કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ (જ. 7 ડિસેમ્બર 1879, ભાવનગર; અ. 27 માર્ચ 1951, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક. તેઓ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પંદર વર્ષ સુધી કૉર્પોરેટર તથા જૈન સમાજના અગ્રણી કાર્યકર અને બી.એ.,એલએલ.બી., સૉલિસિટર હતા. મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયની તેમણે સ્થાપના કરી હતી. એમણે લખેલાં પુસ્તકોમાં ‘જૈન ર્દષ્ટિએ યોગ’, ‘નવયુગનો જૈન’, ‘યશોધરાચિત્ર’, ‘મોતીશા શેઠનું ચરિત્ર’, ‘બહુત ગઈ થોડી રહી’, ‘યુરોપનાં સંસ્મરણો’, ‘સાધ્યના માર્ગે’ વગેરે મૌલિક છે. તેમણે જૈન ધર્મનાં અનેક પુસ્તકોના અનુવાદ કરી સંપાદિત કર્યાં હતાં; એમાં બુલરના પુસ્તક ‘હેમચન્દ્રાચાર્યનું જીવનચરિત્ર’, ‘અધ્યાત્મકલ્પદ્રુમ’, ‘આનંદઘન પદ્યરત્નાવલિ’, ‘શાન્તસુધારસ’ મુખ્ય છે. આ ઉપરાંત તેમણે પ્રવાસવર્ણનો તથા બીજાં લોકોપયોગી પુસ્તકો લખ્યાં છે.

ગીતા પરીખ