કાપડની ભાતની કલા : ગુજરાતના રંગરેજ અને છીપાગરની કાપડ ઉપર છપાતી ભાતની કલા. વસ્ત્રપરિધાનમાં વિવિધ રંગો વપરાય છે. ખૂબ ભભકભર્યા રંગો કચ્છ જેવા રણપ્રદેશમાં રહેતા લોકોના પહેરવેશમાં જોઈ શકાય છે. દરેક વર્ણ ઉત્સવો સમયે અથવા કોઈ વિધિવિધાન વખતે પોતપોતાના દેશ કે ગામની ખાસિયત પ્રમાણેના રંગોનાં કપડાં પહેરે છે. આથી એમ લાગે કે રંગરેજ ક્યારેય પણ કામ વગર નહિ રહેતો હોય. કાપડ ઉપરની છપાઈ માટે અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા, સૂરત, જેતપુર, ભૂજ, જામનગર વગેરે ઘણાં સ્થળો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જાણીતાં છે.

ગાંઠ બાંધીને રંગવું એ પદ્ધતિ વધુ સમય અને ચતુરાઈ માગી લેનારી છે. આ જાતનું સુંદર કામ મજૂરી સસ્તી હોય તો પરવડે. ઝીણવટભર્યું કામ કરવાની આવડત અને ડિઝાઇન કરવાની કુશળતાને કારણે કાપડમાં સુંદર કલાત્મક કામ થઈ શક્યું છે. કાપડનો અમુક ભાગ દોરાથી બાંધીને તેને અમુક પ્રકારે તૈયાર કરેલા રંગમાં ઝબોળવામાં આવે છે. ડિઝાઇન પ્રમાણે માટીનો લેપ (ગારો), દિવેલ, મીણ વગેરેનો ઉપયોગ થાય છે. બધા દોરા કાઢી નાખવામાં આવે ત્યારે રંગો અને દાણાની અવનવી ડિઝાઇન ઊપસી આવે છે. આ બાંધણીની કલા માટે રાજપૂતાના, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર પ્રખ્યાત છે. બાંધણી, લહેરિયાં અને લાલ ચૂંદડી સ્ત્રીઓના પોશાકમાં સુંદર લાગે છે. પુરુષો બાંધણીનો ઉપયોગ માત્ર ફેંટા માટે કરે છે.

આ પ્રાચીન કલામાં ડિઝાઇનની કલાત્મકતા, રંગની મેળવણી અને પાકા રંગ ખાસ ધ્યાનપાત્ર છે. કાપડની મિલોએ સુંદર રંગો અને આકર્ષક ડિઝાઇનોમાં સસ્તી સાડીઓ સુલભ કરી છતાં પૂરેપૂરી કુશળતા અને બુદ્ધિચાતુર્યની પ્રતીતિ કરાવતી બાંધણીનો શોખ ઓછો થયો નથી. બાંધણી બાંધવાનું કામ સ્ત્રીઓ અને પુરુષો બંને કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણાં કુટુંબો બાંધણીના હુન્નર ઉપર નભે છે. આજના કાપડઉદ્યોગના જમાનામાં પાકા રંગો રસાયણથી તૈયાર કરવામાં આવે છે. પરંતુ આજથી સૈકાઓ પહેલાં સાડીઓ માટેના રંગો વનસ્પતિમાંથી તૈયાર થતા અને તેમાં ખાસ કરીને અમુક વૃક્ષોની છાલ કે પુષ્પો જેવાં કે કેસૂડો, બાવળની છાલ, મજીઠ, સાજીખાર, ફટકડી વગેરેનો ઉપયોગ થતો.

કાપડ-છાપકામની એક મનોહર ભાત

કાપડ ઉપર છાપકામ કરવા માટે લાકડાના ટુકડા (blocks) ઉપર ડિઝાઇન કોતરવામાં આવતી; તેને બીબું કહેવામાં આવતું. આ બીબાને રંગમાં ઝબોળીને પછી કાપડ ઉપર છાપવામાં આવતું. આ છાપકામ પણ વિશિષ્ટ ગુણયુક્ત હોય છે. ચૂંદડી, પટોળાં, સાદા ગાળા, લહેરિયાં, પોમચા, નગરિયાં, ચણિયા વગેરે માટે કાપડ ઉપર કેટલાક કારીગરો ઉત્કૃષ્ટ કોટિનું છાપકામ કરતા. ઉપરાંત ઘરવપરાશ માટે ટેબલ-ક્લૉથ, ચાદર કે ઓછાડ, પડદા, હાથનાં પાકીટો કે બગલથેલા, થેલીઓ, જાજમ કે શેતરંજીઓ, ચંદરવા, તકિયા કે ઓશીકાંની ખોળો વગેરે ઉપર વિવિધ પ્રકારનું છાપકામ થતું. સમયના વહેણ સાથે પ્રાકૃતિક ડિઝાઇનો, ભૌમિતિક ડિઝાઇનો, પશુપંખી વગેરેની ડિઝાઇનો પછી ચંદરવા કે જાજમની ડિઝાઇનોમાં કેટલાક પૌરાણિક પ્રસંગો છાપવામાં આવતા. કેટલીક વાર વાળા(brush)થી ડિઝાઇનો કરાતી.

જે કાપડ રંગીને કે છાપીને તૈયાર કરવામાં આવતું તે સામાન્ય રીતે માણસના ઉપયોગ પ્રમાણે કરાતું. આ કાપડની મુલાયમતા તથા રંગ-ડિઝાઇનનું વૈવિધ્ય આકર્ષક જણાતાં. ભારતની અભણ, અબૂઝ, ફૅશનથી અજાણી એવી ગ્રામીણ સ્ત્રીઓમાં રહેલી આ રંગસંયોજન કે રંગપસંદગી માટેની આંતરસૂઝ પ્રશસ્ય હોય છે. તેમાં લાલ રંગને મહત્વનું સ્થાન અપાયું લાગે છે.

બાટિક : ડિઝાઇન પ્રમાણે જે ભાગને રંગવાનો હોય તેના ઉપર મીણ જેવાં રસાયણોની મદદ વડે કસબી (કારીગર) પોતાની ડિઝાઇન ઉપસાવી શકે છે. ચાદર, રૂમાલ, લુંગીઓ, તકિયાની ખોળ અને સાડી જેવા અનેકવિધ નમૂના બાટિક કામની લોકપ્રિયતા પુરવાર કરે છે. કચ્છ અને ઉજ્જૈનનું બાટિક પ્રિન્ટ વખણાય છે.

રોગાન (ગારો) : કચ્છમાં તેમજ મહેસાણાના ચૌધરી પટેલ, ખેડૂતોની સ્ત્રીઓના ચણિયામાં ગારો પ્રિન્ટની ખાસિયત જણાય છે. ગારો એટલે કે જ્યાં રંગ ન જોઈતો હોય ત્યાં કપડાં ઉપર માટીનો લેપ લગાડીને પછી તે રંગવામાં આવતું. આ રીતે બાટિક અને ગારોની પદ્ધતિ સરખી જણાય છે. કદાચ મીણ કરતાં ગારાનો ઉપયોગ વધુ સસ્તો અને વધુ સુલભ હોવાને કારણે તેનો વધુ ઉપયોગ થતો હશે.

અજરક પ્રિન્ટ : એ કચ્છનાં ગામડાંમાં તેમજ અંજારની આસપાસ અને જોધપુરમાં પણ થાય છે. આ પ્રિન્ટને માટે આ પ્રદેશોનાં પાણી તથા હવામાન વધુ અનુકૂળ આવે છે. તેથી તેની પ્રિન્ટનો ઉઠાવ આવે છે. આ જાતની પ્રિન્ટને માટે વનસ્પતિજન્ય રંગો વપરાય છે. ખત્રીઓ રંગકામ અને છાપકામ માટે જાણીતા છે. જોઈતી સામગ્રી તે જુદા જુદા પ્રદેશોમાંથી મંગાવે છે. રંગોનું મિશ્રણ જાતે કરીને ભાતભાતના મનોહર રંગો બનાવીને કાપડ રંગે છે. સાડલા, પછેડા અને ફેંટાનો ઉપાડ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામજનો કરતા હતા. ભૂજ, માંડવી અને અંજારમાં બનતી રંગબેરંગી ચૂંદડીઓ અને સાફા; મુંદ્રાની શીરક, રૂમાલ, ઉપરણાં અને ધમડકા; ચોબારી તથા લખપતની અજરક ખાસ વખણાતી હતી. લાલ ભૂમિકા ઉપર ઘેરા ભૂરા રંગના છાપકામવાળા કાપડ માટે ભૂજમાં દેવજી ખટાઉ એક સમયે મશહૂર થઈ ગયા.

અહીં સત્તરમા સૈકાનો ઉત્તરાર્ધનો એક ઐતિહાસિક પ્રસંગ નોંધવો જોઈએ. કચ્છ-માંડવીના ખત્રી જેઠીબાઈ(પંજુ ખત્રીની પત્ની)એ 400 કારીગર સાથે પોર્ટુગીઝના દીવમાં (સૌરાષ્ટ્રના કિનારે) વણવા, રંગવા અને છાપવાનું સુતરાઉ કાપડનું એક કારખાનું શરૂ કર્યું. આ વખતે પોર્ટુગીઝોનો એક ક્રૂર રિવાજ હતો કે અનાથ અને અપરિણીત હોય તે બાળકને જોરજુલમથી ખ્રિસ્તી બનાવવામાં આવતો અને તેની મિલકત પણ પોર્ટુગીઝ સરકાર લઈ લેતી; આ અંગે બંડ પોકારવાનું જેઠીબાઈએ નક્કી કર્યું. તેણે પોર્ટુગીઝ ભાષામાં પોર્ટુગીઝના બૅરિસ્ટર પાસે એક અરજી લખાવી. આ અરજીને તેમણે એક લાકડાના બીબામાં કોતરીને તૈયાર કરાવી. સુંદર સુતરાઉ કાપડને રંગીને આકર્ષક ડિઝાઇનવાળું તૈયાર કરીને તે અરજીને તેમાં છાપી. જેઠીબાઈ પોતે તે અરજી લઈને ગોવા ગયાં. રાણી આ અરજી અને તેમાંનું કારણ જોઈને ગદગદિત થઈ ગયાં. ઉપરાંત સુંદર રીતે કીમતી કાપડ ઉપર છાપેલી અરજી અને જેઠીબાઈની હિંમત અને પરોપકારી વૃત્તિની ઊંડી અસર રાણીના મન ઉપર થઈ. રાણીએ તામ્રપત્ર ઉપર આ અમાનુષી કાયદાને રદ કરતું લખાણ કોતરાવીને જેઠીબાઈને આપ્યું. ઉપરાંત જેઠીબાઈને અદ્વિતીય માન આપવામાં આવ્યું. જેઠીબાઈના ઘર પાસે અઠવાડિયે એક વખત મિલિટરી બૅન્ડ રાજ્ય તરફથી વગાડવામાં આવે અને જ્યારે જ્યારે રાજ્યના કોઈ પણ અમલદાર જેઠીબાઈના ઘર પાસેથી પસાર થાય ત્યારે પોતાની હૅટ ઉતારીને જેઠીબાઈને માન આપવું. આ તામ્રપત્ર અને જેઠીબાઈનો માનમરતબો જાળવવાની રીત પણ જાહેર સભામાં કરવામાં આવી. આ પ્રસંગ સત્તરમા સૈકામાં દીવમાં કાપડ રંગવાનો અને છાપવાનો ધંધો કેવો ફાલ્યો અને વિકસ્યો હતો તેનો ખ્યાલ આપે છે.

ધાબળાના ઉત્પાદન માટે જોધપુર, બીકાનેર તેમજ કચ્છમાં ભૂજ, માંડવી, ભુજોડી (ભૂજ અને રાપરની વચમાં), બાઢમેર વગેરે જાણીતાં છે. આ તમામ ઊનીકામ ઘેટાં-બકરાંના ઊનમાંથી કરવામાં આવતું.

કામળા : ઓછી પહોળાઈનું વણાટકામ કરીને બે સાંધાને જોડીને ઓઢવા માટેનું પહોળું ‘ઓછાડ’ જેવું કરવામાં આવતું. તે બે સાંધાને જોડવા રંગીન દોરાનો ઉપયોગ થતો. આ કામળા મુખ્યત્વે સફેદ બનતા પરંતુ તેની કિનારી પર તેમજ બંને છેડે સુંદર રંગબેરંગી કલાયુક્ત પાલવની ડિઝાઇન થતી. સામાન્ય રીતે કામળાનો ઉપયોગ ભરવાડ જાતિ વિશેષ કરે છે. આવા કામળાનો હુન્નરઉદ્યોગ કચ્છ તેમજ રાણપુર અને સાયલા (સૌરાષ્ટ્ર) પાસે ઘણો ખીલ્યો છે. અત્યારના કલાશોખીનો આવા કામળાનો ઉપયોગ એક ફૅશન તરીકે કરે છે.

પટ્ટુ : ઊનની જે નકામી કરચો કે ઊનનો જે કચરો પડે છે તેને દબાવીને તેનું ગરમ કાપડ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે પટ્ટુ તરીકે ઓળખાતું આ કાપડ ખૂબ ગરમ હોય છે. તેથી શિયાળામાં પહેરવા માટે તેમાંથી બંડી, કોટ વગેરે બનાવવામાં આવે છે. ક્યારેક ઠંડા પ્રદેશોમાં તેની જાજમ પણ બનાવવામાં આવે છે. કાશ્મીરના ‘ગબ્બા’ પણ આ જ પ્રકારે બનાવવામાં આવે છે.

જોધપુર પાસે બલોત્રા ગામ છે. ત્યાં ઊંટના વાળમાંથી ઉત્તમ ગાલીચા પ્રકારની જાજમ નિકાસ માટે બનાવવામાં આવે છે.

થેલા : ખભે લટકાવીને બે હાથ છૂટા રહે તેવા થેલાનો ઉપયોગ સૌપ્રથમ આ પ્રદેશમાં થવા લાગ્યો. ભરવાડ ઊનના તારને વણતાં વણતાં ઢોર ચારવા જતા હોય ત્યારે તે ઊનનો દડો થેલામાં રાખે અને તકતીથી તેને વણતા જાય. એથી બે હાથનો ઉપયોગ સહેલાઈથી ઊન કાંતવામાં થતો. ધીરે ધીરે થેલાનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ તેને નવી નવી ડિઝાઇનવાળા બનાવાયા. તેમાં ભરતકામ કે રંગ પૂરીને થેલા આકર્ષક બન્યા. તેમાં તે પ્રજાની કલાર્દષ્ટિ પ્રતીત થાય છે.

પ્રિયબાળાબહેન શાહ