કાપડિયા, પરમાનંદ કુંવરજી (જ. 18 જૂન 1883, રાણપુર; અ. 17 એપ્રિલ 1976, મુંબઈ) : સન્નિષ્ઠ સમાજસુધારક તથા નિર્ભીક પત્રકાર. તેમણે જૈન સમાજના જુનવાણી રીતરિવાજો તથા અનિષ્ટ વ્યવહારોની સામે અવાજ ઉઠાવવા તથા તેમનો સામનો કરવા માટે સામયિકો અને મંડળો શરૂ કર્યાં હતાં.

પરમાનંદ કુંવરજી કાપડિયા

ગાંધીજીના નિકટના પરિચય પછી તેમણે જેલવાસ ભોગવ્યો હતો. (1930-32) અને સુધારાવાદી વલણના માધ્યમ તરીકે શરૂઆતમાં ‘તરુણ જૈન’ અને ત્યારબાદ ‘પ્રબુદ્ધ જૈન’ (1934થી 1953) શરૂ કરેલાં જે પછીથી ‘પ્રબુદ્ધ જીવન’(1953થી 1971)ના શીર્ષકથી ચાલતું. તેમના અવસાન પછી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા હાલ (2005) રમણલાલ ચી. શાહના તંત્રીપદે તે ચાલે છે. તેમણે ‘આધુનિક જૈનોનું કલાવિહીન ધાર્મિક જીવન’ એ શીર્ષકથી લખેલી લેખમાળાએ જૈન સમાજમાં ઊહાપોહ મચાવ્યો હતો (1910). તેમનો લેખસંગ્રહ ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્’ (1954) છે. ‘ચિંતનયાત્રા’ લેખો તથા પત્રોનું મરણોત્તર પ્રકાશન (1974). જૈન સમાજમાં સુધારો કરવા તેમણે મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી (1928) તથા મૃત્યુપર્યંત તેનું સફળ સંચાલન કર્યું. નવા વિચારો અને જ્ઞાનના ફેલાવાના હેતુથી તેમણે 1932માં શરૂ કરેલી પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા લોકચાહના મેળવી આજ સુધી (2005) જીવંત રહેવા પામી છે.

જૈન યુવક સંઘે તેમના નામનું સભાગૃહ સ્થાપ્યું તથા વર્ષના શ્રેષ્ઠ ચિંતનગ્રંથને માટે પરમાનંદ કાપડિયા પારિતોષિકની યોજના કરી છે.

ગીતા પરીખ