 | 18-30 | 20-40 | 90-100 |
સુધારેલ શક્તિવાળું | 2.49-2.94 | 1.24-1.58 | 17-25 | 20-30 | 85-95 |
સળયુક્ત (crimbed) | 1.69-2.37 | 0.79-1.36 | 18-40 | 25-54 | 90-100 |
પૉલિનોઝિક | 2.83-5.09 | 2.03-3.16 | 61-2 | 9-15 | 55-75 |
મોડાલ | 3.39-4.52 | 2.15-3.16 | 12-15 | 17-21 | 70-80 |
H.T. (ટાયરયાર્ન) | 3.96-7.35 | 2.83-5.65 | 4-17 | 6-33 | 65-75 |
હૉલો | 2.15-2.71 | 1.02-1.47 | 13-15 | 16-19 | 120-140 |
(vi) સન 1950થી 1956 દરમિયાન અમેરિકા તથા યુરોપમાં કેટલીય કંપનીઓ દ્વારા પ્રથમ પૉલિએક્રિલોનાઇટ્રાઇલ રેસાઓ ઑર્લોન, એક્રિલાન વગેરે નામથી ઉત્પાદનમાં આવ્યા. આ બહુલકોમાં પાયાનું માળખું C-C શૃંખલાનું બનેલું હોય છે તથા ઇથિલીન પ્રકારના અસંતૃપ્ત એકલકોના યોગશીલ બહુલીકરણથી તે બનાવાય છે.પૉલિયેમાઇડ તથા પૉલિયેસ્ટર બહુલકોનું ઉત્પાદન સંઘનન બહુલીકરણ (condensation polymerization) દ્વારા મેલ્ટ-સ્પિનિંગ ટેકનીકથી કરીને મજબૂત તણાવશક્તિ ધરાવતા રેસા બનાવવામાં આવે છે. આ મેલ્ટ-સ્પિનિંગ ટેકનીકમાં બહુલકને નિષ્ક્રિય વાતાવરણમાં પિગાળ્યા બાદ ત્રાકમાંથી પસાર કરીને રેસાઓ કાઢી હવામાં પસાર કરતાં તે સખત બની ઘન સ્વરૂપમાં ફેરવાય છે.
n CH2 = CH – C ≡ N → (CH2 = CH-CN)n
આવા રેસાઓની ઉપર રંગ ચડાવવાની સરળતા વધારવા માટે પછીનાં વરસોમાં બીજા અનેક પ્રકારના રેસાઓ સહ-બહુલક (co-polymers) ઉમેરીને બનાવાયા. આવા સહ-બહુલક ઉમેરવાનું સંઘનન બહુલકોમાં શક્ય નથી.
આ રીતે એક્રિલોનાઇટ્રાઇલ રેસાઓ બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યા :
(અ) 85 %થી વધુ સહ-બહુલકોમાંથી બનાવાયા હોય તેવા એક્રિલોનાઇટ્રાઇલ ધરાવતા ઍક્રિલિક રેસાઓ.
પૉલિયેક્રિલોનાઇટ્રાઇલના રેસાઓ કે જેમાં 15 %થી ઓછા પ્રમાણમાં બીજા બહુલકો મિશ્રણ દ્વારા, ગ્રાફ્ટિંગથી, બ્લૉકિંગ વગેરે ઉમેરાયા હોય તેવાને નાઇટ્રાઇલ ઍલૉય રેસાઓ કહે છે.
(આ) 85 %થી ઓછું પ્રમાણ ધરાવતાં પૉલિયેક્રિલોનાઇટ્રાઇલ રેસાઓને વાઇનલ રેસાઓ – મોડએક્રિલિક રેસાઓ કહે છે.
સારણી 2માં વિવિધ વિનાઇલ એકલકોના ગુણધર્મો દર્શાવ્યા છે. આ એકલકોને અથવા તેમાં બીજા ઉમેરીને વિવિધ વાઇનલ બહુલક તથા સહ-બહુલકો મેળવવામાં આવે છે.
આ પ્રકારના સહ-બહુલકો તથા બહુલકોના લીધે અનેક પ્રકારના રેસાઓનું વ્યાપારીકરણ થઈ શક્યું છે. આવા કેટલાકનાં નામ નીચે મુજબ છે :
પૉલિવાઇનલ ક્લોરાઇડ રેસાઓ (વિન્યોન, HH, ડાઈનેલ)
પૉલિવાઇનલ ક્લોરાઇડ આલ્કોહૉલ (વિન્યોન, HH, ડાઇનેલ)
પૉલિઇથિલીન, પૉલિસ્ટાયરિન (વેરેલ, સારાન, ડાવિન, ટેફલોન) વગેરે.
મોટા ભાગના વાઇનલ તથા વાઇનલ સહ-બહુલકો ઓછા ખર્ચાળ છે પરંતુ કાપડઉદ્યોગમાં આ રેસાઓ તેનું ઓછું સ્થાયિત્વ તથા બીજા ગુણધર્મોને લીધે ઓછા વપરાય છે. પરંતુ તેની પ્રબળ સંકોચન-શક્તિ(shrinking capacity)ને કારણે તે બીજાં કાપડ સાથે મેળવવા માટે વપરાય છે.
(iii) બીજા વિશ્વયુદ્ધ બાદ ઉદ્યોગ માટે કાચ-રેસાઓ ઉપયોગમાં આવ્યા. પોશાક માટે આ રેસાઓ ઉપયોગી નથી, પરંતુ પડદા બનાવવા માટે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશનમાં તથા વૉટરપ્રૂફ કાગળ, ટેપ્સ, પાણીની પાઇપો તથા કન્વેયર બેલ્ટમાં, ફોમ રબરમાં તથા પ્લાસ્ટર બોર્ડ બનાવવામાં તે વિશેષ વપરાય છે.
(iv) સન 1946માં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં લુરેક્સ ધાત્વીય રેસાઓ(Lurex metallic yarn)નો ઉપયોગ થયો. તે ઍલ્યુમિનિયમ ઉપર પારદર્શક પ્લાસ્ટિકની ફિલ્મ ધરાવતો બહુલક છે. આનાથી રેસાઓમાં ઝાંખપ આવતી નથી તથા નોવેલ્ટી ફેબ્રિક્સમાં વપરાય છે.
(v) પૉલિયુરિથેન રેસાઓ (સ્પોન્ડેક્ષ) ડાઇઆયસોસાયનેટ તથા ડાઇહાઇડ્રિક આલ્કોહૉલ દ્વારા બને છે :
n HO– (CH2)4 – OH + O=C=N– (CH2)6 – N=C=O
n (HO CH2)4 – O – – NH (CH2)6 – NH – – H
આ રેસા રબર જેવા પૉલિયુરિથેન ગુણધર્મ ધરાવતા હોઈ તેને ઇલેસ્ટોમેરિક રેસા કહે છે.
ઉપર દર્શાવેલ માનવસર્જિત રેસાઓનો ઇતિહાસ સન 1960 સુધીનો છે. કેટલાક અગત્યના ભૌતિક ગુણધર્મો તથા તેમને પારખવાની રીતો સારણી 3 (પૃ. 599) તથા 4(પૃ. 600)માં દર્શાવી છે.
હાલ આ ક્ષેત્રમાં અનેક નવાં સંશોધનોને આધારે માનવસર્જિત ટેક્ષ્ટાઇલની બીજી તથા ત્રીજી પેઢી ચાલે છે તેમ કહી શકાય. પ્રથમ પેઢીનાં નાઇલૉન, પૉલિયેસ્ટર, એક્રિલિક્સ વગેરે ટકાઉપણું, સાચવવા માટે ઓછી કડાકૂટ વગેરેને લીધે ખૂબ પ્રચલિત થયાં છે. ગ્રાહકની વિશિષ્ટ આવશ્યકતાઓ ઉપર આજે આવા રેસાઓમાં વિવિધતા આવી શકી છે અને આવા સંશ્લેષિત રેસાઓ સુતરાઉ જેવા સગવડવાળા, ઊન જેવી ગરમીવાળા તથા રેશમ જેવા ચળકાટવાળા મળે તેવી માગ વધી છે. આ માટે માનવસર્જિત રેસાઓ ઉપર નીચે દર્શાવેલી વિધિઓ દ્વારા સંશોધન દ્વારા ફેરફાર (modification) કરવામાં આવે છે :
– ગ્રાફ્ટ સહ-બહુલીકરણ
– બહુઘટકના આણ્વીય બંધારણમાં રાસાયણિક ફેરફાર
– સ્પિનિંગ દ્રાવણમાં રાસાયણિક યોગશીલ પદાર્થો ઉમેરવા
– આડછેદ દ્વારા ફેરફાર
– રેસાની સાઇઝ બદલવી
– રેસાઓ ઉપર બલ્કિંગ, ક્રિમ્પિંગ, લૂપિંગ વગેરે વિધિઓ કરવી
– રેસાની સપાટી ખરબચડી બનાવવી
– રેસાની સખ્તાઈ વધારવી વગેરે.
આ પ્રકારની વિવિધ પ્રક્રિયાઓથી રેસાઓની મર્યાદાઓ વધી છે. આ બીજી પેઢીના રેસાઓથી વૈજ્ઞાનિકને સંતોષ ન થતાં હવે નવા પ્રકારના રેસાઓ અંગે સંશોધન ચાલુ છે જેને ત્રીજી પેઢીના રેસાઓ કહે છે.
આ ત્રણે સમયગાળાનાં સંશોધનોમાં સુધારા થતા રહે છે અને હજી નવા પ્રકારની શક્યતાઓ વધતી જ રહેવાની.
નવું પરિવર્તન : (અ) વિસ્કોસ રેયૉન : કાપડઉદ્યોગની દરેક પ્રકારની માગને અનુલક્ષીને વિસ્કોસ રેયૉનના વિવિધ પ્રકારો હાલમાં પ્રાપ્ય છે. જુઓ સારણી 5
સ્ટાન્ડર્ડ રેયૉનની જાતમાં સુધારો કરવાથી તેની વણાટશક્તિમાં તથા સ્પિનિંગ શક્તિમાં વધારો થાય છે. ખૂબ ભેજયુક્ત પૉલિનોસ્ટિક રેસાઓ તેમને સૂતર જેવા ભૌતિક ગુણધર્મો તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્થાયિત્વ આપે છે. આ રેસાઓની વધુ ઘસારા-પ્રતિકાર- શક્તિ, રંગ ચડાવવાની સરળતા તથા વૅટ પ્રોસેસમાં વધુ સારા દેખાવ માટે તેમને સંશોધિત કરવામાં આવે છે. પરિણામે તેમની ખેંચાણશક્તિ પણ વધે છે. સૂતર કે પૉલિયેસ્ટર સાથે તેમને મેળવતાં તેઓ વધુ સારું કામ આપે છે. આવા પ્રકાર ટુવાલ માટે, વેલ્વેટ બનાવવા, ચટાઈના પડ તરીકે, પડદા તથા ચાદરો તરીકે તેમજ મોટરકારનાં સીટકવર બનાવવા વપરાય છે. આ ઉપરાંત આ રેસાઓનું પુન: સંશોધન કરતાં તેઓ ક્રિમ્પ્ડ વિસ્કોસ રેસાઓ બને છે તથા તેઓની આંતરિક રચના બદલાઈ જાય છે જે આકૃતિ 1માં દર્શાવી છે.
આ રેસા રેખીય રીતે બે ભાગમાં તૂટીને (ચિરાઈનો) રચાવાની રીત બદલે છે. આ બંને ચીરાઓ એકબીજાથી ભિન્ન રીતે – ધોલાઈ દરમિયાન સુકવણી દરમિયાન – વર્તે છે. આવા રેસાઓ ચટાઈઓ તથા પડદા માટે ઉપયોગી છે.
હૉલો વિસ્કોસ રેયૉન પણ મૂળ રેયૉનના રેસાઓમાં સોડિયમ કાર્બોનેટ ઉમેરી બનાવાય છે. પરિણામે તેના સ્પિનિંગ દરમિયાન તેમાંથી CO2 વાયુ છૂટો પડે છે તથા રેસાની ફૂલવાની શક્તિ (inflating force) વધે છે. કાર્બોનેટના પ્રમાણને માફકસર રાખીને આવા રેસાના પડની જાડાઈ અનુકૂળતા મુજબ રાખી શકાય છે. પૉલિયેસ્ટર સાથે આ પ્રકારના રેસા મેળવવાથી તે 100 ટકા સૂતર જેવી અસર દર્શાવે છે, જ્યારે ટ્વિલ વણાટથી તે નરમ અને ઊન જેવી હૂંફ આપે છે. થર્મલ અન્ડરવેર, હેવી ઓવરકોટ વગેરેમાં તે વપરાય છે.
આ ઉપરાંત ત્રીજી પેઢીના રેસાઓ, ફુલાવેલા વિસ્કોસ રેસાઓ (inflated viscose fibre) P.M.1 તથા P.M.2 તરીકે ઓળખાય છે. આના ઉત્પાદન માટે પણ બીજા રેસાઓ મેળવવામાં આવે છે, જેથી તેના બાહ્ય પડની જાડાઈ અનુકૂળતા મુજબની રાખી શકાય. આવા રેસાઓ પાણી વધુ સારી રીતે ગ્રહણ કરે છે. તેનું આણ્વીય બંધારણ પ્રમાણમાં ઓછું નિયમિત હોય છે. આવા રેસાઓ સૅનિટરી-ટૉવેલ બનાવવા વધુ વપરાય છે. આ પ્રકારના રેસાઓ 1960ના ગાળામાં વપરાશમાં આવ્યા.
(આ) નાયલૉન રેસાઓ : નાયલૉનની પ્રાથમિક બંધારણીય રચનામાં પૉલિયેમાઇડ બંધારણીય રચનામાં રાસાયણિક ફેરફાર સારી રીતે કરી શકાય છે, જેથી વિવિધ ગુણધર્મો દર્શાવતાં નાયલૉન મેળવી શકાય.
આ નવા પૉલિયેમાઇડને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (i) એલિફેટિક, (ii) એલિફેટિક-ઍરોમૅટિક તથા (iii) સંપૂર્ણ ઍરોમૅટિક. જાણીતાં નાયલૉન 6 તથા 66 રેસાઓ સંકોચાઈ જતા હોય (shrinking) છે, તેથી કાપડ તરીકે તેનો ઉપયોગ મર્યાદિત બની જાય છે. નાયલૉનનો મોજાં, પૅન્ટિઝ વગેરેમાં ઉપયોગ જાણીતો છે.
(i) એલિફેટિક પૉલિયેમાઇડ્ઝ પણ ટૂંકી શૃંખલાવાળાં કે લાંબી શૃંખલાવાળાં હોઈ શકે. ટૂંકી શૃંખલાવાળા રેસાઓનો અણુભાર નીચો હોય છે. તેને નાયલૉન 1, 2, 3, 4 તથા 4.2 કહે છે. તેમના અણુભાર નીચા હોય છે, તેથી તેમને નીચલા (lower) નાયલૉન પણ કહેવાય છે. આવા રેસાઓમાં બંધારણીય રજ્જુ તરીકે મોટા પ્રમાણમાં એમાઇડ-સમૂહો હોય છે તથા તે કુદરતી રેસાની માફક જળ-આકર્ષીય હોય છે. સ્ફટિકમયતાને કારણે તેમની ઉષ્મા તેમજ તેમના યાંત્રિક ગુણધર્મો પરત્વે તે સક્ષમ હોય છે.
લાંબી શૃંખલાવાળા એલિફેટિક પૉલિયેમાઇડ 6 કે વધુ કાર્બન ધરાવતા એકમોના સંઘનન બહુલીકરણથી બનતાં હોય છે. તેમાં નાયલૉન 6, 6.6, 11 તથા 6.10 પ્રકાર જાણીતા છે. આમાંના કેટલાક પોશાકો બનાવવા તથા બીજા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગોમાં વપરાય છે. તે પ્રમાણમાં ઓછા ભેજગ્રાહી, નીચાં ગલનબિંદુ તથા ઘનત્વવાળાં હોય છે. આ ગુણધર્મો શૃંખલા જેમ લંબાય તેમ ઘટતા જાય છે.
(ii) એલિફેટિક-ઍરોમૅટિક પૉલિયેમાઇડ્ઝ ઉદા. કીના (qiana) તથા નાયલૉન 6T. આમાં, શૃંખલાના બંધારણમાં જ ઍરોમૅટિક વલયો આવતાં હોઈ આવી શૃંખલાની નમ્યતા (flexibility) પર અસર કરે છે. નાયલૉન 66નું ગલનબિંદુ 256-260ને મુકાબલે નાયલૉન 6Tનું ગલનબિંદુ 3700 C છે. આવા રેસાઓ ટાયરો બનાવવામાં વપરાય છે. કીના નાઇલૉન રેસાઓ કુદરતી રેશમ જેવા જ દેખાય છે. કીનાનું ઘનત્વ 1.03 ગ્રા./મિલી. હોય છે. (સરખાવો : નાયલૉન 6નું ઘનત્વ 1.14 ગ્રા./મિલી.) ખૂબ ફૅશનેબલ ડ્રેસ-મટીરિયલ, શર્ટિંગ, સ્લૅક્સ (પૅન્ટ), ટાઇ વગેરે બનાવવામાં તે વપરાય છે.
(iii) સંપૂર્ણ ઍરોમૅટિક પૉલિયેમાઇઝ્ડ : એરામિડ (aramid) રેસાઓ તરીકે ઓળખાય છે તથા તેમાંના 85 % જેટલા એમાઇડ-બંધ (linkage) બે ઍરોમૅટિક વલય સાથે પ્રત્યક્ષ જોડાયેલ હોય છે. આવા રેસાઓની ઉષ્માપ્રતિકારક શક્તિ તથા તણાવશક્તિ ઊંચી હોય છે. ઍરોમૅટિક પૉલિયેમાઇડ્ઝ ડાઇમિથાઇલ ફોર્મામાઇડ જેવાં બેઝિક દ્રાવકોમાં કાર્બનિક કે અકાર્બનિક લવણોની હાજરીમાં દ્રાવ્ય હોય છે. એલિફેટિક પૉલિયેમાઇડ્ઝ ફોર્મિક કે ટ્રાયફ્લોરો એસિટિક ઍસિડ જેવાં ઍસિડ દ્રાવકોમાં દ્રાવ્ય છે. અમેરિકાની ડૂ પૉન્ટ કંપનીએ કેવલાર (kevlar) તથા નોમેક્ષ (nomex) નામના બે પ્રકારના રેસાઓનું ઉત્પાદન કર્યું છે. તેમાં કેવલારને સૌથી મજબૂત રેસા તરીકે જણાવ્યો છે. તેનો ઉપયોગ સ્ટીલને બદલે પ્રબલન દ્રવ્ય(reinforcing materials)માં થાય છે, જ્યારે નોમેક્ષ અગ્નિશામક કપડાં માટે તથા અવકાશમાં પહેરવાનાં કપડાં માટે વપરાય છે.
(ઇ) પૉલિયેસ્ટર રેસાઓ ટકાઉ અને પરિમાણાત્મક સ્થાયિત્વ(dimensional stability)વાળા હોય છે. નાયલૉન કરતાં તે કુદરતી રેસાઓમાં મેળવવા વધુ વપરાય છે. તેની મુખ્ય ખામી એ છે કે ખૂબ ચળકાટ કે ભડકણા યા ઘેરા રંગની ઝાંય તેમાં આવી શકતી નથી. આનું કારણ તેમાં ધ્રુવીય સમૂહ ન હોવાને કારણે તે જળ-અપાકર્ષીય છે તે છે. તેની રંગાવાની ક્ષમતા વધારવા પ્રયત્નો ચાલે છે. તે ઍરક્રાફ્ટ તથા રેલવેઉદ્યોગમાં, હોટલ-ઉદ્યોગમાં, હૉસ્પિટલોમાં વપરાય છે. અગ્નિપ્રતિકારક પૉલિયેસ્ટર પણ વિકસાવાયો છે.
રેસા ઉપર રંગ ચડાવવાનું (dyeability) સરળ રહે તે માટે વાહક-મુક્ત પૉલિયેસ્ટર તથા ધનાયનીય (cationic) પૉલિયેસ્ટર વિકસાવાયાં છે. ધનાયનીય પૉલિયેસ્ટરમાં સલ્ફોનિક ઍસિડ-સમૂહ ધરાવતા ઍડિટિવ રેસાના માળખામાં ઉમેરીને તેની સમમિતિ અસમ બનાવવી પડે છે, જેથી તેની સ્ફટિકમયતા ઘટી શકે. પરિણામે આ રેસા વધુ ઝડપથી રંગકો ગ્રહણ કરી શકે અને ઘેરા રંગ પણ તેના ઉપર ચડાવી શકાય. નિયમિત પૉલિયેસ્ટરમાં મિશ્ર કરી વિવિધરંગી રેસા બનાવવા તે વપરાય છે.
અગ્નિરોધક પૉલિયેસ્ટર બનાવવા માટે (i) રેગ્યુલર પૉલિયેસ્ટરનું રાસાયણિક માળખું ફેરવીને (ફૉસ્ફરસ કે હેલોજન સંયોજનો દ્વારા), (ii) પૉલિમરના પીગળેલા દ્રાવણમાં અગ્નિરોધક સંયોજનો ઉમેરીને અથવા (iii) આવા રેસાઓનું અથવા વણેલા કાપડનું અગ્નિરોધક એજન્ટ દ્વારા ફિનિશિંગ કરીને વપરાય છે. ટ્રેવિરા (Trevira) ટ્રેડનામ નીચે હેક્ઝટ કંપનીએ આવા રેસાઓનું ઉત્પાદન કર્યું છે. ઍર-જેટ ટેક્ષ્ચર પ્રણાલીમાં નીચી DPF (low denier per filament)વાળા રેસા વપરાય છે.
સામાન્ય પૉલિયેસ્ટર રેસામાં ઘર્ષણ પ્રતિકાલ ઓછો હોઈ તે ચટાઈ બનાવવામાં કામ આવી શકે નહિ, પરંતુ હેક્ઝટ કંપનીનું ટ્રેવિરા રેસાદાર કાપડ આ માટે વાપરી શકાય.
(ઈ) એક્રિલિક રેસાઓ કુદરતી ઊનને મળતા આવે છે તથા કૃત્રિમ ઊન તરીકે વપરાય છે. સન 1950થી 1970ના ગાળામાં આની માગ ખૂબ વધી હતી. તેવા રેસાઓ નરમ અને મજબૂત તથા ટકાઉ હોય છે. તે જંતુઓથી સુરક્ષિત છે તથા વિવિધ રંગે રંગી શકાય છે. હાલમાં તે ચટાઈઓ, કામળાઓ, બ્લૅન્કેટ, સ્વેટર વગેરેના ગૂંથણ માટે વપરાય છે. ઊનને બદલે આવા રેસાઓ વપરાય છે તથા તેમાં ફેરફારો કરીને સૂતરને બદલે પણ વાપરવામાં આવે છે.
દ્વિ-ઘટકયુક્ત એક્રિલિક રેસાઓ(આકૃતિ 2)માં જુદા જુદા ભૌતિક ગુણધર્મવાળા બે સહ-બહુલકો જોડાયેલા હોય છે. આ બંને ઘટકોની સંકોચાઈ જવાની (shrinkage) શક્તિ ભિન્ન હોઈ તેને ઉષ્મા આપીને બનતા રેસાઓ હોઝિયરી બનાવવામાં વપરાય છે.
એક્રિલિક રેસાઓમાં પાણી શોષવાની શક્તિ વધારવા માટે (i) એક્રિલિક રેસાના સ્પિનિંગ દરમિયાન તેમાં જળ-આકર્ષીય પદાર્થ ઉમેરીને સહ-બહુલીકરણ કરવામાં આવે છે અથવા (ii) રેસાની છિદ્રાળુતા વધારવા માટે તેના બંધારણમાં ફેરફાર કરાય છે. ઉદ્યોગમાં આ પ્રકારના ડ્રાયસ્પન ઑર્લોન રેસાઓ ઉપલબ્ધ છે.
અગ્નિરોધક એક્રિલિક રેસા એક્રિલોનાઇટ્રાઇલ ને હેલોજનયુક્ત સંયોજનો (વાઇનલ ક્લોરાઇડ, વિનિલિડીન ક્લોરાઇડ) સાથે સહ-બહુલીકરણ દ્વારા બનાવવામાં આવે છે. તેમાં ઉમેરેલાં સંયોજનમાં સહ-એકલક (comonomer) 15 %થી વધુ હોઈ તેઓને મોડ એક્રિલિક રેસા કહે છે. સલ્ફાઇડ, ફૉસ્ફેટ, રેઝિન, એમોનિયમ બ્રોમાઇડ, હાઇડ્રૉક્સિલ એમાઇન વગેરે સંયોજનો મિથિલોલ મેલામાઇન સાથે પ્રક્રિયા દ્વારા બનાવાય છે. આથી રેસાની અગ્નિરોધક શક્તિ વધે છે.
(ઉ) પૉલિઓલેફીન રેસાઓ છેક સન 1939થી જાણીતા છે. તે નીચા ઘટત્વવાળા (low density polyester, LDPE) પૉલિથીન દ્વારા બનાવાયેલા. સન 1954માં ઝીગ્લરે (Zieglar) નીચા દબાણે બહુલીકરણ દ્વારા ઊંચા ઘટત્વવાળું પૉલિથીન (high density polyester, HDPE) બનાવેલું. તે LDPE કરતાં વધુ સખત તથા ઊંચા ગ.બિંદુ(1350C)વાળું હોય છે. ત્યારબાદ ગ.બિં. 1650Cવાળું બહુલક માર્કેટમાં મુકાયું. આવા બહુલક રેસાઓમાં છેવટના સમૂહ ક્રિયાશીલ ન હોવાથી તેના ઉપર રંગ ચડાવી શકાતો નહિ. પૉલિપ્રોપિલીન ઊનની જગ્યાએ વપરાય છે. તે ફેબ્રિક્સમાં, સ્પિન્ડલ (કાંઠલો) ટેપ બનાવવા, કારના કાપડ માટે, પડદા માટે વપરાય છે.
જેલ (gel) સ્પિનિંગ દ્વારા એલાઇડ કૉર્પોરેશને સ્પેક્ટ્રા 900 તથા 1000 એવા બે પ્રકારના રેસાઓ વિકસાવ્યા છે. તે પાણીમાં તરી શકે તેવા હલકા હોય છે છતાં સ્ટીલના મુકાબલે 10 % વધુ શક્તિ ધરાવે છે તથા એરામિડ રેસા કરતાં 30 % વધુ મજબૂત હોય છે. દોરડાં બનાવવા, સઢ બનાવવા, બુલેટ-પ્રૂફ કાપડ બનાવવા તથા રડારના ઘુમ્મટ બનાવવા તે વપરાય છે. રમતગમતનાં સાધનોમાં પણ તે વપરાય છે. વિશિષ્ટ ઉચ્ચતા ધરાવતું પૉલિપ્રોપિલીન હમણાંથી પ્રાપ્ય છે, જે ઍસ્બેસ્ટૉસ કે તંતુકાચ(fiber glass)ની જગ્યાએ વાપરી શકાય છે.
(ઊ) અકાર્બનિક રેસાઓ : ગ્લાસ ફાઇબર, ઍસ્બેસ્ટૉસ ફાઇબર, ધાત્વીય રેસા વગેરે અકાર્બનિક પ્રકારની જાતો છે. ધાત્વીય રેસાઓ ડેકોરેશન માટે, ગ્લાસ તથા ઍસ્બેસ્ટૉસ ફાઇબર ઉષ્મીય વિસંવાહક (thermal insulation) તરીકે વપરાય છે. હાલમાં નવા રેસાઓ જેવા કે કાર્બન/ગ્રૅફાઇટ રેસાઓ, ઍલ્યુમિના તથા ઝિરકોનિયા તથા સિલિકોન કાર્બાઇડ રેસાઓ પણ બન્યા છે અને તેમના નવા નવા ઉપયોગો અંગે સંશોધન થઈ રહ્યું છે.
આવા રેસાઓ ઉષ્મારોધક હોય છે (6000 થી 16000 C તાપમાન). તે ઍસિડ-આલ્કલી-પ્રતિકારક પણ હોય છે. તે મજબૂતાઈ તથા સખતાઈમાં બધા રેસાઓમાં ઉત્તમ જણાયા છે.
કેટલાક નવા વિશિષ્ટ રેસાઓ : (1) ફીણવાળા (foaming) રેસાઓ – પૉલિયોલેફીન રેસાઓનો આવો પ્રકાર જપાની વૈજ્ઞાનિક ચીઝો(Chisso)એ વિકસાવ્યો છે. આવા ફોમિંગ એજન્ટ તરીકે એઝોડાઇકાર્બોનેમાઇડ, બેરિયમ એઝોડાઇકાર્બોક્સિલેટ, p-ટોલ્વિન સલ્ફોનાઇલ સેમી. કાર્બેઝાઇડ, ટ્રાઇહાઇડ્રેઝીનો-ટ્રાયાઝીન વગેરે વપરાય છે. આ રસાયણ માત્ર 0.1-2 % જેટલું જ ઉમેરવામાં આવે છે.
(2) નવા નાયલૉન રેસાઓ : નાયલૉન રેસાનો આ વિશિષ્ટ પ્રકાર છે જે ઇટાલીમાં વિકસાવાયો છે. તેને ફાઇબર ‘S’ કહે છે તથા સૂતર કરતાં વધુ ટકાઉ છે. વણાટમાં પણ તે ખૂબ સરળ રીતે વણી શકાય છે. તેમાં 0.5 % જેટલું વિશિષ્ટ ઍન્ટિ-ઑક્સિડન્ટ ઉમેરવામાં આવે છે.
(3) ઑપ્ટિકલ રેસાઓ (optical fibres) મુખ્યત્વે અકાર્બનિક રેસાઓ જ છે. વિશિષ્ટ ગ્લાસ ફાઇબરમાંથી તે બનાવવામાં આવે છે. ગ્લાસ ફાઇબર લેસરમાંથી નીકળતાં કિરણો રેડિયો સિગ્નલ કરતાં એક લાખગણું વધુ ઝડપી ટ્રાન્સમિશન કરી શકે છે. તેને ઑપ્ટિકલ ફાઇબર કહે છે. અમેરિકામાં ઇસ્ટમૅન કોડાક કંપની, જર્મનીમાં સીમેન્સ, જાપાનમાં સુમીતોમો વિદ્યુતઉદ્યોગ વગેરેએ આવા ઑપ્ટિકલ ફાઇબર વિકસાવ્યા છે જે ડેટા-ટ્રાન્સમિશન તથા ધ્વનિ ટ્રાન્સમિશનમાં વપરાય છે.
(4) જળ-કાચ રેસાઓ (water glass fibres) ઍસ્બેસ્ટૉસની અવેજીમાં વિકસાવાયા છે. તે અકાર્બનિક રેસાઓ છે. ક્લચ તથા બ્રેક લાઇનિંગમાં તે વપરાય છે.
(5) નવા P 84 રેસાઓ ઍરોમૅટિક પૉલિયેમાઇડ રેસાઓ છે તે 2800C તાપમાને પણ ઉષ્માસ્થાયી છે તથા ઍસિડ-પ્રતિકારક છે. તે બળતા નથી તેથી ફાયરમૅનનાં કપડાં માટે તથા ઍસ્બેસ્ટૉસ સબ્સ્ટિટ્યૂટ તરીકે વપરાય છે.
આર. આર. ગાંધી
અનુ. જ. પો. ત્રિવેદી